Simano Swikar = Apekschano Ant

Simano Swikar = Apekschano Ant
August 1, 2024
Sankirtandasji Swami - Kundaldham
0:00/0:00

મીડલ ક્લાસનું મોહનકાકાનું કુટુંબ એટલે નાનું કુટુંબ - સુખી કુટુંબ; પણ છેલ્લા એક વર્ષથી આ પરિવાર ઉપર જાણે કે આભ તૂટ્યું...! પ્રેમલગ્ન પછી ઘરમાં આવેલી નાના દીકરા માનવની પત્ની ‘અપેક્ષા’ એટલે ખરેખર અપેક્ષાનો ગિરનાર... મોર્ડન યુગના મેડમનો રૂમ એટલે મીની બ્યુટીપાર્લર. આખો દિવસ ધંધાની ધમાલમાંથી થાકીને ઘરમાં પ્રવેશતા જ માનવને લાગતું જાણે કે, અપેક્ષાની અદાલતમાં તે આવી ગયો અને ડાનિંગ-ટેબલ રૂપી કઠોડીમાં બેસતાં જ Hearing (સુનાવણી) શરૂ.

માનવ ! હું મારા વર્કફ્રોમ હોમની અડધી Income આ ઘર માટે આપું છું, છતાં બધા નિર્ણયો મમ્મી અને તૃપ્તી ભાભી જ કેમ કરી લે છે ? કાલે જ મમ્મીના કહેવાથી મેં LGનું લેટેસ્ટ ઓવન સર્ચ કર્યું, છતાં તૃપ્તી ભાભી સાવ ચીલાચાલુ ઓવન લઈ આવ્યા. ઘરમાં મહેમાન આવે તો રસોઈનો ચાન્સ ભાભીને જ..! અને મારી પર્સનલ ખરીદી ઉપર પણ ભાભીની હંમેશાં વોચ હોય જ, અને ઉપર જાતાં ગમે તેની સામે મને પ્રીન્સેસ કહીને ચીડાવે. શું મારી પર્સનલ પસંદ ન હોય ? અને તને પણ મારા માટે સમય જ ક્યાં છે ? છેલ્લા છ મહિનાથી મનાલી જવાનું કહું છું છતાં એક જ શબ્દ મંદી...! મંદી...! લગ્ન પહેલા તું મને જન્નતનું સુખ આપવાનું કહેતો, પણ ને તો સમજાતું જ નથી કે હું જન્નતમાં જીવું છું કે જેલમાં..?

અપેક્ષાની આ રોજની કચકચથી કંટાળી ‘બકવાસ બંધ કર...’ બોલતાની સાથે જ માનવ જમવાનું અધૂરું છોડી બેડરૂમમાં જઈ સૂઈ ગયો. પરંતુ રસોડાની આ તમામ રામકાણ મમ્મીએ કાનોકાન સાંભળી લીધી. સવારે દુકાન પર થોડું એકાંત મળતાં જ મોહનભાઈએ માનવને બોલાવી કહ્યું, ‘બેટા ! હું જાણું છું તું અને અમે બધા અપેક્ષાથી દુ:ખી છીએ, અને અપેક્ષા પણ દુ:ખી છે. તારા લગ્ન સમયે તારી જીદ સામે તો હું કાંઈ ન બોલ્યો પણ તારી આ હાલતનું મને એક જ સોલ્યુશન દેખાય છે.’

‘એ શું પપ્પા ?’ માનવે નમ્રતાથી પૂછ્યું.

‘તને યાદ છે અમારી પસંદ ?

‘હા, તૃપ્તી ભાભીની જ નાની બહેન સીમા.’

‘હા માનવ ! એ કુટુંબના સંસ્કાર સારા છે. માટે મારું માન તો હવે સીમાનો સ્વીકાર એ જ આપણા કુટુંબનો ઉદ્ધાર મને લાગે છે.’

પપ્પાના આ પ્રસ્તાવને માનવ મંદહાસ્યથી સ્વીકારે છે ત્યાં જ તેના સસરાનો વોટ્સએપમાં Voice note આવ્યો. ‘માનવ ! હું મારી દીકરીને દુ:ખી જોવા નથી માગતો. તારી સાથે તેનું ભવિષ્ય મને સારું નથી જણાતું, માટે આજથી અપેક્ષા તારું ઘર છોડવા ચ્છે છે.’

વહાલા ભક્તો ! ઉપરોક્ત રૂપકના દૃષ્ટાંતે સમજવાનું એટલું જ છે કે જ્યાં સુધી આપણે આપણી મનગમતી અપેક્ષાઓ સાથે જોડાયેલા હોઈએ ત્યાં સુધી ખુદ આપણે કે આપણી સાથેના કોઈ શાંતિથી જીવી શકે નહીં. અપેક્ષાઓની ચુંગાલમાંથી આબાદ ઊગરવાનો એકમાત્ર ઉપાય છે : ‘સ્વ-પરની સીમાનો સ્વીકાર...!’

આ દુનિયાનો કોઈ વ્યક્તિ પૂર્ણ નથી, દરેકની દરેક બાબતે એક સીમા હોય જ છે. કોઈની વધુ તો કોઈની ઓછી. અને એટલે જ આ દુનિયામાં કોઈના રેકોર્ડ કાયમી રહેતા નથી. આજે જેણે કુશળતાથી રેકોર્ડ સ્થાપ્યો તે થોડા જ વર્ષોમાં તેનાથી કોઈ વધુ કુશળ આવી તેને બ્રેક કરી નાખે છે. કોઈનામાં ધીરજ, શ્રદ્ધા, દાસત્વ, વિશ્વાસ, પ્રેમ, સમર્પણ, શૂરવીરતા, બુદ્ધિ, કાર્યકુશળતા, કળા, શારીરિક બળ વગેરેનું સ્તર ઘણું ઊંચું હોય જ્યારે કોઈની અપેક્ષાએ કોઈનું ઓછું કે નહિવત્ પણ હોય; પરંતુ સંયુક્ત જીવનમાં દરેકની સીમાનો સ્વીકાર એ જ સંપ અને સુખનો આધાર છે.

વ્યક્તિને જ્યાં સુધી પોતાની સીમા, કહેતાં લાયકાતનો યથાર્થ સ્વીકાર ન હોય ત્યાં સુધી અન્ય પાસે અપેક્ષા રહ્યા જ કરે કે, ‘આ મારી નોંધ લે તો સારું, તેણે મારી કદર તો કરવી જોઈએ ને, (વડોદરાના મંગળિયાની જેમ) મને માનથી બોલાવે તો સારું, મને આ કાર્ય સોંપવામાં આવે તો સારું વગેરે વગેરે...’ પણ ઘણી વાર આપણી સ્થિતિ કૂવાના દેડકા જેવી સીમિત હોય છે. જરૂરી નથી ગામડાની પ્રાથમિક શાળામાં પ્રથમ નંબર લાવનારને શહેરની સ્કૂલમાં પહેલી બેન્ચીસે બેસવા મળે, ત્યાં તો વચ્ચે કે છેલ્લે પણ બેસવું પડે; પણ જો પોતાને પોતાની લાયકાતનો ખ્યાલ હોય તો અપેક્ષા કે દુ:ખ ન રહે. આપણું અપેક્ષિત નથી મળતું તેનો અર્થ જ એ છે કે, આપણી પાત્રતા ઓછી છે. પાત્રતા કેળવશું તો અપેક્ષાઓના આક્ષેપની જરૂર જ નહિ રહે.

એવી જ રીતે સામેનાની સીમાનો સ્વીકાર ન હોય તોપણ અપેક્ષા રહે કે, ‘તેને આટલો ખ્યાલ તો આવવો જોઈએ ને, મારું આટલું તો માનવું પડે ને, મારા માટે સમય ફાળવવો જોઈએ ને, મારી આટલી ચ્છા પૂરવી જોઈએ ને વગેરે વગેરે...’ સહુકોઈને સામેવાળી વ્યક્તિ કરતાં પોતાની અપેક્ષા જ વધુ હેરાન કરે છે, માટે અપેક્ષાની આગમાં સળગવા કરતાં સહુની સીમાને પ્રેમથી સ્વીકારી અપેક્ષાઓનો અંત આણવો એ જ આપણા માટે હિતાવહ છે. અને એટલે જ વહાલા મહારાજે શિક્ષાપત્રીમાં આપણને સહુને આજ્ઞા કરી છે કે, ‘જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિષે વિચારીને જ પ્રેરવો. જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્માન કરવું.’

પણ હા, સ્વ-પરની સીમાઓના સ્વીકાર સાથે એ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે કે, આ સ્વીકાર બિનજરૂરી અશાંતિ દેનાર અને કલ્યાણમાં અવરોધક એવી અપેક્ષાઓના નિવારણ માટે છે. સત્સંગમાં સંપ અને સંતો-ભક્તોમાં દિવસે દિવસે પ્રેમ અને દિવ્યભાવ વધે તે માટે છે; પરંતુ આપણી પ્રગતિ માટે આપણામાં કોઈ પરિવર્તન લાવવા આપણા મોટેરાઓ કાંઈ અપેક્ષા રાખતા હોય ત્યારે સીમાઓની સોડ તાણી સૂઈ રહેવા માટે નથી.

ખરેખર પ્રભુને પામવા, મહારાજની આજ્ઞાઓ પાળવા, તેમના વહાલા સંતો-ભક્તોનો રાજીપો પ્રાપ્ત કરવા તેમને અપેક્ષિત દાસત્વ, ભક્તિ, શ્રદ્ધા આદિ સદગુણોની સીમાઓને વધારતા જ રહેવું જોઈએ.