Kushalkuvanrbai na chokha...

Kushalkuvanrbai na chokha...
September 1, 2026
Sakarswarupdasji Swami - Kundaldham

ધરમપુરનાં મહારાણી કુશળકુંવરબાઈને સદ્.પરમચૈતન્યાનંદ સ્વામી દ્વારા સત્સંગનો ખરેખરો રંગ લાગેલો. તેમને ભગવાન શ્રીસ્વામિનારાયણ ‘સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે’ એવો દૃઢ નિશ્ચય થઈ ગયો હતો. પોતે રાજરાણી હતા અને રાજ્યમાં સુખ, સાયબી ને જાહોજલાલીનો કોઈ પાર ન હતો, છતાં એમનું મન તો ગઢપુરમાં બિરાજતા શ્રીજીમહારાજ પાસે જ રહ્યા કરતું. મહારાજ પ્રત્યેનો એમનો ભાવ અને સાક્ષાત્ દર્શનની તીવ્ર ઝંખના દિવસે દિવસે વધતી જ જતી હતી.

એકવાર તેમને મનમાં એવો ભાવ થયો કે મારે વહાલા મહારાજ માટે મારા હાથે ડાંગર ફોલીને ચોખા મોકલવા છે, એટલે તેમણે ખૂબ જ પ્રેમ અને ભાવથી પ્રભુનું સ્મરણ કરતાં કરતાં ડાંગરનો એક એક દાણો ફોલી ચોખા કાઢ્યા અને એની નાની પોટલી ભરી પોતાના એક માણસ સાથે છેક ગઢપુર મહારાજ માટે મોકલી.

અહીં ગઢપુરમાં શ્રીજીમહારાજ દાદા ખાચરના દરબારમાં લીંબવૃક્ષ નીચે બિરાજમાન છે ને સંતો-ભક્તોને વાતો કરે છે. એ સમયે ધરમપુરથી કુશળકુંવરબાઈએ મોકલેલી અમૂલ્ય ભેટ લઈને એ માણસ ત્યાં આવ્યો. સભાની પાછળ આવીને ઊભો રહ્યો ને કોઈક ભક્તને પૂછ્યું કે, ‘સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે ?’ ત્યારે એ ભક્તે કહ્યું કે, ‘આ સભામાં ઢોલિયા પર બેસીને વાતો કરી રહ્યા છે, તે જ સ્વામિનારાયણ ભગવાન છે.’ એટલે તે મહારાજ પાસે આવ્યો. મહારાજને વંદન કરી ચરણમાં ચોખાની પોટલી મૂકીને કહ્યું, ‘હું ધરમપુરથી આવું છું અને અમારા મહારાણી કુશળકુંવરબાઈએ આપના માટે આ ભેટ મોકલાવી છે.’ મહારાજે પોટલી હાથમાં લીધી. બધાને આશ્ચર્ય થયું કે આ નાની એવી પોટલીમાં તે વળી શું ભેટ મોકલી હશે ?

મહારાજે પોટલીનું મોઢું છોડયું ને જોયું તો અંદર ચોખા. એકદમ શુદ્ધ અને સફેદ દૂધ જેવા. મહારાજ કુશળકુંવરબાઈનો ભાવ જોઈનેે ખૂબ રાજી થયા; કારણ કે જેવા ચોખા શુદ્ધ હતા તેવો જ તેમાં કુશળકુંવરબાઈનો શુદ્ધ પ્રેમ પણ હતો.

હવે મહારાજને તે ચોખાનું નિમિત્ત લઈ સભામાં વાત કરવાનું મન થયું, એટલે પોટલીમાંથી થોડા ચોખા હાથમાં લીધા ને પછી સભામાં સૌને દેખાડતાં પૂછ્યું, “આ શું કહેવાય ?” મહારાજના સખા બ્રહ્માનંદ સ્વામી તરત બોલ્યા, “મહારાજ, એે તો ચોખા કહેવાય.” મહારાજે સહેજ હસીને ફરી પૂછ્યું, “તેના ઉપર ફોતરાં હોય તો ?” ત્યારે સ્વામી કહે, “તો તો મહારાજ ! એને ડાંગર કહેવાય.”

બ્રહ્માનંદ સ્વામીનો આ જવાબ સાંભળી મહારાજે પોતાનો અંતરનો આશય જણાવતાં સૌને કહ્યું, “જ્યારે આ ચોખા જેવા ચોખ્ખા થવાશે ત્યારે અક્ષરધામમાં જવાશે.” અર્થાત્ સાવ નિર્વાસનિક થવાશે ત્યારે અક્ષરધામમાં જવાશે.

વહાલા ભક્તો ! પ્રસંગ નાનો એવો છે, પણ વિચારતા કરી મૂકે એવો છે. આ જીવને જગતની વાસનારૂપી ફોતરાં ચોંટ્યાં છે. કામ, માન, સ્વાદ, સ્નેહ વગેરે એક એક દોષ એક એક ફોતરું છે. જ્યાં સુધી એ વાસનારૂપી ફોતરાં ચોંટ્યાં છે, ત્યાં સુધી જીવ ભગવાનના ધામને લાયક થતો નથી.

આપણે અંતરમાં વિચારીએ કે મારા જીવ પર હજી કયાં કયાં ફોતરાં ચોંટ્યાં છે ? જે દિવસે જીવ એ ફોતરાથી છૂટો પડી ચોખા જેવો શુદ્ધ થશે અર્થાત્ નિર્વાસનિક થશે, તે દિવસે એ અક્ષરધામમાં જવાને પાત્ર બનશે. આમ, ચોખાનું નિમિત્ત લઈને મહારાજે આપણને સૌને આપણા જીવ સાથે ચોંટેલાં ફોતરાં ઉખેડવાનું કામ સોંપી દીધું.

વહાલા ભક્તો ! નિર્વાસનિક થવું એ કામ બહુ કઠણ છે. એ તો આવા સત્સંગના ભીડામાં રહીએ અને મોટા પુરુષને મન-કર્મ-વચને સોંપાઈને રહીએ, તો એ આપણાં અજ્ઞાનરૂપી, વાસનારૂપી તમામ ફોતરાં ઉખેડી આપણા જીવને શુદ્ધ કરી ભગવાનને પમાડી દે.

આજ આપણા ઉપર મહારાજની એવી અસીમ કૃપા છે કે આપણને એવો દિવ્ય સત્સંગનો માહોલ આપ્યો છે, એવા મોટા પુરુષનો યોગ આપ્યો છે. જેમ કુશળકુંવરબાઈએ ડાંગરનું એક એક ફોતરું ફોલી તેમાંથી ચોખા કાઢી મહારાજ માટે મોકલ્યા ને મહારાજ રાજી થઈ તેને ભાવથી જમ્યા; તેમ આજ વહાલા પૂ.ગુરુજી સત્સંગ, કથા-વાર્તા, ધ્યાન, ભજન, સેવા વગેરે પ્રકલ્પો દ્વારા આપણા કારણશરીરને વળગેલાં ફોતરાં ઉખાડી રહ્યા છે. તેઓ આપણને જરૂર ચોખા જેવા શુદ્ધ કરી મહારાજના ચરણ સુધી પહોંચાડી દેશે. બસ આપણે દાસના દાસ થઈ એમને સેવી લઈએ. આપણા જીવને વળગેલાં ફોતરાં ઉખેડવા તેઓ આપણને વઢે, ટોકે, અપમાન કરે; તેને સદા સવળું લઈ જેમ એ રાજી થાય એમ કરતા રહીએ, તો જરૂર તેઓ આપણને ચોખા જેવા શુદ્ધ કરી અક્ષરધામને પમાડી દેશે; એમાં કોઈ શંકાને સ્થાન નથી.