
વ્યક્તિની પાત્રતા કરતાં પ્રતિષ્ઠા વધી જાય ત્યારે તેનામાં મેડનેસ(ગાંડપણ) આવે છે. એટલે જ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે, ‘જેને ૧૦, ૨૦ કે ૫૦ મનુષ્ય માને તેને ગંડવા થાય છે.’ કોઈ માણસ આ દુનિયામાં જન્મે છે ત્યારે તેની પાસે કોઈ પણ પ્રકારનો પાવર હોતો નથી. તે માત્ર એક લાચાર બાળક હોય છે; પણ ધીરેધીરે અનેકની મદદ, હૂંફ, બળ અને આશીર્વાદથી જ્યારે તેને કોઈ કુશળતા, સત્તા, ડિગ્રી કે પ્રભુત્વ પ્રાપ્ત થાય છે ત્યારે તેને લઈને તે બે-પાંચ કે વધુ લોકોમાં પ્રસિદ્ધિ પામે છે.
પરંતુ લોકોની સરાહના અને વાહ વાહને કારણે ‘હું વિચારું છું તે જ સાચું છે, બધાને તે ગમે છે, હું બધું જ કરી શકું’; આવું સ્વશ્રેષ્ઠતાનું ભૂત વળગે છે, ત્યારે આ લોકચાહનાનો નશો એક વિચિત્ર ગાંડપણ જન્માવે છે. તેનો ચાહક વર્ગ જ તેને ઓવર કોન્ફિડન્સ કરાવી તેના પગ ધરતી પર અડે નહિ તેવી રીતે તેને ઉપાડી લે છે. પછી જેની કૃપાથી તે અહીં સુધી પહોંચ્યો તે તમામથી અને સાચું કહેનારા હિતેચ્છુઓથી તેને પોતાના વિચારો અને ચાહક વર્ગના મસકા જ શ્રેષ્ઠ લાગે છે. અંતે આ ભ્રમ અનેક ખોટા નિર્ણયો લેવડાવી તે વ્યક્તિ અને તેની સાથે જોડાયેલા તમામનું અધઃપતન નોતરે છે.
રાજકીય ક્ષેત્રે બેનિટો મુસોલિની ઇટલીનો એક લોકપ્રિય નેતા બન્યો. તે મિલાન શહેરની એક મોટી ઇમારતની બાલ્કનીમાં ઊભો રહીને લાખોની ભીડ સામે નાટકીય ભાષણો આપતો. અને નીચે ઊભેલું ટોળું “દુચે, દુચે”(અમારા અગ્રણી)ના નારા લગાવતું. ઇટલીના સિક્કાઓ, ટપાલ, ટિકિટો અને શાળાના પુસ્તકોમાં તેની તસવીરો છપાતી. અખબારોમાં ક્યારેક ઘોડા પર સવાર, ક્યારેક વિમાન ઉડાવતો અને ક્યારેક રેસિંગ કારમાં હોય તેવી તેની તસવીરો છપાતી. હજારો-લાખો લોકો મારી પાછળ ચાલે છે; એવી તેની ભ્રમણાએ છેવટે નાર્સિસીઝમ(સ્વાભિમાન)નું રૂપ ધારણ કર્યું.
છેવટે ૧૯૪૩માં હિટલર સાથેની તેની મૈત્રીએ ઇટલીમાં ખળભળાટ મચાવી દીધો. તેના જ સૈન્ય અધિકારીઓએ મુસોલિનીને સત્તા પરથી હટાવીને નજરકેદ કરી દીધો. વેશપલટો કરી ભાગવા છતાં તે પકડાઈ ગયો અને તેને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. ૨૦ વર્ષના શાસનને અંતે તેના મૃતદેહને મિલાન શહેરના એ જ જાહેર ચોકમાં પેટ્રોલ પંપની સામે ઊંધો લટકાવવામાં આવ્યો. અને જે ટોળું એકવાર તેની સામે ઝૂકતું હતું તે જ આજે ભેગું થઈ તેના ઉપર થૂંકતું થઈ ગયું.
આધ્યાત્મિક ક્ષેત્રે જાપાનમાં જન્મેલ શોકો અસહારા પ્રથમ એક સામાન્ય માનવી હતા. તેમને દૃષ્ટિની ગંભીર મુશ્કેલી હોવાથી અંધ લોકોની શાળામાં અભ્યાસ કર્યો. પછી તેમને યોગ અને આધ્યાત્મિકતામાં વધુ રસ પડતાં તેમાં ઊંડાણ ખેડવા લાગ્યા. ઘણા વ્યક્તિના મનમાં ઊઠતા આત્મજ્ઞાન સંબંધી પ્રશ્નોના જવાબ તેઓ આપવા લાગ્યા. લોકોને નિશ્ચિતતા આપવા લાગ્યા. ઘણા બધા લોકો તેમનામાં આકર્ષાયા. એક વર્ષ પહેલાં તેમને કોઈ ઓળખતું ન હતું અને હવે સેંકડો લોકો તેમને માનવા લાગ્યા, તેમને પુષ્કળ સંપત્તિ આપવા લાગ્યા. તેમને શ્રદ્ધાથી અનુસરવા લાગ્યા. જીવનના નિર્ણયો તેમને પૂછીને કરવા લાગ્યા. અનેક સંસ્થાઓમાં તેમની તસવીરો છવાઈ ગઈ.
પછી તેમણે “ઓમ શિંક્રીયો” નામનું ધાર્મિક આંદોલન શરૂ કર્યું. આ આંદોલન ખૂબ જ ઝડપથી વધવા લાગ્યું. ખૂબ ભણેલા, વૈજ્ઞાનિક અને બુદ્ધિશાળી લોકો પણ તેમના અનુયાયી બનવા લાગ્યા. અને તેમનામાં પણ આ જ ભ્રમ જાગૃત થયો કે, ‘આટલા બુદ્ધિશાળી લોકો મારામાં વિશ્વાસ કરે છે; માટે હું બધાથી કંઈક અલગ, શ્રેષ્ઠ છું.’ હજારો લોકો જ્યારે કહેવા લાગે કે, ‘અમને રસ્તો બતાવો, તમે કહો તેમ જ કરીશું, તમે જ અમારા તારણહાર છો.’ ત્યારે આ માણસોની ભીડ વ્યક્તિને ભગવાન હોવાનો અનુભવ કરાવી શકે છે.
ત્યારબાદ તેમનું આ આંદોલન વધુ સત્તાવાદી બન્યું. તેમણે રાસાયણિક, જૈવિક હથિયારો મેળવ્યાં. અને ૨૦ માર્ચ ૧૯૯૫ની સવારે ટોક્યોની ભરચક સબવે ટ્રેનોમાં તેમના સભ્યોએ સરીન નર્વ એજન્ટ(એક પ્રકારનો વાયુ) છોડયો. જેને કારણે ૧૨ લોકો મૃત્યુ પામ્યા અને હજારો લોકો ઘાયલ થયા. પરિણામે શોકો અસહારાની ધરપકડ કરવામાં આવી. છેવટે અનેક ગુનાઓમાં તેમને દોષિત ઠેરાવીને મૃત્યુદંડ અપાયો. હંમેશાં ગાળેલો અને તેમને ગમે તેવો જ પ્રતિસાદ આપનારી ભીડ આજે તેમને મૃત્યુના ભયથી બચાવી ન શકી. આવા તો અનેક ઇતિહાસો આ ધરતી પર થઈ ગયા છે અને થઈ રહ્યા છે.
વાસ્તવમાં કેટલા લોકો તમને માને છે તે તમારી મહાનતાનો પુરાવો નથી, પરંતુ કેટલાનું તમને મનાય છે તે તમારી મહાનતા છે. દરેક ઉપરીએ મને સારું સારું કહેનારા કેટલા છે ? તેના કરતાં સાચે સાચું કહેનારા કેટલા છે ? તે વિચારવું જોઈએ. ‘આ તમે ખોટું કરો છો.’ તેવું કહેનાર એક પણ વ્યક્તિ ન હોય ત્યારે તમારા નિર્ણયનો ન્યાયાધીશ માત્ર તમારું મન જ હોય છે. ચાહક વર્ગનો ચસ્કો દુર્યોધન, મગનીરામ, મંગળીયો અને કીડીસખીની જેમ હંમેશાં આપણને આપણું હિત કરનાર સમાજ, સંબંધીઓ, સાથીદારો, સત્સંગ, સંતો-ભક્તો, સદ્ગુરુ અને શ્રીહરિથી દૂર જ લઈ જાય છે.
લોકો પ્રેમ, પદવી કે પરિસ્થિતિને કારણે આપણને આદર આપે, માને, આપણે કહીએ તેમ કરે; પરંતુ એ ભૂલવું ન જોઈએ કે ફોલોઅર એ ગાડીમાં બેઠેલા પેસેન્જર છે. તમે ડ્રાઇવર બની તેમને મદદ કરી રહ્યા છો, માટે તે ઉત્સાહથી તમારા નારા લગાવે તે સ્વાભાવિક છે; પણ જો તે સાંભળવામાં તમે ધ્યાનભ્રષ્ટ થઈ ગયા, તો ગાડી ટ્રેક ઉપરથી ઊતરી જાય કાં તો ભયંકર એક્સિડન્ટ થાય અને અંતે સર્વનો નાશ થાય.
ચાહક વર્ગની ચુંગાલમાં આપણી ગાડી પણ ફસાઈ ન જાય તે માટે સત્સંગમાં કે સમાજમાં કોઈ પણ વર્ગના ઉપરી તરીકે જ્યારે આપણે રોલ ભજવવાનો થાય, તો એ અચૂક વિચારવું જોઈએ કે આ રોલ મને...
ભગવાન આપણને નિમિત્ત બનાવી કોઈને લાભ થાય તેવું કરાવે, ત્યારે તેઓને આપણામાં સદ્ભાવ વધે તે સ્વાભાવિક છે; પરંતુ આપણને તેમનામાં માલિકીભાવ જન્મે તે નુકસાનકારક છે. તમામ ચેતનોના માલિક એક મહારાજ જ છે; તેમ માની કોઈનું શાસન કરવાને બદલે ફક્ત સેવા જ કરતા રહીએ, તો ફોલોઅરના ફંદામાં ક્યારેય ફસાઈ ન જઈએ.