
આશ્રય, હિત, કૃણાલ અને મંથન; આ ચારેય મિત્રોનું ગ્રૂપ સત્સંગમાં સૌને માટે પ્રેરણાસ્રોત બન્યું છે. તેમનો અરસપરસનો સ્વીકાર, મિત્રતા અને આત્મીયતા અજોડ છે. કહેવું મુશ્કેલ પડી જાય કે આધ્યાત્મિક માર્ગે આ ચારમાંથી કોણ આગળ ને કોણ પાછળ ! નિષ્ઠા, મહિમા, સેવા અને સદ્ગુણોમાં એક એકથી ચડિયાતા.
પૂ.સંતોના સત્સંગ વિચરણ દરમિયાન લીડર ભક્તોએ આ વખતે આયોજનની સેવા મંથનને સોંપેલી; પરંતુ આશ્ચર્ય એ વાતનું હતું કે મંથનના અન્ય ત્રણેય મિત્રો ઉંમરે થોડા મોટા હોવા છતાં, સત્સંગમાં પ્રથમ આવેલા હોવા છતાં, આવી સેવાના અનુભવી હોવા છતાં મંથનના કહેવા પ્રમાણે જ કરે. અથડામણ તો અણુ જેટલીય ન થવા દે. દાસત્વ જાળવીને ડૂબીને તેને મદદ કર્યા કરે. કોઈ વાતે મંથનને મૂંઝાવા ન દેવો, તેની તબિયતનો ખ્યાલ રાખવો, આયોજનમાં ભળી જઈને તેને સાથ આપવો – આ બધું પાયાનું કામ બાકીના ત્રણેય મિત્રો બેકસાઇડ રહીને કર્યા જ કરતા. વળી, મિત્રના નાતે જરૂર પડ્યે કોઈક બાબતમાં તેનું ધ્યાન દોરવું, રહી જતા કામની યાદી આપવી, કોઈક પ્રસંગે સાવધાની આપવી – આવું પણ તેઓ કરતા રહેતા; પરંતુ એકદમ હૃદયની લાગણીથી, ભાવના ને ભક્તિથી; ખરા અર્થમાં મિત્ર બનીને.
આ બાજુ સેવા સંભાળનાર મંથન પણ એવું જ ઊંચું અને ગુણિયલ પાત્ર. બીજાની ભૂલ પણ માથે લઈ લેવાનું જાણે કે તેના લોહીમાં જ વણાયેલું ન હોય ! એવું તેનું નિરાળું વ્યક્તિત્વ. સત્સંગની સેવામાં તે પોતાનું દેહભાન ભૂલી જાય. સંતો-ભક્તોના સુખાર્થે સમાપ્ત થઈ જવાની ભાવનામાં તે દિવસ-રાત ન જુએ. ઘરધણી બની સેવા કર્યા કરે. નાના અને મોટા બંને પાસે એવી રીતે રહી જાણે કે સૌ કોઈને તેના ઉપર સહેજે રાજીપો થાય. દાસત્વનું રોલ મોડેલ કહેવું હોય તો મંથનનું નામ મોખરે આવે. આમ, ચારેય મિત્રોમાં આધ્યાત્મિકતાનો ઊંચો નિખાર સૌને નજરે પડતો હતો. તેમનામાં આવા સદ્ગુણો ખીલ્યા તેમજ પરસ્પરની આવી આત્મીયતા જામી તેનું મુખ્ય કારણ શું ? બસ એક જ બાબત – સત્સંગ ગોષ્ઠી.
ચારેય મિત્રો આ ગોષ્ઠીનું કામ રોજેરોજ અવશ્યપણે કરી જ લે. આનાથી તેઓની બેટરી હંમેશાં ચાર્જ થયેલી જ રહેતી. ગમે તેવા સંજોગોમાં પણ તેઓ આ કાર્ય અન્ય બાબત કરતાં વધુ પ્રાયોરિટી આપીને કરતા રહેતા. ક્યારેક એકાદ સભ્ય હાજર ન રહી શક્યો હોય તો તેને ફોનમાં જોડીને પણ આ કાર્ય રેગ્યુલર થતું રહેતું. આ ગોષ્ઠીમાં તેઓ શું કરતા ? તો… રોજની કથાનું મંતવ્ય, પ્રભુસ્મરણની યાદી, પૂ.ગુરુજીની આજ્ઞાના અનુસંધાને દંડવત, પ્રદક્ષિણા વગેરે પ્રકલ્પોનો પોતાનો આંક, મંગળા આરતી વગેરે નિયમોની ચર્ચા, આંતરિક અભ્યાસની ટકાવારી, માનસીપૂજાની ગુણવત્તા, પરસ્પરની કરવા જેવી ટકોર તેમજ V વ્રતના માધ્યમે અન્ય ભક્તોના સદ્ગુણો કે સારા પ્રસંગોની આપ-લે.
આમ, ત્રણેક વર્ષના સાતત્ય સાથે તેમણે આ નિયમ જાળવેલો. આનાથી તેઓની આધ્યાત્મિક સ્થિતિ અને સમજણનું સ્તર ખૂબ સ્પીડથી ઊંચું આવ્યું હતું. એકબીજાનાં હૂંફ-બળ અને ટેકો મળતા મન સાથે લડવામાં, આજ્ઞા પાળવામાં અને સંતો-ભક્તોનું ગમતું કરવામાં તેઓ આગળ વધ્યા હતા. V વ્રતથી તો તેમના જીવનમાં જબરો બદલાવ આવ્યો હતો. કોઈ ભક્તના સદ્ગુણોની વાત કરતા-સાંભળતા તેમને સમયનું ભાન ભુલાઈ જતું. આ બધી સત્સંગ ગોષ્ઠી કરવામાં તેમણે એક નિયમ ખાસ કરેલો કે કોઈ પણ નિમિત્તે ક્યારેય કોઈનું નેગેટિવ બોલવું જ નહીં. વળી, સત્સંગના બહાને સમય અને વૃત્તિનો વ્યય કરનારી વ્યર્થ વાતો ન કરતાં જીવને બળિયો બનાવે એવી જ વાતો કરવી.
આમ, હંમેશાં મહિમાના જ પ્રવાહમાં સ્નાન કરનારા આ ચારેય પાત્રો અભ્યાસ કરતાં કરતાં ખૂબ મહિમાવંતા બની ગયા. દિવ્ય સમૂહના સથવારે તેમનામાં એક એવું સ્ટેજ આવી ગયું કે હવે તેમને ચારેબાજુ દિવ્યતા જ દિવ્યતા દેખાવા લાગી. ઈર્ષા, અથડામણ કે અસ્વીકારની વાત તો બાજુ ઉપર રહી; પરસ્પરના મહિમાથી તેઓ એટલા બધા પ્રભાવિત રહેવા લાગ્યા કે ન પૂછો વાત.
લીડર ભક્તોએ સત્સંગ વિચરણમાં પધારેલ પૂ.સ્વામીને આ ચારેયની આત્મીયતા અને અરસપરસના સ્વીકાર વિષે રીપોર્ટ આપ્યો. આ સાંભળી પૂ.સ્વામીને ખૂબ આનંદ થયો. પૂ.સ્વામી એક પછી એકને પર્સનલ મળ્યા. ચારેય મિત્રો પૂ.સ્વામીને મળતી વેળાએ રડી પડ્યા, પરંતુ પોતાના દોષો-સ્વભાવોનું કે પરસ્પરની ફરિયાદનું નહીં; અન્ય માટેની પ્રાર્થનાનું. અન્યના સુખ અને ચિંતાનું. ‘પ્રભુએ મને આવા સારા મિત્રો આપ્યા’ એની ખુશીનું. મિત્રોએ કરેલી મદદ સંભારી એ કૃતજ્ઞતાનું. એમની કરુણાની ફીલિંગનું.
અંતમાં પૂ.સ્વામીએ ચારેયને સાથે બોલાવીને ફરીથી રાજીપો આપ્યો. આ પ્રસંગે પૂ.સ્વામીએ તેમના આધ્યાત્મિક બેઝની વધુ મજબૂતાઈ કરવા તેમજ તેમને વધુ આગળ લેવા કેટલીક વાતો કરવા માંડી… બેટા આશ્રય, હિત, કૃણાલ, મંથન ! તમે ચારેય વહાલા મહારાજ અને પૂ.ગુરુજીના લાડલા છો, સત્સંગમાં ઘરધણી થઈને સેવા કરો છો. વળી એકબીજાના સુખનું જ વિચારતા રહો છો. પરસ્પરનો સ્વીકાર હોવાથી અથડામણ નથી કરતા, તેથી આવું વાતાવરણ જોઈ પ્યારા પ્રભુજીને અને પૂ.ગુરુજીને ખૂબ ગમતું હશે. આવું જીવન જોઈને મારું દિલ પણ ઠરે છે, રાજીપો થાય છે; અને એટલે જ મન થાય છે કે સોનામાં સુગંધ ભેળવી દઉં…
વહાલા દીકરાઓ ! તમે ચારેય મિત્રો ખૂબ સારું કરી રહ્યા છો. બસ હવે આમાં એટલું જ ધ્યાન રાખવાનું છે કે પરસ્પરના જોડાણમાં-પ્રેમમાં-સ્વીકારમાં મહારાજ અને પૂ.ગુરુજીનો સંબંધ રખે શરતચૂકથી ગૌણ ન થઈ જાય ! આપણે દેહ અને દેહસંબંધી કરતાં મહારાજ અને સંતો-ભક્તોમાં વધુ હેત રાખીએ એ તો સાચું જ છે, હોવું જ જોઈએ; પરંતુ મહારાજ અને ગુરુજી કરતાં પણ વધુ હેત જો પરસ્પરમાં વધી જાય તો તો એ મારી દે. માટે આ દિવ્યતામાં આસક્તિરૂપી માયિકતા પેસી ન જાય, પરસ્પરનું હેત બંધન બની ન જાય; એવા સાવધાન રહેવું જોઈએ. આપણે એક જ ઇષ્ટદેવ અને એક જ ગુરુદેવના નાતે સત્સંગી મિત્રોમાં હેત રાખવું જોઈએ, પરંતુ સાથોસાથ તેમાં દિવ્ય સંબંધ મુખ્યપણે જળવાયેલો રહે એવી સાવધાની પણ રાખવી જોઈએ.
આપણું ક્યાંય પણ કરેલું હેત પ્રભુપ્રીતિવર્ધકધ્યેયસ્વરૂપને પમાડનારું જ બનવું જોઈએ. ને જો આવી સમજણરૂપી પાયા વગર જ બિલ્ડિંગ ચણાય જાય તો તેમાં જબરું જોખમ આવી શકે છે. મહારાજ અને પૂ.ગુરુજીના દિવ્ય સંબંધને વાયા કર્યા પછી જ કોઈનામાં હેત કરીએ તો એમાં આપણા આધ્યાત્મિક માર્ગની સલામતી છે. જો આમ ન કરીએ તો આપણા માર્ગમાં ધ્યેયને ફંટાવનારાં ઘણાંક વિઘ્નો આવવાની શક્યતા છે. આ સમજણનો પાયો જેટલો વધુ મજબૂત હશે એટલી આની ફળશ્રુતિ વધુ સુખદ મળશે. ને તે સમજણ આપણા ધ્યેયને પુષ્ટ કરનારી અને પાર પાડનારી બનશે.
અને હા, બીજી એક બાબત ધ્યાનમાં રાખવા જેવી છે એ પણ કહી દઉં... આપણી મિત્રતામાં પરસ્પરના દોષો ‘તેરી બી ચુપ-મેરી બી ચુપ’ એ ન્યાયે ઢંકાઈ જાય એવું તો ન જ થવું જોઈએ. સાચી મિત્રતા એને કહેવાય કે જે આજ્ઞા લોપવામાં નહિ; હંમેશાં પાળવામાં જ કામ લાગે. આપણામાં કોઈક ભૂલ દેખાય તો તે આપણને હકથી વઢી-ટોકી શકે. ને આપણી ભૂલ એને પોતાની જ ભૂલ લાગે; એ મિત્ર આપણને આગળ લઈ જાય. આમ પરસ્પરની મદદથી સૌનો શુદ્ધિ-વૃદ્ધિ માટેનો સામૂહિક પ્રયત્ન છેવટે સર્વ માટે પ્રગતિવર્ધક બની રહે. જોકે આમ તો તમે ચારેય આ બાબતે સાવધાન હશો જ, છતાં તમારી દૃઢતાને વધુ મજબૂત કરવા મારે હજુ પણ એક વાત કહેવી ઘટે… હાલ તો તમે બધા પરસ્પરની આવી મિત્રતા, સ્વીકાર, મહિમા વગેરે સદ્ગુણોથી અલંકૃત દિવ્ય જીવન જીવો છો, પણ સમયાંતરે તેને કોઈ દેશ-કાળ લાગી ન જાય એ માટે કાયમ ગરીબડા રહેજો. કોલેજમાં જતા સંગ ફેર ન થઈ જાય એનું ધ્યાન રાખજો ને આજીવન તમારું ધ્યાન રાખે એવા સંતો-ભક્તોને માથે રાખજો-સાથે રાખજો, કાયમ તેમને સોંપાયેલા રહેજો; જેથી માયા તમારા માર્ગમાં વિઘન કરી ન જાય.
પૂ.સ્વામીના મુખેથી આવી લાગણીભરી અમૂલ્ય વાતો સાંભળી ચારેય સુજ્ઞ મિત્રોએ એ વાતોને હૃદયસ્થ કરી લીધી. વહાલા ભક્તો ! જો આપણે પણ આ ચાર મિત્રો જેવો અરસપરસનો સ્વીકાર શીખીશું અને પૂ.સ્વામીએ કરેલી સાવધાનીની વાતોને અમૂલ્ય સમજી જીવનમાં અપનાવીશું તો આપણે પણ પ્રભુના અને પ્રભુપ્યારાનાં ગમતાં પાત્ર બની જઈશું.