Shenathi Santusht Chiye ?

Shenathi Santusht Chiye ?
September 1, 2020
Pratykshswarupdasji Swami - Kundaldham
0:00/0:00

એક મહાત્માજી ગામથી થોડે દૂર ગંગા નદીના પવિત્ર તટ પર એકાંત જગ્યામાં એક આશ્રમ બનાવીને રહેતા હતા. મહાત્માજી ખૂબ ભગવદીય હતા. પરમાત્મા તેમની સાથે પ્રગટ પ્રમાણ વાતો કરતા હતા. મહાત્માજીના વચને અનેક લોકોનાં કામ થતાં હતાં. તેથી આજુબાજુનાં ગામોના લોકોને પણ મહાત્માજી પ્રત્યે ખૂબ આસ્થા હતી. મહાત્માજીની ઉચ્ચતમ આધ્યાત્મિકતાથી આકર્ષાઈને ૧૫-૨૦ જેટલા મુમુક્ષુઓ ઘર પરિવારનો ત્યાગ કરી તેમના શિષ્ય થઈ તેમની સાથે આશ્રમમાં જ રહેતા હતા.

મહાત્માજી પોતાના આ ત્યાગી શિષ્યોનું ખૂબ જતન કરી સારી એવી કેળવણી કરતા. શિષ્યો તેમની આધ્યાત્મિક સાધનામાં સતત પ્રગતિ કરતા રહે તેવા અવનવા પાઠો ભણાવતા. બધા શિષ્યો પણ ખરા મુમુક્ષુ હતા. પોતાના ગુરુજીની આજ્ઞા પ્રમાણે પોતાનાં તન-મનને કસતા અને આત્મા-પરમાત્માની સાધના-આરાધનામાં લાગેલા રહેતા. ગુરુજીની આજ્ઞા મુજબ આશ્રમની નાની-મોટી સેવાઓ કરતા અને અરસ-પરસ ગુરુભાઈઓ પણ ખૂબ સંપીને આત્મીયતાથી રહેતા. મહાત્માજીના મુખ્ય શિષ્ય મૂળદાસ પોતાના ગુરુના રાજીપા માટે આગળ પડતી ભૂમિકા ભજવી, આ બધું કરવા-કરાવવામાં ખૂબ મહેનત કરતા અને ગુરુજીની પ્રસન્નતા પામતા.

એક મોડી રાત્રે મહાત્માજી જાગ્યા, તો આશ્રમની જગ્યામાં કંઈક રડવાનો અવાજ આવી રહ્યો હતો. મહાત્માજીને ખૂબ આશ્ચર્ય થયું કે, ગામથી દૂર એકાંતમાં આવેલા આ આશ્રમમાં  કોણ રડી રહ્યું છે ? મહાત્માજી અવાજની દિશામાં આગળ વધ્યા, તો જોવા મળ્યું કે, પોતાનો જ કોઈ ત્યાગી શિષ્ય રડી રહ્યો હતો. મહાત્માજીનું આશ્ચર્ય વધી ગયું કે, મારા શિષ્યને વળી શું દુ:ખ આવી પડયું હશે ? મહાત્માજી તે શિષ્યની નજીક ગયા તો ખ્યાલ આવ્યો કે, આ તો પોતાનો મુખ્ય શિષ્ય મૂળદાસ હતો.

મહાત્માજીએ ખૂબ વાત્સલ્ય સાથે મૂળદાસના મસ્તક પર હાથ ફેરવ્યો. અચાનક પોતાના ગુરુજીને પાસે જોઈ મૂળદાસ ગુરુજીના ચરણોમાં ઢગલો થઈ ગયો. તેનું રુદન હવે તેના હાથમાં ન રહ્યું. મહાત્માજી તેના દુ:ખનું કારણ પૂછવા લાગ્યા, “મૂળદાસ ! તને શું દુ:ખ આવી પડયું છે ?” પરંતુ મૂળદાસ કંઈ બોલી શકે તેમ ન હતા. તેણે માત્ર નકારમાં માથું ધુણાવ્યું.
મહાત્માજી તેનું કારણ જાણવા પ્રશ્નો પૂછવા લાગ્યા,

  • શું કંઈ અઘટિત ઘટી ગયું છે ?
  • શું કોઈએ તારું અપમાન કર્યું છે ?
  • શું ગુરુભાઈઓમાં કંઈ વિખવાદ થયો છે ?
  • તારાથી કોઈ ભૂલ થઈ છે ? તને કોઈ દોષોની પીડા વધી ગઈ છે ?
  • હું કે તારા ગુરુભાઈઓ તારા પર નારાજ હોઈએ તેવું તને લાગે છે ?

મહાત્માજીએ એક પછી એક પ્રશ્નોની જડી વરસાવી દીધી, પણ બધાના જવાબમાં મૂળદાસ નનૈયો ભણતા રહ્યા. છેવટે મહાત્માજીના આગ્રહથી રુદન થોડું શાંત થતાં મૂળદાસે કહ્યું, “ગુરુજી ! આપની કૃપાથી, આપના આશિષથી કોઈ વાતે દુ:ખ નથી. આપના પ્રતાપે સહુ અમને માનથી જુએ છે. આપની કેળવણીથી સહુ ગુરુભાઈઓમાં સંપ પણ સારો છે. આપની કૃપાથી કોઈ એવી ભૂલ પણ થઈ નથી કે, કોઈ દોષોની એવી પ્રબળ પીડા પણ નથી. આપ તથા કોઈ ગુરુભાઈઓની નારાજગી પણ નથી. પરંતુ...

  • જો આપ સહુનો રાજીપો હોય તો મને હજુ પરમાત્માનો સાક્ષાત્ અનુભવ કેમ નહિ થતો હોય ?
  • આપે તો કહ્યું છે કે, પરમાત્મા તેમના વહાલાઓની કૃપાથી-પ્રસન્નતાથી જ મળે છે. મને આપ સહુની પ્રસન્નતા તો જણાય છે, પરંતુ હજુ પરમાત્માનો અનુભવ નથી થતો; તો મારે શું ભૂલ થતી હશે ?
  • હજુ પ્રસન્નતા ઓછી પડતી હશે ? વધારે પ્રસન્નતા મેળવવાની જરૂર હશે ? કે પછી આપ સહુની પ્રસન્નતાની સાથે મળતાં માન-ચાહના આદિને જ હું ભોગવી લેતો હઈશ ?
  • મારા ધ્યેયમાં-આશયમાં કંઈક ખામી હશે ?
  • પરમાત્મા મને આ બધાના રાજીપાના ફળ રૂપે માન-ચાહના-મોટપ આદિ આપી દઈને પોતે દૂર તો નહિ રહેતા હોય ને..?

મહાત્માજી શિષ્ય મૂળદાસની આવી મુમુક્ષુતા અને ધ્યેયશુદ્ધિ જોઈને ખૂબ ખુશ થઈ ગયા. સર્વ પ્રકારની સાનુકૂળતા, માન-સન્માન, ચાહના, આંતરિક દોષોની પીડા રહિત અને સદ્‌ગુણોથી ભરપૂર જીવન હોવા છતાં મૂળદાસને તેનાથી સંતોષ ન હતો. તેને હજુ પરમાત્માના વિયોગનું દુ:ખ હતું. તેથી મહાત્માજીએ અત્યંત ખુશ થઈ પોતાના દિલના આશિષ આપી, ટૂંક સમયમાં પરમાત્માનો પ્રગટ અનુભવ કરાવી દીધો.

વહાલા ભક્તો ! આપણે પણ આ સત્સંગમાં સેવા-ભજન આદિ કરીએ તો છીએ, પણ આપણને કઈ કઈ બાબતોથી સંતોષ થઈ જાય છે ? તે જરા તપાસવા જેવું છે. આ લોકમાં નોકરી-ધંધા સેટ થઈ જાય, કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ સંપ હોય, થોડીઘણી સત્સંગની સેવા થતી હોય, પ્રભુએ કૃપા કરી થોડા સદ્‌ગુણો આપ્યા હોય, સંતો-ભક્તો આપણા પર રાજી હોય, સત્સંગમાં પણ ખૂબ ચાહના-મોટપ મળી હોય; તેવી બધી બાબતોથી જ આપણે સંતોષ નથી પામી જતા ને ? શું હજુ આપણને પરમાત્માના અપરોક્ષ અનુભવ માટેનું રુદન ચાલુ છે ?

હે પરમ કૃપાળુ પરમાત્મા ! અમને તમારી માયાથી બચાવજો. સાંસારિક કે આધ્યાત્મિક સફળતાઓ પામીને, થોડા સદ્‌ગુણ આદિ પામીને અમે આપના આપેલાં આ બધાં રમકડાંઓથી જ સંતુષ્ટ થઈ ન જઈએ. આપના વિના બીજી લૌકિક કે આધ્યાત્મિક કોઈ બાબતમાં અમને સંતોષ ન મનાઈ જાય, તેવું આપ અમારું ધ્યાન રાખજો. એવી ધ્યેયની શુદ્ધિ અને દૃઢતા કરાવજો.