Satsangni Divyata - Bhaktavatsal Bhagwan

Satsangni Divyata - Bhaktavatsal Bhagwan
September 1, 2023
Prasannavadan Swami - Kundaldham
0:00/0:00

એક વખત શ્રીજીમહારાજ અક્ષરઓરડીમાં બપોરના સમયે સૂતા હતા. તે વખતે સુતાર રામબાઈ પોતાના નાના દીકરા માવજીને લઈને મહારાજનાં દર્શન કરાવવા તથા વર્તમાન ધરાવવા આવ્યાં હતાં. પછી તે રામબાઈએ અક્ષરઓરડીનું કમાડ ઉઘાડવા માંડ્યું, ત્યારે મૂળજી બ્રહ્મચારી કહે જે, ‘મહારાજ પોઢ્યા છે તે પછી આવજો.’

ત્યારે મહારાજે માંહેલી કોરે સાંભળ્યું ને બોલ્યા જે, ‘કોણ છે ?’ ત્યારે મૂળજી બ્રહ્મચારી કહે જે, ‘એ તો સુતાર રામબાઈ તેના દીકરા માવજીને દર્શન કરાવવા તથા વર્તમાન ધરાવવા આવ્યાં છે.’ ત્યારે મહારાજ કહે, ‘આવવા દ્યો.’

પછી સુતાર માવજી અક્ષરઓરડીમાં મહારાજ પાસે જઈને પગે લાગ્યો, ને રામબાઈ બહાર બેઠાં. મહારાજે માવજી સુતારના મોઢામાં પોતાના ચરણનો અંગૂઠો આપ્યો, તે તેણે ઘણી વાર ચૂસ્યો ને પછી મહારાજના ઢોલિયા ફરતી પ્રદક્ષિણા કરવા લાગ્યો. એવામાં મહારાજે એ માવજીનો હાથ ઝાલી પોતાની પાસે બેસાડ્યો, ને ફરીથી અંગૂઠો મોઢામાં આપ્યો ને વળી ફરીથી ચૂસ્યો. પછી રામબાઈ બહાર બેઠાં હતાં તેણે મહારાજને કહ્યું જે, ‘હે મહારાજ ! હું થાળ કરાવું છું તે મારે ઘેર જમવા પધારો.’ ત્યારે મહારાજ કહે જે, ‘ઠીક, થાળ કરાવો અમે આવીશું.’ મનમાં રાજી થઈ રામબાઈ ઘેર ગયાં.

પછી બીજે દિવસે રામબાઈએ રસોઈ કરી ને મહારાજ જમવા પધાર્યા. તે વખતે માવજી સુતારના બાપ વાલા સુતારે ધાબળાનું આસન નાખીને તેની ઉપર મહારાજને બેસાડ્યા. ને આગળ બાજોઠ પર થાળ મૂક્યો. થાળમાં ચુરમાના લાડું તથા પૂરી, ભજિયાં, શાક, દાળ, ભાત વગેરે પીરસ્યું ને મહારાજ ખૂબ જ જમ્યા. પછી પ્રસન્ન થઈને વાલા સુતાર તથા રામબાઈ તથા તેના પુત્ર માવજીને પ્રસાદી આપી. પછી ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન થયા. વાલા સુતારે મહારાજને ચંદન ચર્ચ્યું. પછી પુષ્પના હાર પહેરાવીને આરતી ઉતારીને પગે લાગ્યા. પછી મહારાજે વાલા સુતાર તથા તેમના દીકરા માવજીને હૃદયમાં ચરણારવિંદ આપ્યાં ને માવજીના મસ્તક ઉપર હાથ મૂક્યો. પછી મહારાજ પોઢી ગયા ને પછી સાંજે ઊઠીને દરબારમાં ગયા. પછી બીજે દિવસ રામબાઈ દાદાખાચરના દરબારમાં ગયા ને કહ્યું જે, ‘હે મહારાજ ! હું આ લૂગડું લાવી છું તેમાં ચરણારવિંદ પાડી આપો.’ મહારાજ કહે જે, ‘તમને ચરણારવિંદ નહિ પાડી આપીએ; કારણ કે, તમે ગામમાં જ રહો છો, ને તમારે અમારાં નિત્ય દર્શન થાય છે, માટે નહિ પાડી આપીએ.’’

ત્યારે રામબાઈ ઘરે ગયાં ને બીજે દિવસ આવતા વાર લાગી, એટલે મહારાજે કહ્યું કે, ‘રામબાઈ કેમ આવ્યાં નથી ?’ ત્યારે કોઈએ કહ્યું જે, ‘કાલે ચરણારવિંદ પાડવાની ના કહી, તેથી તેને રીસ ચડી હશે.’

પછી મહારાજ કહે, ‘એમને અહીં બોલાવી લાવો.’ પછી રામબાઈને બોલાવ્યાં ને દરબારમાં આવ્યાં. પછી મહારાજે પોતાને પહેરવાનું ધોતિયું ફાડીને બે જોડ ચરણારવિંદ પાડી આપ્યાં ને એક રૂમાલ ને એક બટવો આપ્યો. પછી મહારાજ કહે, ‘રામબાઈ તમને સમાધિ કરતા શીખવીએ.’ ત્યારે રામબાઈ કહે, ‘મારે સમાધિ કરવી નથી, ને સમાધિમાં શું દેખાડો ?’ ત્યારે મહારાજ કહે, ‘અમારું ધામ અને મારી મૂર્તિ તમને દેખાડીએ.’

પછી રામબાઈ કહે, ‘મારે સમાધિ કરવી નથી. તમે અહીં બેઠા છો, તે મારે તો તમારી મૂર્તિનાં દર્શન કરવાં છે તે થાય છે.’ ત્યારે મહારાજ રાજી થયા ને કહે જે, ‘માંગવું હોય તે માંગો.’

ત્યારે રામબાઈ કહે, ‘મહારાજ તમે મારી ખબર રાખજો.’ પછી મહારાજ કહે, ‘બહુ સારું, અમે તમારી ખબર રાખશું, ને દુ:ખ પડે ત્યારે અમને સંભારજો તે તમારું દુ:ખ અમે હરી લેશું, ને મારી મૂર્તિ તમારી પાસે રહેશે.

વહાલા ભક્તો ! સુતાર રામબાઈનો પ્રેમ અને નિષ્ઠા જોઈ મહારાજ અતિશય રાજી થયા. રામબાઈને મનુષ્યરૂપ મહારાજની મૂર્તિ ને ધામની મૂર્તિ એક જ છે; એવી નિષ્ઠા હતી. તેથી મહારાજે કહ્યું, છતાં સમાધિની ચ્છા ન રાખી ને પ્રત્યક્ષ મહારાજના દર્શનથી જ પૂર્ણકામ રહેતાં, તો મહારાજે કેવો અલૌકિક આશીર્વાદ આપ્યો ! આપણે પણ મહારાજની મૂર્તિને વિશે ધામની જ મૂર્તિનો ભાવ રાખી સેવીએ, તો મહારાજ આપણા ઉપર પણ અતિશય પ્રસન્ન થાય.