વચનોની હારમાળા

વચનોની હારમાળા
August 1, 2026
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ

આજના માહિતીના વિસ્ફોટવાળા યુગમાં આપણે સોશિયલ મીડિયાના અનેક માધ્યમોથી બહુ જલ્દી અંજાઈ જઈએ છીએ. કોઈનું પ્રભાવશાળી વક્તવ્ય સાંભળીને કે ચળકાટભર્યું લખાણ વાંચીને આપણે તરત જ તેમને અનુસરવા લાગીએ છીએ, પણ શું આંખો બંધ કરીને કોઈની પણ પાછળ ચાલવું યોગ્ય છે ? આ પ્રશ્ન આપણા આધ્યાત્મિક કલ્યાણ સાથે જોડાયેલો છે. આ મૂંઝવણના સચોટ ઉકેલ માટે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં એક દિવ્ય ચાવી આપી છે. સ્વામી કહે છે : “મોટા મોટાના શબ્દોની હારો કરીને તપાસ કરવો જે, એમનો શું મત છે ને એ શું કરવાનું કહે છે, ને એ કેમ વર્તે છે ? એમ તપાસીને પછી તે માર્ગે ચાલવું.” સ્વામીના આ એક જ વચનમાં જીવન જીવવાની સંપૂર્ણ ફિલસૂફી સમાયેલી છે. સ્વામી સમજાવે છે કે મોટાના શબ્દોની ‘હારો’ કરવી જોઈએ. જેવી રીતે આપણે કીમતી મોતીઓને એક દોરામાં પરોવીને સુંદર હાર બનાવીએ છીએ અને તેને હૃદય પાસે સાચવીને પહેરીએ છીએ; તેમ ભગવાન અને સંતોની વાતોની હારમાળા બનાવી તેને હૃદયમાં ધારણ કરવી જોઈએ.

આપણું જીવન એક અજાણ્યા પ્રદેશ જેવું છે; જ્યાં ડગલે ને પગલે અનેક માર્ગો ફંટાય છે. આ અજાણ્યા રસ્તાઓ પર સાચો માર્ગ કયો ? તેમજ ‘શું કરવું અને શું ન કરવું ?’ જેવા આપણા મનમાં ઊઠતા દ્વંદ્વમાં મોટા પુરુષની વાતો હોકાયંત્ર જેવું કામ કરે છે. આપણે જ્યારે કોઈ ગંભીર મુશ્કેલીમાં હોઈએ, ત્યારે ‘આ પરિસ્થિતિમાં મોટા પુરુષો શું કરે છે ?’ માત્ર આટલો વિચાર જ આપણા અનેક પ્રશ્નોને પળવારમાં હલ કરી દે છે. વળી, ઘણી વાર આપણે મોટા પુરુષોના શબ્દો તો સાંભળીએ છીએ, પણ તેની પાછળનો ખરો આશય કે મત સમજી શકતા નથી. સત્પુરુષ જે કંઈ કહે છે, તે ક્યારેય પોતાના સ્વાર્થ માટે નથી હોતું. તેઓ જે વચન આપે છે તેની પાછળ જીવનું હિત જ છુપાયેલું હોય છે. તો ચાલો, એક વાર્તા દ્વારા આપણા પરત્વેના સત્પુરુષના આવા હિતને સમજવાનો પ્રયાસ કરીએ.

માધવ નામનો એક સત્સંગી યુવાન હતો. તેણે ઔષધિઓનો વેપાર કરવાનું વિચાર્યું. વેપાર શરૂ કરતાં પહેલાં તે એક સંત પાસે આશીર્વાદ લેવા ગયો. સંતે તેને જીવનમાં સફળ થવા માટે માત્ર એક જ નિયમ આપ્યો : ‘જીવનમાં ક્યારેય ત્રાજવાના પલ્લામાં અસત્યનો ભાર ન મૂકવો.’

માધવે વેપાર શરૂ કર્યો. તે દરરોજ સવારે પોતાના લોખંડના ત્રાજવાને બરાબર સાફ કરતો અને વજનમાં ક્યારેય ગ્રાહકને છેતરતો નહીં, પરંતુ સમયાંતરે વધુ નફો કમાવા માટે તે ઔષધિઓમાં હલકી કક્ષાની સામગ્રી ભેળવવા લાગ્યો. સંતને જ્યારે આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે માધવને બોલાવીને કહ્યું : ‘તારું ભૌતિક ત્રાજવું ભલે સાચું હોય, પરંતુ તું ઔષધિઓમાં ભેળસેળ કરીને ગ્રાહકના ‘વિશ્વાસના ત્રાજવા’માં અસત્યનો ભાર મૂકી રહ્યો છે. મારો મત માત્ર લોખંડના કાંટા પૂરતો સીમિત ન હતો, મારો ખરો આશય તો તારા વ્યાપારમાં સંપૂર્ણ નૈતિકતા જાળવવાનો હતો.’

માધવને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે સંતના શબ્દોની પાછળનો સાચો આશય સમજી ગયો અને તેણે ભેળસેળ કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું.

થોડા વર્ષો વીત્યા. એક દિવસ નગરમાં એક મોટો વિદેશી વેપારી આવ્યો. તેણે નગરના વેપારીઓને લાલચ આપી કે, ‘જો તમે મને ગુણવત્તા સાથે થોડી બાંધછોડ કરીને ઔષધિઓ આપશો, તો હું તમને બમણાં નાણાં આપીશ.’

નગરના અન્ય વેપારીઓ રાતોરાત અમીર બનવાની લાલચમાં આવી ગયા અને સોદો કરી લીધો. માધવને પણ એક ક્ષણ માટે લાલચ આવી, પરંતુ તેને તરત જ સંતના શબ્દોનો સાચો આશય યાદ આવ્યો કે, ‘વિશ્વાસના ત્રાજવામાં અસત્યનો ભાર ન મૂકવો.’ તેણે અડગ રહીને એ પ્રસ્તાવ નકારી કાઢ્યો.

થોડા દિવસો પછી ખબર પડી કે પેલો વિદેશી વેપારી વાસ્તવમાં રાજાનો જ ગુપ્તચર હતો; જે રાજ્યના ભ્રષ્ટ વેપારીઓને પકડવા આવ્યો હતો. લાલચમાં આવીને ભેળસેળ કરનારા તમામ વેપારીઓની સંપત્તિ જપ્ત થઈ અને તેમને જેલની સજા થઈ; જ્યારે સંતનાં વચનો સાચાં સમજીને તેનું પાલન કરવાને કારણે માધવનું પતનથી રક્ષણ થયું અને રાજાએ તેની પ્રામાણિકતા જોઈને તેને રાજ્યનો ‘મુખ્ય ઔષધિ-વિક્રેતા’ બનાવી દીધો.

માર્ગદર્શકના શબ્દોનું માત્ર બાહ્ય પાલન કરવા કરતાં, તેનો આશય સમજીને જીવનમાં ઉતારવાથી ગમે તેવી લાલચ કે મુશ્કેલીના સમયે આપણું મોટા પતનથી રક્ષણ થાય છે.

સ્વામી માત્ર શબ્દોને જ નહિ, પણ સત્પુરુષના વર્તનને પણ તપાસવાની વાત કરે છે. સત્પુરુષનું જીવન એક ખુલ્લા શાસ્ત્ર સમાન છે. શાસ્ત્રોમાં લખેલા કઠિન નિયમોનું વ્યવહારુ પાલન કેવી રીતે કરવું ? તે આપણને સંતના આચરણમાંથી શીખવા મળે છે. જેમ સમુદ્રમાં ઘૂઘવતાં મોજાંઓ વચ્ચે જહાજને ‘લાઇટહાઉસ’ દિશા બતાવે છે; તેમ સત્પુરુષનું જીવન ભટકતા જીવને સાચો માર્ગ બતાવે છે. મોટા પુરુષના વર્તનને બારીકાઈથી જોવું; એ આપણા માટે પ્રેરણા મેળવવાનો સર્વોત્તમ સ્રોત છે.

Blog સંબંધિત લેખો