Mithi Vani

Mithi Vani
September 1, 2023
Sankirtandasji Swami - Kundaldham
0:00/0:00

હાથ પગ આદિ ન્દ્રિયોની જેમ જીભ પણ એક કર્મેન્દ્રિય જ છે. જેમ હાથ, પગથી સારાં-મોળાં કર્મ થાય તેમ જ વાણીથી પણ સારાં-મોળાં કાર્ય થાય છે. હકીકતે હાડકાવાળા બે હાથ-પગ મળીને જેટલો વિકાસ કે વિનાશ ન કરી શકે તેટલો એક હાડકા વિનાની જીભથી થઈ શકે છે; એટલે જ જગતમાં કહેવાય છે,

શબ્દના માર્યા મરી ગયા, શબ્દે છોડયાં રાજ;
જેણે શબ્દ વિચારિયા, તેનાં સરિયાં કાજ.

રાજા ભરથરીને તેની માતાએ એટલું જ કહ્યું કે, “બેટા તારા બાપની કાયા પણ તારા જેવી જ હતી, પણ અંતે આ રહેશે નહીં, માટે ભગવાન ભજી લેવાય.” અને તેઓએ સમગ્ર રાજ્ય છોડી વનમાં જઈ ભગવાન ભજી કલ્યાણ પ્રાપ્ત કર્યું; જ્યારે દ્રૌપદીજીના એક વચને દુર્યોધને યુદ્ધ કરી મૃત્યુ પ્રાપ્ત કર્યું.

કહેવાય છે કે સારા-મોળા અન્નની મન પર અસર થાય છે, પણ કદાચ અન્ન કરતાંય અનેક ઘણી અસર શબ્દની થાય છે. શબ્દમાં જીવના ધર્મીભૂત જ્ઞાનમાં પણ ફેરફાર કરવાની તાકાત છે, એટલે જ મહારાજે વચનામૃતમાં કહ્યું કે જેવા શબ્દ સાંભળે તેવો જીવ થઈ જાય અને એટલે જ વહાલા મહારાજે જીવને બ્રહ્મરૂપ કરવા કથા-વાર્તાને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે, પરંતુ બોલવું એક ખૂબ જ સહેલી ક્રિયા હોવાથી તેની ગંભીરતા આપણે સમજી શકતા નથી.

વાણીની આ ગંભીરતાને સમજી વહાલા મહારાજે વચનામૃત મધ્યના ૪૦માં નિત્ય પૂજામાં એક દંડવત્ અધિક કરીને પ્રાર્થના કરવાનું શીખવાડતાં કહ્યું કે, મન, કર્મ, વચને જાણે અજાણે આપના કોઈ ભક્તોનો દ્રોહ થયો હોય તો માફ કરજો.  જેટલું ફળ કર્મનું છે તેટલું જ મન અને વચનથી થયેલ ક્રિયાનું પણ છે. જો કે સત્સંગી હોવાના નાતે આપણે કોઈને મારીને તો નુકસાન નથી કરતા, અને મનના સંકલ્પની અસર તો ફક્ત આપણા પૂર્તિ સીમિત હોય છે, પરંતુ વાણી એક એવી ક્રિયા છે જેનાથી આપણે સહેલાઈથી રાજીપો પણ મેળવી શકીએ છીએ, અને જો ગંભીરતા ન સમજાય તો સહજમાં દ્રોહ પણ કરી બેસીએ છીએ.

વનવિચરણ દરમિયાન બંસીપુરથી નીકળતા સત્યસંકલ્પ શ્રીહરિના મુખમાંથી નીકળ્યું કે, “બળ્યું આ શહેર” અને તે બળતા શહેરને જોઈને શ્રીહરિએ પોતાની જ વાણીને શાપ દીધો કે, ‘આવી અમારી વાણી નિષ્ફળ જાઓ.’ આમ, બીજાનું અહિત થાય તેવી પોતાની વાણીને પ્રભુ શાપ પણ દેતા. માર માર કરતા આવનારને પણ પોતાની મીઠી વાણીથી શાંત કરી, વશ કરી લે તેવા સદ્.શ્રીમુક્તાનંદ સ્વામી જેવા સંતો પર મહારાજ અત્યંત રાજી થાતા.

એકવાર મહારાજ થોડા સંતો અને સ્વાર સાથે ગઢડાથી નીકળ્યા, તે રસ્તામાં સોખડા ગામના પાદરે વડલા નીચે ઊતર્યા. સર્વેને તરસ લાગી હતી તથા ઘોડાને પણ પાણી પાવું હતું, તેથી મહારાજે એક દાદાખાચરના ખવાસને, કૂવે બાઈઓ પાણી કાઢતી હતી ત્યાં પાણી લેવા મોકલ્યો. તેણે ત્યાં જઈને કહ્યું કે, “હે મારા બાપની વહુઓ, પાણી આપો.” તે સાંભળી બાઈઓ ખૂબ ખીજાણી અને તે પાછો આવ્યો. પછી મહારાજે રાઘવાનંદ સ્વામી અને પાર્ષદોને મોકલ્યા. ત્યારે સ્વામીએ બાઈઓને કહેવડાવ્યું કે, “આ માતાઓને કહો કે મારા ગુરુ સ્વામિનારાયણ આવ્યા છે અને તરસ્યા થયા છે અને આ ઘોડાઓને પણ પાણી પાવું છે, તો ઘડો-દોરડું માગીએ છીએ, તે તમો તો દયાળુ છો તે દયા કરીને આપો.” ત્યારે તે બાઈઓએ કહ્યું કે, આ લ્યો ઘડો ને દોરડું અને તમારા ગુરુને પાણી પાવો અને તમારા ઘોડાઓને અહીં લાવો, અમે સીંચીને પાઈ દઈશું.

આમ, વાણીમાં મીઠાશ હોય તો ઘણાં કામ સરળતાથી થાય, પરંતુ વાણીની શુદ્ધિ માટે જરૂરી છે : ભાવની શુદ્ધિ. ફક્ત કામ કઢાવવા સારુ ઔપચારિકતા કરવી તે તો દંભ જ છે. અહં-મમત્વે કરીને કાંઈ પણ બોલાય તે વાણીમાં કડવાશ હોય ખટાશ હોય, તીખાશ હોય; જેનાથી સામેનાનું અને પોતાનું કદી હિત થતું નથી. જ્યારે અહં-મમત્વથી પર થઈ સત્ય-પ્રેમ-કરુણાથી બોલાયેલી વાણીમાં નરમાશ હોય, ભીનાશ હોય, મીઠાશ હોય; જેનાથી સ્વ-પરનું સદૈવ હિત જ થાય છે. તો આવો, આજથી મહારાજને રાજી કરવા અપનાવીએ ‘મીઠી વાણી.’