વચન

વચન
February 1, 2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુન્ડલધામ
0:00/0:00

એક ચોર હતો. તે એક દિવસ કોઈ સાધુના પ્રસંગમાં આવી ગયો. સાધુએ તેને કહ્યું, “તું કંઈક નિયમ રાખ.” ચોર કહે, “શું નિયમ રાખું ?” સાધુએ કહ્યું, “તારે જૂઠું ન બોલવું.”

એક રાત્રે તે ચોર રાજમહેલમાં ચોરી કરવા ગયો. અને રાજા પણ વેશપલટો કરી નગરચર્ચા જોવા નીકળ્યા હતા. તેણે આને જોયો એટલે પૂછ્યું, “કોણ છો ?” ચોર સાચું બોલ્યો, “ચોર છું.” રાજાને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું, “ક્યાં જા છો ?” “રાજાનો ખજાનો ફાડવા.” ચોરે જવાબ આપ્યો.

રાજાને થયું, ‘કોઈ ચોર આવું ન બોલે.’ રાજાએ કહ્યું, “હું પણ ચોર છું. ચાલો આપણે બન્ને સાથે જઈએ.” પછી તેઓ બન્ને રાજમહેલના ખજાનામાં ગયા. પછી તેઓએ તિજોરીમાંથી દાગીનાની બે પેટીઓ ચોરી લીધી. પછી બન્ને ભાગી ગયા. સીમાડે જઈ તેમણે જમીનમાં પેટીઓ દાટી દીધી. ત્યારબાદ ચોર પોતાને ઘેર જતો રહ્યો અને રાજા મહેલમાં આવી સૂઈ ગયા.

ચોકીદારોએ સવારે રાજાને ખબર આપી કે, “આપણો ખજાનો લૂંટાણો છે.” રાજાએ દીવાનજીને કહ્યું, “ખબર કાઢો. શું શું ગયું છે ?

દીવાન ખજાના પાસે પહોંચ્યો, તેને ખબર હતી કે ખજાનામાં સોનામહોરની ચાર પેટીઓ હતી. દીવાને જોયું તો ત્યાં બે પેટી હતી. તેને થયું કે ચોર બે પેટી લઈ ગયા છે, તેની કોઈને ખબર નથી; આમ વિચારી તેણે કોઈ જાણે નહિ તેમ વધેલી બે પેટીઓ પોતાના ઘરમાં મૂકી દીધી. પછી રાજા પાસે આવીને કહ્યું, “મહારાજા, સોનામહોરની ચાર પેટીઓ ચોરાઈ છે.”

રાજા સમજી ગયા કે દીવાને દગો કર્યો છે, છતાં તેમણે કહ્યું, “દીવાનજી, ચોરની તપાસ કરાવો.” દીવાને ખૂબ તપાસ કરાવી, પણ ચોર મળ્યા નહીં. પછી રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે, “જેણે રાજાના ખજાનામાંથી ચોરી કરી હોય તેણે આજે બાર વાગે રાજદરબારમાં હાજર થવું.” રાજા જાણતા હતા કે પેલો સાચા બોલો ચોર જરૂર આવશે.

પછી તે ચોર બાર વાગે રાજદરબારમાં આવ્યો. તેણે રાજાને સલામ કરીને સાચું કહ્યું, “અમે બે ચોરોએ મહેલમાં ચોરી કરી હતી.” રાજાએ કહ્યું, “ શું ચોર્યું હતું ?” ચોરે કહ્યું , “રાજાસાહેબ, સોનામહોરોની બે પેટીઓ લીધી હતી.” રાજાએ દીવાનને કહ્યું, “દીવાન સાહેબ, બીજી બે ક્યાં ગઈ ?” દીવાને કહ્યું, “મહારાજા, આ જૂઠું બોલે છે.”

રાજા તો સાચી વાત જાણતા હતા. તેણે સિપાઈઓને કહ્યું, “દીવાનના ઘરની જપતી લ્યો.” સિપાઈઓએ દીવાનનું ઘર તપાસ્યું તો તેમાંથી બે પેટી નીકળી. રાજાએ દીવાનને કહ્યું, “સાલા દગાબાજ, ચોર તો તું જ છો. આ ચોર તો શાહુકાર છે.” પછી ચોરને કહ્યું, “આજથી તું મારો દીવાન.” એમ કહી ચોરને દીવાન બનાવ્યો અને દીવાનને જેલમાં પૂર્યો.