Satsangni Divyata - Bhavna Bhukhya Bhudharji...

Satsangni Divyata - Bhavna Bhukhya Bhudharji...
February 1, 2024
Prasannavadan Swami - Kundaldham
0:00/0:00

એક વખત મહારાજ વડતાલને વિશે વિરાજમાન હતા. તે વખતે દેશદેશથી હરિભક્તોના સંઘ મહારાજનાં દર્શને આવતા. તે સહુ પોતપોતાની શક્તિ પ્રમાણે મહારાજને રાજી કરવા સારુ સેવા કરતા હતા. તેમાં કોઈક તો મહારાજને થાળ કરીને ભારે ભારે ભોજન જમાડે ને કોઈક તો મહારાજની સાથેનાં તમામ માણસોને પણ જમાડે, એમ સેવા કરતા હતા.

તે વખતે એક ગરીબ હરિભક્ત હતો, કે તેને ખાવા પણ પૂરું મળતું નહોતું. તેને વખતોવખત મહારાજને જમાડવા સારુ ભાવના થાય પણ શું કરે ? બિચારો દુર્બળ એટલે કાંઈ ખર્ચ કરી શકે નહિ; તેથી ઘણો દિલગીર રહ્યા કરે. એક દિવસ તે સાચી ભાવનાથી મહારાજને જમાડવા માટે કોદરાના રોટલા અને મઠનું શાક બનાવવા લાગ્યો. તે વખતે જ મહારાજ તેના અંતરનો ભાવ જાણીને તે પૂરો કરવા તેને ઘેર ગયા.

મહારાજને અચાનક પધાર્યા જાણીને તે તો બહુ વિસ્મિત થઈ ગયો અને હાથ જોડીને ગદ્દગદ કંઠે બોલ્યો કે, “અરે મહારાજ ! આપ મારા ઘરે પધાર્યા !” ત્યારે મહારાજ કહે, “અમને ભૂખ બહુ લાગી છે, માટે તારા ઘણા દિવસનો ભાવ હતો તે અમે પૂરો કરવા આવ્યા છીએ.” ત્યારે તે ભક્ત કહે, “મારાં ધન્ય ભાગ્ય જે તમે અક્ષરાધિપતિ પૂર્ણપુરુષોત્તમનારાયણ મારે ઘેર પધાર્યા.” એમ કહી ઘણો રાજી થયો.

પછી તે હરિભક્તે ભાવે કરીને મહારાજને કોદરાનો રોટલો ને મઠનું શાક પીરસ્યું. મહારાજ તે જમવા માંડ્યા, પણ તે હરિભક્તને બહુ શરમ લાગી કે, ‘મહારાજ મારે ઘેર પધાર્યા ને કોદરાનો રોટલો ને મઠનું શાક...’ પરંતુ મહારાજ તો અતિ પ્રસન્ન થકા તે રોટલો અને શાક જમતા જાય છે અને બીજા હરિભક્તોને પ્રસાદી આપતા જાય. ત્યારે તે જોઈને ભગત બહુ રાજી થયા. પછી મહારાજ જમીને ત્યાંથી પાછા ઉતારે પધાર્યા.

વહાલા ભક્તો ! આ ગરીબ હરિભક્તને હૃદયમાં સાચો ભાવ હતો તો મહારાજ સામે ચાલીને તેને ત્યાં ગયા અને જમીને તેને રાજી કર્યો; આમ જો તે હવેના પ્રસંગ ઉપરથી જોઈએ.

મહારાજ ત્યારે વડતાલમાં પંદર દિવસ રહ્યા હતા. તે વખતે બીજા ગામના ધનાઢ્ય હરિભક્તો પણ દર્શને આવ્યા હતા. તેમણે વિચાર કર્યો જે, ‘આપણે મહારાજને માટે થાળ કરીએ, પણ એવો થાળ કરીએ કે, કોઈ દિવસ મહારાજે ભાળ્યું ન હોય અને કાને સાંભળ્યું પણ ન હોય, તેવાં પકવાન કરીએ જેથી મહારાજ આપણને ખૂબ વખાણે;’ આમ ભગવાનને જમાડવાના ભાવ કરતાં મહારાજ વખાણે અને બીજા કરતાં પોતે શ્રેષ્ઠ દેખાય તે માટે થાળ તૈયાર કર્યો. પછી મહારાજને જમવાને માટે બોલાવવા આવ્યા, પણ મહારાજ તો સામું પણ જુએ નહીં. પછી મૂળજી બ્રહ્મચારીએ મહારાજને કહ્યું જે, “મહારાજ ! આ હરિભક્તોએ થાળ કર્યો છે, તે જમવા પધારો.” મહારાજ કહે, “બ્રહ્મચારી ! અમે હમણાં જમ્યા છીએ, તે પેટમાં ભૂખ જ નથી.” પછી બ્રહ્મચારી કહે, “મહારાજ ! મોટા ધનાઢ્ય ભક્ત છે, તેઓએ રાત બધી દાખડો કરીને તમારે માટે થાળ કર્યા છે.”

પછી બ્રહ્મચારીનો બહુ આગ્રહ જોઈને મહારાજ જમવા પધાર્યા અને બાજોઠ ઉપર વિરાજમાન થયા. અને મહારાજ આગળ બધાં પકવાનના થાળ ધર્યા. પછી મહારાજ તેમાંથી ભાતનો એક ગ્રાસ જમીને હાથ ધોઈને ઊઠી નીકળ્યા, પણ બીજાં પકવાન સામું જોયું પણ નહીં. તે ભક્તોને મહારાજે ક્યારેય દેખ્યાં ન હોય તેવાં ભોજન જમાડવાનો ભાવ હતો, તે ખરેખર તેમના પકવાન સામું મહારાજે જોયું પણ નહીં ને ઉતારે પધારી પોઢી ગયા.