
સર્વાવતારી શ્રીસ્વામિનારાયણ ભગવાનનાં દિવ્ય ચરિત્રોથી સભર સદ્.આધારાનંદ સ્વામી રચિત વિશાળકાય શ્રીહરિચરિત્રામૃતસાગર ગ્રંથના પ્રત્યેક પૂરમાં ગંગા નદીની જેમ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, પરાભક્તિ અને સર્વોપરી ઉપાસનાનાં પૂર વહે છે. તથા દરેક તરંગોમાં મહિમા, દિવ્યભાવ, સ્નેહ, સમર્પણ, ગુણગ્રાહી દૃષ્ટિ અને સત્સંગની સર્વોપરિતા છલકાય છે. આ સાગર ગ્રંથમાં શ્રીજીમહારાજે કરેલી સંતો-ભક્તોમાં દિવ્યભાવ રાખવાની વાતોનું આપણે અમૃતની પેઠે પાન કરીએ અને દિવ્યભાવની દૃઢતા કરીએ.
એક દિવસ અચાનક મહારાજે રતનબાઈને દર્શન દીધાં. તેથી રતનબાને અતિ આશ્ચર્ય થયું અને કહેવા લાગ્યાં, ‘હે મહારાજ ! તમે કૃપા કરીને મને દર્શન આપ્યાં.’ ત્યારે મહારાજે કહ્યું, ‘અમને ભૂખ લાગી છે. તે જમવાનું આપો !’ પછી રતનબાએ પોતાના હાથે થાળ કર્યો ને મહારાજને પ્રેમથી જમાડ્યા. જમીને ચળું કરી મુખવાસ જમતાં જમતાં મહારાજ ઢોલિયા પર બિરાજમાન થયા. અને રતનબા મહારાજની સામે બેઠા.
ત્યારે મહારાજ કહે, ‘અમે તમોને આ બે દીકરા આપ્યા હતા, તેનું આયુષ્ય પૂરું થયું છે. તેની થોડીક કસર ટાળવા અમે તમ જેવા ભક્તને ઘેર જન્મ આપ્યો હતો. તે તેમની કસર ટળી ગઈ છે. તમે કહો તો બંનેને ધામમાં તેડી જઈએ.’ રતનબા કહે, ‘મહારાજ ! આપની વસ્તુ આપ લઈ જાવ તેનો મને આનંદ છે. તેથી આપ બંને પુત્રને સુખેથી તેડી જાવ અને મારા બંને પુત્રની જેમ અમને બંનેને પણ અંતે આપ તેડવા આવજો અને આપના ધામમાં અચળ મુકામ આપજો.’ પછી શ્રીહરિ એકસાથે બંને યુવાન પુત્રોને ધામમાં તેડી ગયા. પછી રતનબાઈએ વિચાર્યું કે, ભગતથી આ દુ:ખ સહન નહિ થાય. એટલે બેય દીકરાને ઓરડામાં ભોંયે સુવાડી માથે કપડું ઢાંકી ઘરને સાંકળ વાસી દીધી.
રતનબાઈ કહે, ‘તમારી વાત સાવ સાચી છે, પણ હું મોહ માયામાં બંધાય ગઈ, એટલે સત્યતા ન સમજાણી.’ એમ કહી રતનબાઈએ ભગતનો હાથ પકડ્યો અને ઓરડાની સાંકળ ખોલી અંદર પ્રવેશ કર્યો. ભગતના મનમાં એમ કે પારકાં ઘરેણાં આપવા મને અંદર લઈ જાય છે, પરંતુ રતનબાઈએ ઘરમાં જઈ બંને યુવાન પુત્રોના મોં પરથી કપડું ખસેડ્યું. પછી કહે, ‘મહારાજે આપણને આ વસ્તુ આપી હતી, જે મહારાજની હતી. અને આજ મહારાજ આવ્યા અને પ્રભુએ માંગી, તેથી તેમને પાછી આપી દીધી છે.’ આ સાંભળી ભગત ક્ષણભર મૌન રહ્યા. પછી હૃદય મજબૂત કરી બાળકોના માથા પર હાથ ફેરવ્યો. બંનેએ આખી રાત તેમની પાસે બેસી ધૂન કરી. પછી સવારે સંબંધીઓને જાણ કરી અને પોતે ધીરજ ધરી તેમજ સહુને ધીરજ આપી. પછી બંને પુત્રોની એક ચિતામાં અંતિમવિધિ કરી.
ત્યારબાદ લાલા ભક્તના હૈયામાં એક વાત ઘૂમરાવા લાગી કે, અગતરાયના પર્વતભાઈનો દીકરો માંદો હતો, તોપણ તેઓ ગઢડા જવા નીકળ્યા. ત્યાં છોકરાએ દેહ મેલ્યો, અને પાછળથી માણસે જાણ કરી તો તેમણે કહ્યું, એમ પર્વતભાઈનો પ્રસંગ સંભારી ભગત પોતાની સમજણને દૃઢ કરી આનંદમાં રહ્યા.
આ રીતે સાચી સમજણ જેના ચિત્તમાં લપેટાઈ ગઈ હોય તેને સંસારનાં કોઈ મોહ, માયા બંધન કરી શકે નહીં. તેને જ સાચો ભક્ત કહેવાય. અને આવા ભક્ત જ દિવ્ય દૃષ્ટિ પામી અક્ષરધામના અધિકારી બની સદાને માટે અક્ષરાધિપતિના સાંનિધ્યમાં રહે છે.