
આપણાથી કાંઈક એવું મન-કર્મ અને વચને કરી વર્તન થઈ જાય છે; જેને લઈને નાની-નાની બાબતમાં દ્રોહ થઈ જાય છે. અને વળી બીજી નુકશાની એ થાય છે કે, આપણા એવા વર્તનને લઈને બીજાને આપણો અવગુણ આવે. આમ, આપણે બીજાનો દ્રોહ કરીએ તેમજ આપણા એવા વર્તનથી બીજા આપણો અભાવ-અવગુણ લે; આ બંનેમાં આપણે પાપના ભાગીદાર બનતા હોઈએ છીએ. જેથી જેવી જોઈએ એવી આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરી શકતા નથી.
જો આપણું આદર્શ વર્તન હશે તો બધાનો સહેજે રાજીપો મળશે અને બધા રાજી થશે. આવું આદર્શ વર્તન બનાવવા માટે અહીંયાં ચાર પથી આપવામાં આવી છે. ડોક્ટરો આ ચાર પથીમાંથી Empathy પદ્ધતિ દ્વારા સૌના વિશ્વાસપાત્ર અને આદર્શ બનતા હોય છે. તો આપણે તેને આધ્યાત્મિક માર્ગમાં ઘટાવીને જીવન ઉપયોગી બનાવશું.
Empathy (આદર્શ પદ્ધતિ) : સામેના વ્યક્તિની વાતને શાંતિથી પૂરેપૂરી સાંભળે, સમજે પછી તેના ઉપર પૂરો વિચાર કરી તેમાં જે સારું હોય તે જણાવી તેને હૂંફ, બળ, પ્રોત્સાહન આપે. પછી જ્યાં સુધારો કરવા જેવું જણાય તે વાતને નમ્રતાથી સામેની વ્યક્તિ સમજી શકે તે રીતે સમજાવે અને જરૂરી સુધારો કરવા માટે માર્ગદર્શન આપે. જેનાથી સામેની વ્યક્તિ આનંદથી પોતાના જીવનને સુધારી આગળ વધારી શકે.
Sympathy (અતિ લાગણીશીલ વ્યક્તિત્વ) : સામેના વ્યક્તિને સાંભળી તેમાં અતિ લાગણીથી પોતે ભળી જાય અને વાતને વધુ ગંભીરે લઈ સામેની વ્યક્તિ વધુ ચિંતામાં આવી જાય તેવી વાત કરે. પરંતુ વિવેકથી લાગણીમાં મર્યાદા રાખી ન શકે અને સામેની વ્યક્તિ જે કહે તે બધું સાચું જ સમજી, તેની ભૂલ સુધારવામાં મદદ કરવાને બદલે વધુ ચિંતામાં ઊતરી જાય તેવું વર્તન અને વાતો કરે.
Antipathy (આક્રોશ અને પૂર્વગ્રહવાળું વ્યક્તિત્વ) : સામેના વ્યક્તિને પૂરો સાંભળ્યા કે સમજ્યા વિના તેના પરત્વે પૂર્વગ્રહ કે સ્વભાવવશ આક્રોશની ભાવના રાખે, તેને મેણાં મારે, વઢે અને તરછોડે પણ ખરા. જેનાથી સામેના વ્યક્તિની લાગણી અતિશય દુ:ખાઈ જાય. અને હતાશ, નાસીપાસ થઈ જાય. અને ફરીથી મળવાનું પણ ટાળે.
Apathy (અવગણના, નિષ્ક્રિય વ્યક્તિત્વ) : સામેની વ્યક્તિની વાત કે લાગણીને પૂરી ધ્યાનથી સાંભળવી કે સમજવાની આદત જ નહીં. પોતાની મસ્તીમાં જ સામેનાની બધી વાતો સાવ સહજપણે લઈને વાતો કરે. બધું નોર્મલ જ છે, સારું જ છે. કંઈ ચિંતા કરવા જેવું નથી, આવું તો ચાલ્યા કરે; આવી Casually Comments આપે. જેનાથી સામેની વ્યક્તિને તેમના ઉપર વિશ્વાસ પણ ન આવે અને કોઈ સમાધાન પણ થાય નહીં.
હે વહાલા નાથ ! અમારી ઉપર આપની અકારણ કરુણા છે. આપની કેવળ કૃપાથી અમને એવા સર્વાંગી સત્પુરુષની ભેટ મળી છે કે તેઓ નિ:સ્વાર્થભાવે અમારું ધ્યાન રાખે છે, ખૂબ સારું સર્વાંગી ઘડતર કરે છે. જરૂર જણાય તો વઢે-ટોકે છે અને વળી સો માની ગરજ સારે એવો પ્રેમ આપી વાત્સલ્ય પણ વરસાવે છે. એનકેન પ્રકારે અમે આપના લાડલા દીકરા બનીએ તેવી કૃપા કરે છે.