Trija Cameranu Shooting

Trija Cameranu Shooting
May 1, 2021
Aatmiyswarupdasji Swami - Kundaldham
0:00/0:00

મારી નિષ્ફળતાના વિચારોમાં હું સાવ હતાશ હતો. કેટલીક દોડધામ, તૈયારી અને પ્રયત્નો કરવા છતાં પણ એક બહુ મોટી કંપનીના ઈન્ટરવ્યૂમાં હું બીજી વાર ફેલ થયો. મારું નામ બીટુ. આમ તો આ વખતે થિયરીકલ ટેસ્ટ તો હું વટાવી ચૂક્યો હતો, પણ પર્સનલ ઈન્ટરવ્યૂમાં લીડરશીપનો રોલ કરી ટૂંકી સ્પીચ આપવાની હતી ત્યાં જ હું અટકી પડ્યો. કોન્ફિડન્સના અભાવે થોડો હેબતાઈ ગયો ને બે-ત્રણ બાબતોમાં મારાથી આગળ બોલવાનું પાછળ રહી ગયું ને પાછળનું આગળ બોલાઈ ગયું. પરિણામે એ સિલેક્શનમાં હું રિજેક્ટ થયો.

જેવો હું ઈન્ટરવ્યૂ આપી બહાર નીકળ્યો કે તરત જ મારો રોલ જોઈ રહેલ મારી સાથે આવેલ ૬૫ વર્ષના પ્રયાગભાઈએ પોતાનો રોલ શરૂ કરી દીધો. બીટુ ! તારે ડરવાની જરૂર જ નહોતી મગજ ચલાવવાની જરૂર હતી. તું કયા વિચારોમાં વ્યસ્ત હતો ? બોલવામાં થોડો કન્ફ્યુઝ હો એવું મને લાગ્યું. જો શરૂઆતમાં જ થોડું હિંમત સાથે બોલ્યો હોત તો First Impression is Last Impression. કામ પૂરું થઈ જાત. અને હા, વાત પણ ક્યાં એવી કાંઈ અઘરી હતી ક્રમથી ફક્ત ચાર જ મુદ્દા લેવાના હતા. પહેલું તો પડકારા સાથે જે તે વિષયનો પ્રારંભ, પછી તેની ડિટેઈલ, ત્યારબાદ એક ટૂંકું દૃષ્ટાંત અને છેલ્લે સાર. આમ વાત કરતાં પ્રયાગભાઈએ ત્યાં રસ્તામાં જ મારી ૨૦ મિનિટ લીધી. તેઓ મારાથી વડીલ એટલે હું તેમની સામે કાંઈ બોલી તો ન શક્યો, પણ મારા મનમાં વિચારોનો વંટોળ શરૂ થઈ ગયો...

તે શું મારે ડરવું હશે ? કન્ફ્યુઝ થવું હશે ?  મને મારી કારકિર્દીની નહિ પડી હોય ? ન આવડે તો હું શું કરું ? મારી જગ્યાએ તમે હો તો ખબર પડે કે કેટલું અઘરું છે ? બોલતા તો સૌ કોઈને આવડે; પ્રેક્ટિકલ વસ્તુ જુદી છે. વળી, જ્યારે મને હુંફ-બળની જરૂર છે એવા સમયે તો એ સલાહના કોથળા છોડી દાઝ્યા ઉપર ડામ દે છે. નાની ભૂલનું આવડું મોટું સ્વરૂપ ! અને એ પણ આવા ભારેખમ શબ્દોમાં..! મને આશ્વાસન આપવાને બદલે પોતે અકળાઈ જાય એ કેવું કહેવાય..? શું આ જ વાત શાંતિથી ધીરજ આપીને ન થઈ શકે ? તેમની આવી બધી વાતોથી તો હું ઊલટાની વધુ દુખી થાઉં છું એ પણ તેઓ જોતા નથી. આને હિતેચ્છુ કહેવા કે સ્વભાવવશ..! મોટા છે પણ આટલીય વાત નહિ સમજતા હોય ! જનરેશન ગેપ સમજીને મારે જ આ બાબતને જતી કરવી પડશે. આવા વિચારોમાં હું ઉદ્વિગ્ન થઈ ગયો.

ઘેર આવ્યા બાદ એ જ દિવસે સાંજ સુધીમાં પ્રયાગભાઈએ આની આ જ વાતો લગભગ ન ભૂલતો હોઉં તો ત્રણેક વાર રીપીટ કરી. એકની એક જ વાત મેં બીટુને કેટલી બધી વાર કરી દીધી છે એની પ્રયાગભાઈને ભાન રહેતી હશે કે કેમ ! શું ખબર, પણ જ્યારે યાદ આવે ત્યારે, જ્યાં ભેગા થાય ત્યાં, એ તો બોલવાનું શરૂ જ કરી દે... જીબીટુ ! હવે શીખી લેજે હોં. થોડી પ્રેક્ટિસ અને હિંમતની જ જરૂર છે. આપણી સ્પીચ એવી જોરદાર હોવી જોઈએ કે દુનિયામાં ક્યાંય પાછા ન પડીએ. આના માટે પહેલું તો પડકારા સાથે જે તે વિષયનો પ્રારંભ, પછી તેની ડિટેઈલ, ત્યારબાદ એક દૃષ્ટાંત અને છેલ્લે સાર. આવી રીતે ક્રમથી બોલીએ તો સાંભળનારા મોંઢામાં આંગળાં નાખી જાય. પ્રયાગભાઈની આ ફિલોસોફિથી ભરેલી એકની એક વાત સાંભળીને હવે તો મારા કાન પાકી ગયા હતા. હું એવો કંટાળી ગયો હતો કે ન પૂછો વાત..!

બીજે દિવસે પ્રયાગભાઈના પડકારા અને મારી નિષ્ફળતાને ભૂલીને હું થોડો રિફ્રેશ થયો, પરંતુ એમણે તો પોતાનું કામ શરૂ જ રાખ્યું. બેટા બીટુ ! ચાલ મેં તને જે ચાર પોઈન્ટ કહ્યા હતા તે મને ક્રમથી સંભળાવી દે. આ સાંભળી પ્રથમ તો મને દાઝ ચડી પણ પછી મેં મનને સમજાવી કેમેય બોલી દીધું. કેમ જે, તેમની આ વાત મને હવે લગભગ મોઢે થઈ ગઈ હતી. આજે તેમના મુખ પર થોડું હાસ્ય જોઈ ગઈકાલની વાત મને ઘણીખરી ભૂંસાઈ ગઈ હતી તેમ છતાં હજુ અંદર થોડી લડાઈ લેવી પડતી હતી...

આટલી ઉંમરે પણ પ્રયાગભાઈને આવો શું આગ્રહ ! તેઓ મોટા છે એટલે આપણે તો શું કહીએ પણ હવે સમજીને થોડી પાછી વૃત્તિ... કદાચ આમાં તેમની ભાવના હોય તોપણ તેની કાંઈક વિવેકસભર યોગ્ય રીત પણ હોય ખરી. કોઈ પણ બાબતમાં પ્રથમ તો માણસનું દિલ જીતી લેવું જોઈએ પછી ભલે આપણે ગમે તેવી પ્રોસેસ કરીએ. વ્યક્તિની કેપેસિટિ, પરિસ્થિતિ, સંજોગ આ બધું જોઈને જો કામ કરવામાં આવે તો એ ખૂબ જ સુખદ રહે. વ્યક્તિ ભાંગી પણ ન પડે ને તેની પ્રગતિ થયા કરે. મારા આવા બધા વિચારોમાં પણ મને ક્યારેક ક્યારેક એમ થતું કે હું મારા એંગલે કાંઈક ખોટું તો નથી વિચારતો ને..! પણ પછી પાછો એ જ વિચારે ચડી જતો કે પરિસ્થિતિ મુજબ મારી વાત બરાબર જ છે ને ! આવી લડાઈ સાથે બીજો દિવસ પસાર થઈ ગયો.

આજે ત્રીજા દિવસની સવાર હતી. સવારે જાગતાવતેં પ્રભુએ વિચારો આપ્યા... આમ તો પ્રયાગભાઈ કાંઈ મારા સગા નથી થતા, તોપણ તેઓ મારા જીવનમાં આટલો રસ કેમ લે છે ? આટલા ઈન્વોલ્વ કેમ ? કદાચ મને સારામાં સારી કંપનીમાં નોકરી મળે કે ન મળે એમાં એમને શું મળી જવાનું છે ? તેઓ નિ:સ્વાર્થભાવે મારા માટે કેટલો બધો સમય આપે છે..! એમના દિલમાં મારા સુખ અને પ્રગતિ માટેના કેવા કેવા લાગણીશીલ ભાવો પડ્યા છે ? કાયમ મારો થાક ઉતારી દેનારો તેમનો હાસ્યસભર ચહેરો પણ ક્યારેક રૌદ્ર સ્વરૂપ ધારી લેતો હોય તો એનો હેતુ શું ?

આજે મને 'પ્રયાગભાઈ મારો ટાઈમ બગાડે છે.' આવા મારા પહેલાના વિચારો સાવ ખોટા લાગતા હતા. કેમ જે, આજે મારો કેમેરો કાંઈક એવી જગ્યાએ ગોઠવાયેલો હતો કે જેનું શૂટિંગ મને ઊંડો ઉતારી દેતું હતું. પ્રયાગભાઈના શબ્દેશબ્દમાં હું મારા પ્રત્યેની તેમની ભાવના સ્પષ્ટ જોઈ શકતો હતો. આ ત્રીજા કેમેરાનું શૂટિંગ એવું અદ્ભૂત ઊતરતું હતું કે પૂર્વેની તેમની ટકટક કે સલાહ હવે મને મારા સપોર્ટમાં કન્વર્ટ થઈને દેખાતી હતી. આજે પ્રયાગભાઈ બદલાઈ ગયા નહોતા; મારા વિચારોરૂપી કેમેરો બદલાઈ ગયો હતો આવા વિચારોમાં હું સ્નાન, પૂજાપાઠ અને નાસ્તો કરી રહ્યો ત્યાં તો પ્રયાગભાઈ આવી ચડ્યા. ને એમણે તો ફરી પાછો પોતાનો એ જ રોલ શરૂ કરી દીધો.

બેટા બીટુ ! આપણા ચાર ક્રમ કયા ? આજે હવે પ્રયાગભાઈનું આ વારંવારનું રીપિટેશન મારા માટે કોરો ઉપદેશ કે માથાનો દુખાવો નહિ, પરંતુ કરુણાસભર ભાવામૃત હતું. હવે એમના શબ્દોમાં વહેતો મારા પ્રત્યેનો પ્રેમ-ભાવ જોઈ હું ખુશ થતો હતો. મારો કેમેરો બદલાઈ જતાં હવે મને એની એ જ વ્યક્તિના દિલનું ચિત્ર ધૂંધળું મટીને ક્લિયર કટ દેખાવા લાગ્યું હતું. છેવટે મેં મારી અવળાઈ બદલ સોરી કહી માફી માંગી અને તેમના આવા ભાવસભર ઉપકાર બદલ થેંક યૂ કહીને તેમને ભેટી લીધું. થોડા દિવસો બાદ આશ્ચર્યની વાત તો એ બની કે અચાનક એક બીજી સારી કંપનીમાં મારું ઈન્ટરવ્યૂ ગોઠવાયું ને તેમાં સફળ થવામાં પ્રયાગભાઈની પાકી કરાવેલી આ જ વાત મને કામ લાગી ગઈ.

વહાલા ભક્તો ! આપણા જીવનમાં પણ કાયમ માટે આ ત્રીજા કેમેરાનું જ શૂટિંગ ઊતરતું રહે તો કેવું સારું ! દરેક વ્યક્તિ અને પરિસ્થિતિને આપણે આવી જ રીતે પોઝિટિવપણે મૂલવતા રહીએ તો કેવું સારું ..! બીટુને ત્રીજે દિવસે ત્રીજા કેમેરાના શૂટિંગમાં જે વાત સમજાઈ, એ જ વાત આપણને પહેલે જ દિવસે તરત સમજાઈ જાય તો કેવું સારું ..! આપણા સુખ-દુઃખ તેમજ આપણી સફળતા- નિષ્ફળતામાં ખિન્ન થનારા ને ખુશ થનારા એ બંનેના ઉપરના વ્યવહાર સામું ન જોતાં તેમના હૃદયની ભાવના સામું જ આપણી દૃષ્ટિ રહે તો કેવું સારું..! આપણા હિતેચ્છુઓનો આપણું હિત કરવાનો હેતુ અને આપણા પ્રત્યેના પ્રેમને સમજતા શીખી જઈએ તો કેવું સારું...!!