Shulinu dukh kate matadyu

Shulinu dukh kate matadyu
May 6, 2026
Sakarswarupdasji Swami - Kundaldham

ભગવાન શ્રીસ્વામિનારાયણે તેમના ભક્તોની રક્ષા કરી હોય તેવા અનેક પ્રસંગો છે. જેમાં મહારાજની કરુણા અને ભક્તો પ્રત્યેનો વાત્સલ્યભાવ જોવા મળે છે. જેમ માતા પોતાના બાળકની રક્ષા કરે છે, તેમ ભગવાન હંમેશાં પોતાના ભક્તની રક્ષા કરે છે. ભક્તનું દુ:ખ ભગવાન ક્યારેય જોઈ શકતા નથી. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભક્તની વહારે આવી જાય છે. આવો જ એક હૃદયસ્પર્શી પ્રસંગ છે લીંબલીના મૂળજી શેઠનો; જે ભગવાનની ભક્તવત્સલતાનું ઉત્તમ ઉદાહરણ છે.

લીંબલી ગામના મૂળજી શેઠ સ્વામિનારાયણ ભગવાનના પરમ ભક્ત હતા. તેમના હૃદયમાં ભગવાનનાં દર્શનની ઉત્કટ ઝંખના હંમેશાં રહેતી. અવારનવાર તેઓ પગપાળા ચાલીને મહારાજનાં દર્શન કરવા જતા. તે જમાનામાં વાહનવ્યવહારની કોઈ ખાસ સુવિધા ન હતી, છતાં ભક્તો દૂર-દૂરથી પગપાળા ચાલીને ભગવાનનાં દર્શને આવતા. મૂળજી શેઠ પણ એવા જ શ્રદ્ધાળુ ભક્ત હતા. તેમને ભગવાનનાં દર્શનની એટલી ઉત્કંઠા હતી કે લાંબા રસ્તાની મુશ્કેલીઓ પણ તેમને રોકી શકતી ન હતી.

એક દિવસ તેઓ ચાલીને ગઢપુર મહારાજનાં દર્શને જઈ રહ્યા હતા. લીંબલીથી ચાલતાં ચાલતાં મૂળજી શેઠ લગભગ પાંચેક ગાઉ ચાલ્યા હશે, ત્યાં અચાનક તેમના પગમાં એક શૂળ ખૂંચી ગઈ(કાંટો વાગ્યો). શૂળ એટલી ઊંડી વાગી કે તેમનાથી હવે એક ડગલુંય આગળ ભરાય તેમ રહ્યું ન હતું. પગમાંથી લોહી વહેવા લાગ્યું અને દુ:ખાવો પણ આકરો હતો, એટલે તેઓ ત્યાં જ બેસી ગયા. ભગવાનનાં દર્શનની ઝંખના મનમાં ઊકળતી હતી, પરંતુ અચાનક આ વિઘ્ન આવી ગયું. સદ્ભાગ્યે તે જ વખતે ગામનો એક ખેડૂત પોતાના ખેતરથી ગાડું લઈને ઘરે પાછો જઈ રહ્યો હતો. મૂળજી શેઠ તે ખેડૂતના ગાડામાં બેસીને પાછા ઘેર આવ્યા. ઘેર આવીને શૂળ કઢાવી. પરંતુ ઘા એટલો ઊંડો હતો કે પગ સાજો થતાં પંદર દિવસ લાગી ગયા.

આ પંદર દિવસ દરમિયાન મૂળજી શેઠના મનમાં ભગવાનનાં દર્શનની વ્યાકુળતા સતત વધતી રહી. પંદર દિવસ પછી જેવો પગ સારો થયો, એટલે તરત જ તેઓ ગઢપુર શ્રીજીમહારાજનાં દર્શને ચાલી નીકળ્યા. ઘણા દિવસે ગઢપુર પહોંચ્યા. મહારાજ અક્ષરઓરડીમાં બિરાજમાન હતા. શેઠે મહારાજનાં દર્શન કર્યાં ને દંડવત કરી મહારાજ આગળ બેઠા.

મહારાજને તો બધી જ ખબર હતી છતાં પૂછ્યું : “મૂળજી, તને કેવી શૂળ વાગી હતી ?” આ સાંભળી મૂળજી શેઠ આશ્ચર્યમાં પડી ગયા. કારણ કે તેમણે મહારાજને આ ઘટના વિશે કશું કહ્યું ન હતું, છતાં મહારાજે તેમની ખબર પૂછી. મૂળજી શેઠે નમ્રભાવે કહ્યું, “હા મહારાજ, શૂળ તો ઘણી આકરી વાગી હતી, પરંતુ આપની કૃપાથી સારું થઈ ગયું છે.” ત્યારે મહારાજે પૂછ્યું, “તું અમારે દર્શને આવતો હતો ને તને શૂળ વાગી તેનું કંઈ કારણ સમજાય છે ?”

આ પ્રશ્નના ઉત્તરમાં મૂળજી શેઠે જે જવાબ આપ્યો, તે તેમની મહારાજ પ્રત્યેની અનન્ય નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ છે. મૂળજી શેઠે કહ્યું, “મહારાજ ! બીજું કારણ તો કાંઈ સમજાતું નથી, પણ એટલું સમજાય છે કે તમો જે કરતા હશો તે સારું જ કરતા હશો.”

મૂળજી શેઠની આવી સમજણ-નિષ્ઠા જોઈને મહારાજે શૂળ વાગવા પાછળનું ખરું રહસ્ય ખોલતાં કહ્યું, “મૂળજી ! તારા કપાળમાં તો બરછી ખાવી એવું લખેલું હતું; તે મટાડીને અમે શૂળ વગાડીને એ વિઘ્ન મટાડ્યું. તે દિવસે મૂળીના બહારવટિયાના સ્વાર આગળ હતા, જે તને બરછી મારવાના હતા. તે માટે અમે તને શૂળ વગાડીને પાછો વાળ્યો હતો.”

આ રહસ્ય જાણીને મૂળજી શેઠની આંખો ભીની થઈ ગઈ. તેમના પ્રારબ્ધમાં મૂળીના બહારવટિયાના હાથે બરછીનો ઘા ખાવાનો લખેલો હતો; જે જીવનને જોખમમાં મૂકી શકે તેવું ભયંકર દુ:ખ હતું, પરંતુ મહારાજે પોતાના ભક્ત પર દયા કરીને તે મોટા દુ:ખને એક નાના કાંટાના દુ:ખમાં ફેરવી નાખ્યું. મૂળજી શેઠને કાંટો વાગ્યો, પગ દુ:ખ્યો; પરંતુ આ એક નાનકડી પીડા આપી પ્રભુએ તેમને મૃત્યુના મુખમાંથી ઉગારી લીધા.

જેમ પાળે જનની પુત્રને, બહુ બહુ કરી જતન;

એમ જાળવે નિજ જનને, બહુ ભાવે કરી ભગવન.

મહારાજની આવી કરુણા જોઈ મૂળજી શેઠે ભાવવિભોર થઈ કહ્યું, “હે મહારાજ ! જેમ બાળકની રક્ષા તેની માતા કરે છે, તેમ તમે શૂળીનું દુ:ખ કાંટે મટાડીને મારી રક્ષા કરી. આ તો આપની કરુણા છે. પ્રભુ ! આપ તો સદાય અમારા હિતકર્તા છો.” મૂળજી શેઠની આવી સમજણ જોઈને મહારાજ તેમના પર ખૂબ રાજી થયા.

વહાલા ભક્તો ! આ પ્રસંગમાંથી આપણે પ્રેરણા લઈએ કે જીવનમાં ક્યારેક નાનાં-મોટાં દુ:ખ આવે તો એમ માનવું કે મહારાજ જે કરતા હશે તે સારું જ કરતા હશે.મહારાજને એમના ભક્તો ખૂબ જ વહાલા છે. હંમેશાં તે પોતાના ભક્તનું હિત જ કરે છે. ભગવાન પરનો આ ભરોસો આપણને દુ:ખની અસર થવા દેતા નથી. વિપરીત સમયે આવી સમજણ જ આપણને સુખી રાખે છે. વહાલા મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ : “હે મહારાજ ! આપ સદાય અમારી સાથે રહ્યા છો, સતત અમારું રક્ષણ-પોષણ કરો જ છો. બસ, આપના હિતકર્તાપણાનો દૃઢ વિશ્વાસ ક્યારેય ડગે નહિ; એવી અમારા પર કૃપા કરજો...