Paristhiti

Paristhiti
November 1, 2020
Krushnapriyadasji Swami - Kundaldham
0:00/0:00

એક નાના ગામના રેલવે સ્ટેશને સામાન્ય પરિસ્થિતિના એક ભાઈ ઉદાસ ચહેરે પોતાનાં ત્રણ નાનાં બાળકોને સાથે લઈને આવ્યા. સ્ટેશને આવીને બાંકડા ઉપર બેઠા-બેઠા ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા; પણ કંઈક ઊંડા ઊતરી ગયા હતા. તેની ફરતે તેમનાં બાળકો રમતાં હતાં. બરાબર તે સમયે ટ્રેન આવી. ભાઈ પોતાની સાથે ત્રણ નાનાં બાળકોને લઈને ટ્રેનમાં ચડયા.

જનરલ ડબ્બામાં જ્યાં જગ્યા મળી, ત્યાં સામાન ઉપર રાખીને, બારી પાસે કંઈક વિચારતાં વિચારતાં એ ભાઈ બેસી ગયા. ટ્રેન ચાલુ થઈ અને સાથે સાથે પેલાં બાળકોનાં તોફાન પણ ચાલુ થયાં.

બાળકો તો ડબ્બામાં બેઠેલા ભાઈઓનાં કપડાં ખેંચ્યા કરે, બીજા મુસાફરોના સામાન હોય તેની સાથે અડપલાં કર્યા કરે. કોઈકની બેગ ઉપર ચડી જાય, કોઈકનાં બૂટ-ચંપલ લઈને પછાડયાં કરે, ટ્રેનમાં દોડાદોડ કર્યા કરે, જોર જોરથી તાળીઓ પાડે, ચિચિયારીઓ કરે. આમ છતાં, પેલા ભાઈ તોફાન કરી રહેલાં બાળકોને કંઈ જ કહેતા નહોતા. જેમ જેમ સમય પસાર થયો, તેમ તેમ બાળકોનાં તોફાન વધતાં ગયાં. થોડીવારમાં તો આખો ડબ્બો માથે લીધો.

ડબ્બામાં બેઠેલા મુસાફરોને એમ થયું કે, 'આ ભાઈ, થોડીકવારમાં સમજી જશે અને તેમનાં બાળકોને અટકાવશે.' એમ સમજીને સહુ ધીરજ રાખીને સહન કરતા રહ્યા. અમુક સમય થયો, પણ આ ભાઈ તો કાંઈ સમજ્યા નહીં; એટલે મુસાફરોની ધીરજ ખૂટી ગઈ.

ડબ્બામાં બેઠેલા મુસાફરોથી હવે સહન કરવું મુશ્કેલ બન્યું; એટલે બધામાંથી એક મુસાફર આકળો થઈ ગયો અને શૂન્યમનસ્ક થઈને બેઠેલા ભાઈને, ખીજાઈને બોલવા લાગ્યો, 'અલા એ..! આ તારાં બાળકો તોફાન કરે છે, તે તું જોતો નથી ? તેમને કેમ તોફાન કરતા અટકાવતો નથી ? તારાં બાળકોને શાંતિથી બેસાડ ને !'

સુનમુન બેઠેલા આ ભાઈ કાંઈ જ બોલ્યા નહીં. તેથી બીજો મુસાફર આવીને આ ભાઈને કહેવા લાગ્યો કે, 'અરે...એ ભાઈ ! તું સાંભળે છે કે નથી સાંભળતો ? આ તારાં બાળકોએ તો અમારું માથું દુઃખવાડી દીધું; આને શાંત કર ને !' પરંતુ આ ભાઈ તો ઉદાસ થકા બેસી જ રહ્યા, કાંઈ જવાબ જ ન આપ્યો.

ત્રીજો મુસાફર આક્રોશ સાથે બોલ્યો, “બંધ કરાવને તારાં છોકરાનાં તોફાનો ! તને કાંઈ ખબર પડે છે કે નથી પડતી ? અમે તો હવે ત્રાસી ગયા છીએ એમનાં તોફાનોથી.”

પેલા ભાઈ રડમસ ચહેરા સાથે તેના તરફ એક નજર નાખીને ઊંડા ઊતરી ગયા. ડબ્બામાં બેઠેલા એક ડાહ્યા સજ્જન વ્યક્તિ આ બધી પરિસ્થિતિ જોયા કરતા હતા; તેથી તે સમજી ગયા કે, 'આ ભાઈને કાંઈક મોટી મુશ્કેલી છે.' તેથી તે સુજ્ઞ વ્યક્તિએ આ ભાઈથી બાળકોને દૂર કરીને પ્રેમથી પૂછયું, “ભાઈ ! તમે કાંઈ મુશ્કેલીમાં છો ? તમારે કાંઈ મદદની જરૂર છે?

પેલા ભાઈએ કંપાર્ટમેન્ટના બધા મુસાફરો સાંભળે તેમ કહ્યું, “બાળકોનાં તોફાન બદલ હું આપની બધાની માફી માંગું છું; પરંતુ હું એમને એટલા માટે નથી અટકાવતો કે, આ તોફાન અને સુખ એમના જીવનમાં બહુ ટુકા ગાળાનું છે. મારી પત્ની, આ મારાં બાળકોની મા, વ્યાવહારિક કારણોસર બાજુના શહેરમાં ગઈ હતી; પરંતુ થોડા કલાકો પહેલા જ શહેરની હોસ્પિટલમાંથી મને સમાચાર આપવામાં આવ્યા છે કે, આ બાળકોની મા અકસ્માતમાં મૃત્યુ પામી છે. અને હું બાળકોને સાથે લઈને મારી પત્નીનું ડેડબોડી લેવા જાઉં છું. હવે તમે જ કહો, આ બાળકોને હું કેવી રીતે ચૂપ કરું ?

આ સાંભળીને તમામ મુસાફરો ઊંડા વિચારમાં પડી ગયા. સહુ કોઈની આંખો ભીની થઈ ગઈ. જે બાળકોને એ નફરત કરતા હતા, એ જ બાળકોને બીજી જ ક્ષણે વહાલ કરતા થઈ ગયા. કોઈએ ચોકલેટ આપી, કોઈએ બિસ્કિટ આપ્યાં, તો વળી કોઈએ રમકડાં પણ આપ્યાં. કોઈએ બાળકોને પોતાના ખોળામાં બેસાડયા, કોઈએ માથા પર હાથ ફેરવ્યો. સત્ય જાણ્યા પછી તમામ મુસાફરોનો ગુસ્સો ન જાણે ક્યાં જતો રહ્યો !

વ્યક્તિની જીંદગી માત્ર એ જ નથી કે, જેને આપણે જોઈ રહ્યા છીએ. જિંદગીની એ સિવાયની બીજી બાજુ પણ હોય શકે છે કે, જેને આપણે જોઈ શકતા નથી. સામેની વ્યક્તિની આંતરિક વ્યથાને આપણે જાણતા હોતા નથી. જ્યારે કોઈકને મદદ, માર્ગદર્શન કે સહાનુભૂતિની ખરેખરી જરૂર હોય છે; ત્યારે સામેનાની પરિસ્થિતિ જાણ્યા વિના આપણે આપણી ધૂનમાં આપણા માનેલા સદાચારો કે સદ્વર્તનની ડાહી-ડાહી વાતોના ઉપદેશોના કોથળા ઠાલવતા હોઈએ છીએ.

વહાલા ભક્તો ! આપણે બિલકુલ તટસ્થ ભાવે, સામેની વ્યક્તિની આંતર-બાહ્ય પરિસ્થિતિ જાણવાની કોશિશ કરવી જોઈએ. કેમ જે તે પણ આખરે તો માણસ જ છે ! હોય શકે કે, કોઈક કારણોસર તે અત્યારે બિલકુલ સ્વસ્થ ન હોય. આવા સંજોગોમાં આપણે સામેનાની પરિસ્થિતિ સમજીને સહાનુભૂતિ આપીએ, પ્રેમ, હૂંફ અને બળ આપીએ, તો સમય જતા માણસ આંતરિક વ્યથામાંથી બહાર નીકળીને ફરી પાછો ઊભો થઈ જાય.

આપણા ભૂતકાળ તરફ જો આપણે દૃષ્ટિ નાખીશું, તો આપણે પણ ઘણી વાર આવી પરિસ્થિતિમાંથી પસાર થયા હોઈએ છીએ. તે વ્યક્તિની જગ્યાએ એકવાર જો આપણે ઊભા રહીએ તો તરત જ તેને સમજી શકાય, પછી આપણા તે વ્યક્તિ પરત્વેના ભાવને પ્રેમમાં પલટાતાં બિલકુલ વાર નહીં લાગે. બસ ! જરૂર છે માત્ર આપણો દૃષ્ટિકોણ બદલવાની.