Shraddha

Shraddha
March 1, 2026
Krushnapriyadasji Swami - Kundaldham
0:00/0:00

એક તપસ્વી આંબલીના ઝાડ નીચે ભગવાનનાં દર્શન માટે તપ કરતો હતો. આ તપસ્વી ઝાડનાં પાંદડાં ખાય અને ઝાડને પ્રદક્ષિણા કરે. આમ ફરવાથી તે ઝાડને ફરતે હાથ ઊંડા ખાડા પડી ગયેલા.

પછી નારદજી વૈકુંઠમાં ગયા અને ભગવાનને કહ્યું, “એક તપસ્વી આંબલીના ઝાડ નીચે તમારાં દર્શન માટે ઘણા વખતથી તપ કરે છે, તો તમે તેને ક્યારે દર્શન દેશો ?” ભગવાને કહ્યું, “જેટલાં તે આંબલીનાં પાંદડાં છે તેટલાં વરસ હજી તપ કરશે ત્યારે હું એને દર્શન દઈશ. જાવ, તમે એને આ સંદેશો દેજો.” આ સાંભળી નારદજી તો મૂંઝાયા. તેમને થયું, “એ તપસ્વીને હું શું વાત કરીશ ? આ વાત સાંભળી તેના પગ ઢીલા પડી જશે.”

ત્યારબાદ એક દિવસ નારદજીને આકાશમાર્ગે આવતા જોઈને તપસ્વીએ તેમને બોલાવ્યા અને પૂછ્યું કે, “ભગવાનનો શું સંદેશો લાવ્યા છો ?” નારદજીએ નિરાશાથી કહ્યું, “ભગવાન તો એવું બોલ્યા છે કે તે મારાથી તમને કહેવાય તેવું નથી. જો તમને વાત કરું તો તમે મોળા પડી જાશો. માટે તે સંદેશો સાંભળવા જેવો નથી. તમે હિંમત હારી જશો.”

તપસ્વી કહે, “ભલે ગમે તે બોલ્યા હોય, પણ ભગવાનની પરાવાણી તો સાંભળવા મળશે ! માટે ભગવાન શું બોલ્યા ? તે વાત કરો.”

નારદજીએ કહ્યું, “ભગવાને કહેવરાવ્યું છે કે તપસ્વીએ આટલાં વર્ષ તપ કર્યું છે, પણ હજુ જેટલાં આ આંબલીનાં પાન છે તેટલાં વરસ તપ કરશે પછી તેને હું મારાં દર્શન દઈશ.” આ સાંભળતાં જ તે તપસ્વી આનંદમાં આવી ગયો અને પ્રેમમાં નાચવા-કૂદવા મંડી પડયો. “અહોહો, ભગવાને પરાવાણી મોકલાવી ! ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી ! એટલાં વરસ પછી પણ ભગવાનનાં દર્શન તો થાશે ને ? વર્ષો તો હમણાં હાલ્યાં જશે !”

તપસ્વીની આવી શ્રદ્ધા જોઈ ભગવાન એકદમ મોરમુગટ પહેરીને સાક્ષાત્ તેની સામે ઊભા રહ્યા. તપસ્વીના આનંદનો પાર ન રહ્યો.

નારદજીએ ભગવાનને પૂછ્યું, “પ્રભુ આમ કેમ ? તમે તો મને કહ્યું હતું કે આંબલીનાં જેટલાં પાન છે તેટલાં વરસ હજી તપ કરશે ત્યારે હું દર્શન આપીશ.” ભગવાને નારદજીને કહ્યું, “નારદજી, આની શ્રદ્ધા તો જુઓ ! તેની હિંમત તો જુઓ ! આટલાં વરસનો વાયદો દીધો તોય તેની શ્રદ્ધા ન ખૂટી, તેથી મારે તેને દર્શન દેવા આવવું પડ્યું !”

વહાલા ભક્તો ! જો તપસ્વીને શ્રદ્ધા ખૂટી હોત અને પગ ઢીલા પડ્યા હોત તો દર્શન થાત ? માટે મહારાજ અને મોટાના વચનમાં વિશ્વાસ રાખી ધર્મનિયમ, ભજન-ભક્તિ, સેવા, સમાગમ કરવા ખૂબ જ શ્રદ્ધા રાખી મંડી પડવું. મોક્ષના માર્ગમાં વિશ્વાસપૂર્વકની નિષ્ઠા જોઈને ભગવાન સહાય કરે છે. શ્રદ્ધાવાળાને સાધનની સમાપ્તિ વહેલી થાય છે.