Safaltama Savadh Raho…

Safaltama Savadh Raho…
May 1, 2024
Aatmiyswarupdasji Swami - Kundaldham
0:00/0:00

HSC બોર્ડની એક્ઝામ બાદ થોડા દિવસ પછી રીઝલ્ટની ડેટ આવી. હાઇસ્કૂલમાં સૌ વિદ્યાર્થી રીઝલ્ટ લેવા હાજર થયા. રીઝલ્ટ વિતરણ બાદ પ્રિન્સિપાલ સાહેબે આનંદિત ચહેરે જાહેરાત કરવા માંડી... વહાલા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ! આપણી સ્કૂલના એક ચમકતા સિતારાએ આ વખતે બહુ મોટી જ્વલંત સફળતા મેળવી છે. અને મને કહેતાં આનંદ થશે કે, તે માત્ર આપણી સ્કૂલમાં જ નહિ, પરંતુ સમગ્ર ઇન્ડિયા લેવલે ફર્સ્ટ આવ્યો છે. એ યશસ્વી વિદ્યાર્થી છે... આપણો લાડલો ‘ધ્યેય’. વાત સાંભળતાં જ સૌએ તેને તાળીથી વધાવી લીધો.

સૌ કોઈ ધ્યેય ભણી જોવા લાગ્યા, પણ આ તે કેવું આશ્ચર્ય ! ધ્યેયના મુખ પર વિશેષ ખુશીના કોઈ જ ભાવો ન જણાયા. થોડીવાર બાદ તેણે સ્થિરતા સાથે સ્માઇલ તો આપી દીધી, પણ તેની આર્ટીફિશિયલ સ્માઇલની કેટલાક સુજ્ઞજનોને નોંધ આવી ગઈ. પ્રિન્સિપાલ સાહેબે પોતાની વાત આગળ વધારતાં કહ્યું, “વિદ્યાર્થી મિત્રો ! જેણે આપણી સ્કૂલને ગૌરવ અપાવ્યું છે, એવા ધ્યેયના સન્માન માટે આવતા શનિવારે સ્કૂલમાં એક ફંક્શન યોજાશે. જેમાં પુરસ્કાર સાથે તેને સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે સૌએ અવશ્ય હાજરી આપવી.” આટલી જાહેરાતના અંતે સૌ છૂટા પડ્યા.

આ બાજુ ધ્યેયના કેટલાક સત્સંગી મિત્રો ધ્યેયને ઘેરી વળ્યા. શું યાર ધ્યેય ! આવી ખુશીના સમયે તું કેમ આવો મુડલેશ ! શું વાત છે ? ધ્યેયના મૌન સેવવાથી તેનો મિત્ર સંયમ બોલ્યો, “ધ્યેય ! આનાથી તો આપણા ઇષ્ટદેવ, ગુરુદેવ અને તારા મમ્મી-પપ્પાનું પણ ગૌરવ વધ્યું છે. તેમ છતા તારું મુખ ન ચમકે એ કેવું ! દર્શકે પણ થોડા હાસ્ય સાથે ટમકું મૂક્યું, “ધ્યેયને વર્લ્ડ ફસ્ટ આવવું હોય ને ઇન્ડિયા લેવલે અટકી ગયો એનું તેને દુ:ખ તો હોય જ ને !”

આમ મિત્રોએ અવનવી સાઇડથી પ્રયત્નો કરી જોયા. પરંતુ ધીરગંભીર એવો ધ્યેય હજુ સુધી મૌન છે. છેવટે સૌ શાંત થયા એટલે આંખો બંધ કરતાં ધીરે રહીને બોલવા લાગ્યો... “પરમ પ્રાપ્તિરૂપ ધ્યેય સુધી પહોંચ્યા પહેલાની આ ધ્યેયની ખુશી ધ્યેયસિદ્ધિ માટે વિઘ્નરૂપ છે.” આ વિચારથી મને એ પ્રસંગમાં કાંઈ ખુશ થવા જેવું લાગ્યું નહિ. ઉલટાનું... ધ્યેય આગળ બોલે એ પહેલા રવિએ વચ્ચે બોલવા માંડ્યું, ધ્યેય ! આવા ફંક્શનમાં તું ખુશ હો એ તો તારી સમજણની બલિહારી પણ મુડલેશ હો એ કેવું ?

રવિની વાતના અનુસંધાને ધ્યેય બોલવા લાગ્યો, સાંભળ રવિ ! મારે તો ઘણું ખુશ રહેવું છે પણ અંદરથી ભય લાગે છે. ભય ? હા, હું બહુ ડરું છું. તું જાણે છે કે સ્કૂલમાં તમામ શિક્ષકોનો હું માનીતો. વિદ્યાર્થીઓની પણ મારા ઉપર મીઠી નજર, વળી સત્સંગમાં પણ સંતો-ભક્તો મારા ઉપર ખૂબ રાજી. આમ બધેથી બધા પ્રકારનો રાજીપો તો મને મળે છે, પરંતુ એની સાથોસાથ મળનાર આ માન-સન્માન... રખે એ બધામાં હું ફસાઈ ન જાવ ! માન-મોટપ મળતા મારો મુખ્ય ધ્યેય ફંટાઈને ગૌણ પક્ષની સાઇડ પેદાશ મેળવવાનો બની ન જાય ! રવિ, હું તેનાથી બહુ ડરું છું. અને હા, સત્સંગની પક્વતા બાદ હમણાં ૫-૭ વર્ષથી તો માન-સન્માનનો યોગ મને ઊંડો ઉતારી દે છે.

ધ્યેય પોતાના પ્રસંગને આનુસંગિક વાતો કર્યે જતો હતો... જો હું આ આવી પડેલ સફળતા, માન-સન્માન કે વખાણના પ્રસંગમાં સાવધ ન રહું ને તેની ખુશીમાં ભાન ભૂલી જાઉં તો... એ ભોગવાઈ ગયેલું સુખ જ મને ધ્યેયભ્રષ્ટ કરી નાંખે. મારા સદ્ગુણરૂપ સર્વે આભૂષણ પણ મારા માટે ડેરારૂપ બની જાય. એ સમયે મારી સૂઝબૂઝ, મહેનત, ગુણો વગેરે મને યાદ આવે તો તેનું ઝેર ચડ્યા વગર ન રહે. એટલે જ હું મનોમન મારી સફળતાના મૂળને વિચારી મારી દવા કરી રહ્યો હતો. તે દરમ્યાન હું મારી બાહ્ય ખુશીને હાજર રહેવા ઘણું સમજાવતો હતો પણ...

મિત્રો ! વડનગરના ઈશ્વરચરણ સ્વામીના ૫ જન્મની કથા યાદ કરું; પ્રભુપ્રાપ્તિ પહેલાની અન્ય માયાજન્ય પ્રાપ્તિમાં ફસાઈ જતાં તેમને કેવું મોટું વિઘ્ન થયું ! વળી, પ્રભુ પામવાના ધ્યેય સાથે મંડેલા મગ્નીરામ પોતાનો ટ્રેક ચૂકી ગયા તો તેમની કેવી દશા થઈ ! ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજીને પણ થોડીક જ શરતચૂક થઈ જતાં તેમને કેવું ભયંકર પરિણામ ભોગવવું પડ્યું ! આ બધી વાત વિચારતાં ભલભલાને બીક લાગે જ તો. અને હા, પ્રિન્સિપાલ સાહેબની છેલ્લી જાહેરાતને પચાવવા તો મારે ઘણાક સંતો-ભક્તોને મળી તેમની પાસેથી સમળી સૂતર મેળવવું પડશે.

સહુ મિત્રો સમજાય કે ન સમજાય; કાન દઈને ધ્યેયને સાંભળતા હતા. ને ધ્યેય પોતાને જે વાત સ્પર્શી છે તે અંગે બોલ્યે જાય છે... પૂ.ગુરુજીએ રવિસભામાં કરેલી વિશ્વામિત્રના આખ્યાનની વાતથી આ માર્ગમાં ઘણી સાવધાની મળે છે. અને સદ્.આનંદાનંદ સ્વામીની વાત તો મારા માટે પથદર્શક બની રહે છે. અયોધ્યામાં મોટો આશ્રમ, ઘણાક શિષ્યો, સંપત્તિ, માન-મોટપ, પદ-પ્રતિષ્ઠા વગેરે અનેક પ્રલોભનોને ઠુકરાવીને પણ તેઓ પરમધ્યેયને પામી ગયા. વળી, અદ્ભુતાનંદ સ્વામી જેવા સંત પણ ધન-સ્ત્રી, માન-મોટપ વગેરે માયામાં ક્યાંય ન લેવાયા. આ બધી દિશાસૂચક વાતોથી મને તો એવું લાગ્યું કે, “ધ્યેયસિદ્ધિ માટે જેટલી નિષ્ફળતામાં સ્થિરતાની જરૂર છે એટલી જ સફળતામાં સ્થિરતાની જરૂર છે. કેમ જે, સફળતામાં આવતી સાઇડ ઈફેક્ટ આપણા ધ્યેયથી આપણને ઘણે દૂર ફેંકી દે છે...”

રવિએ કહ્યું, ભલા ધ્યેય ! આ બધી આધ્યાત્મિક ઊંચી વાતો તો... એ વાતોને આપણે ગૃહસ્થોએ... ધ્યેયે કહ્યું, સાંભળ રવિ ! આ જન્મે ભગવાને પામવું જ હોય તો આપણે પણ એટલું જ સાવધાન રહેવું ઘટે. ભગવાન સિવાયનું બીજું મળતા ખુશ થવાય છે, જ્યાં સુધી તેમાં સુખ મનાય છે ત્યાં સુધી આપણા ધ્યેયમાં અશુદ્ધિ છે. માટે હું કઈ કઈ પ્રાપ્તિથી ખુશ, આનંદિત, તૃપ્ત થાઉં છું ? એ ચેક કરી લક્ષ્યશુદ્ધિ કરવી જોઈએ. ઘટાદાર આંબાનું વૃક્ષ હોય પણ તેને કેરીરૂપ ફળ ન પાકતું હોય તો એનાથી શું ? આપણી જરાક જેટલી સફળતામાં આપણે સંતુષ્ટ થઈને બેસી જઈએ તો ધ્યેય બહુ દૂર રહી જાય. વળી, આ ક્ષણે આપણો ધ્યેય કાંઈક સારો, ઊંચો હોય ને બીજી ક્ષણે પાછો બદલાઈ પણ જાય; માટે આપણે હરક્ષણે ધ્યેયને તપાસતા રહી તેને વળગેલા રહેવું અત્યંત જરૂરી છે.

સાંભળ રવિ, એક બીજી વાત... જે બાબત ખરા અર્થમાં ધ્યેય બની હોય એ જ સિદ્ધ થાય છે. માટે જે બાબત આપણે સુધારવી-કેળવવી હોય તે બાબત આપણો ધ્યેય બની જવી જોઈએ. આપણી શુદ્ધિ-વૃદ્ધિમાં સફળતા નથી મળતી તો આપણા ધ્યેયમાં જ બોદાશ-ઢીલાશ છે. ધ્યેય અંગેનો કોઈ મજબૂત ઠરાવ ન હોય - તેને પાર પાડવાની તીવ્રતા ન હોય અને પાછો તે આપણો ધ્યેય કહેવાતો હોય તો એ માત્ર આપણાં આંખમીચામણાં છે. ધ્યેયની પ્રાપ્તિ માટે આપણે પડકારરૂપ બાબતોથી પણ ઉપરવટ જઈ શકીએ ત્યારે જ આપણે ધ્યેય બાંધ્યો છે એવું કહી શકાય. ખરો ધ્યેયવાન અંતરાયને ગણકારે જ નહિ. નાના એવા આપત્કાળમાં ડાયવર્ઝન લઈને ધ્યેયને સાઇડ ઉપર કરી દેવામાં આવે તો એને ધ્યેય કેમ કહી શકાય ? આમ, ધ્યેયની આવી મુમુક્ષુતાથી ભરેલી ધ્યેયપુષ્ટીની વાતો સાંભળી સૌ મિત્રો ખૂબ રાજી થયા. અંતમાં આગામી શનિવારની તેની સમજને સાંભળવાનો નિશ્ચય કરી છૂટા પડ્યા.

વહાલા ભક્તો ! ધ્યેયના જીવનમાં વણાયેલી આ વાતો આપણને ધ્યેય પ્રત્યે સભાન કરનારી છે, પોષણ કરનારી છે, આપણા ધ્યેયમાં રહેલી અશુદ્ધિને દૂર કરનારી છે. જે વ્યક્તિ ધ્યેયના જેવી સાવધાની સાથે પોતાના ધ્યેયને વળગી રહે છે તે નિર્વિઘ્નપણે ધ્યેયપૂર્તિ કરી શકે છે. બાકી આપણા જેવાને તો ધ્યેય રક્ષક-પોષકપણે જિવાય છે કે ધ્યેયભક્ષકપણે; એ જ ખબર નથી હોતી. માટે ચાલો, પ્રસ્તુત લેખના માધ્યમે પરમાત્મપ્રાપ્તિના આપણા જીવનધ્યેયને મજબૂત બનાવી લઈએ...