Mano Chaitanyarup Tamaru...

Mano Chaitanyarup Tamaru...
April 1, 2026
Anadiswarupdasji Swami - Kundaldham
0:00/0:00

જ્યારે સિકંદર(એલેક્ઝાન્ડર) ભારત આવ્યા, ત્યારે તેમને અનુભવ થયો કે અત્યાર સુધી તેમણે જીતેલા તમામ દેશોમાં સૌથી વધુ સત્યવાદી અને જ્ઞાની લોકો ભારતમાં જ છે. આથી તેમના મનમાં ભારતના મુખ્ય દાર્શનિકો અને સંતોને મળવાની તીવ્ર ઇચ્છા જાગી.

તેમને સિંધુ નદીના કિનારે એક મહાન સંત પાસે લઈ જવામાં આવ્યા. એક તરફ દુનિયાના શહેનશાહ કહેવાતા સિકંદર હતા, અને બીજી તરફ એક એવા સંત હતા કે જેમની પાસે શરીર ઢાંકવા માટે પૂરતું વસ્ત્ર પણ નહોતું; છતાં એ સંતની આંખોમાં એક અદ્ભુત આધ્યાત્મિક તેજ ઝળકી રહ્યું હતું. સંતના પ્રભાવશાળી વ્યક્તિત્વથી અંજાઈને સિકંદરે વિનંતી કરી, ‘હે મહાત્મા, મારા પર કૃપા કરો અને તમે મારી સાથે મારા દેશ પધારો. તમે જે માંગશો તે બધું જ હું તમને અર્પણ કરીશ. બસ તમે મારી સાથે ચાલો.’

સંતે મંદ સ્મિત સાથે બ્રહ્મખુમારીમાં જવાબ આપ્યો, ‘હું તો સર્વવ્યાપી છું, હું બધે જ છું.’

સિકંદર સંતની આ ગૂઢ વાત સમજી શક્યા નહીં. તેમણે ફરીથી લાલચ આપીને પોતાની વિનંતી દોહરાવી; પરંતુ સંતે મક્કમતાથી નકાર આપતાં કહ્યું, ‘મને કોઈ પણ વસ્તુની જરૂર નથી.’

પોતાની દરખાસ્તનો અસ્વીકાર થતાં સિકંદરનો અહંકાર ઘવાયો. અત્યાર સુધી કોઈએ તેને ‘ના’ કહેવાની હિંમત કરી નહોતી. ક્રોધમાં આવીને તેમણે સંતને મારી નાખવા માટે પોતાની તલવાર કાઢી. તલવાર જોઈને ડરવાને બદલે સંત ખડખડાટ હસી પડ્યા. તેમણે સિકંદરને સમજાવતાં કહ્યું, ‘બાળકો રેતી પર બેસે છે, તેનાથી રમે છે, તેનું ઘર બનાવે છે અને પછી પોતે જ તેને તોડી નાખે છે. મારા માટે આ શરીર પણ રેતીના ઘર જેવું જ છે. હું તો આત્મા છું, હું ક્યારેય શરીર હતો જ નહીં, છું નહીં અને થઈશ પણ નહીં.’

સંતનો આ જડબાતોડ અને જ્ઞાનસભર જવાબ સાંભળીને સિકંદરના હાથમાંથી તલવાર આપોઆપ સરી પડી. તેમને પોતાના અહંકારનું ભાન થયું અને સંતની માફી માંગી. સિકંદરના અહંકાર અને સંતના આત્મજ્ઞાનના સંઘર્ષમાં સંતના આત્મજ્ઞાનનો વિજય થયો. જે વ્યક્તિ આધ્યાત્મિક રીતે જાગૃત છે; તેને દુનિયામાં કશું ખોવાનો ભય નથી હોતો અને કશું મેળવવાની લાલસા નથી હોતી.

વહાલા ભક્તો ! સંત આત્મનિષ્ઠ અને બ્રહ્મની ખુમારીવાળા હતા, તો સમ્રાટ સિકંદર જેવાની લાલચમાં પણ લોભાયા નહીં, ને તે મારવા તૈયાર થયા તો સહેજેય ભયભીત ન થયા. આપણે આ ધ્યાન-સ્મરણ વર્ષમાં શ્રીહરિનું ખૂબ જ ધ્યાન, ભજન અને સેવા વગેરે કરવાનું છે; પરંતુ જ્યાં સુધી આપણે આ લોકમાં રહીશુંં, ત્યાં સુધી ક્યારેક આપણે લોભાઈ જઈએ ને ક્યારેક ભય પામી જઈએ; તેવા યોગો થવાના જ; કારણ કે આ લોક જ એવો છે. તેવા યોગમાં પણ આપણાં સેવા, ભજનાદિ વિક્ષેપરહિત થતા રહે, તે માટે આત્મનિષ્ઠા ખૂબ જ જરૂરી છે. તે માટે ચાલો સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત ભકતચિંતામણિ ગ્રંથમાં આપણા વહાલા શ્રીજીમહારાજે આપણને કહેલ નીચેની વાત વારંવાર ગાતા રહીએ ને યાદ કરતા રહીએ —

“એક વાત કહું માનો તેહ, આપણે આત્મા નહીં દેહ;
માનો ચૈતન્ય રૂપ તમારું, દુ:ખરૂપ દેહ તેહ ન્યારું.”(ભ.ચિં. ૭૧/૩૭)