Kathavarta

Kathavarta
March 1, 2025
Krushnapriyadasji Swami - Kundaldham
0:00/0:00

દિલ્લીના બાદશાહના દરબારમાં એક માણસ ત્રણ પૂતળી લઈને આવ્યો અને કહ્યું, “મહારાજા, આ ત્રણ પૂતળી છે. તેમાંથી કઈ શ્રેષ્ઠ છે, કઈ મધ્યમ છે અને કઈ તુચ્છ છે ? તે કોઈ કહી આપશે તો હું માનીશ કે તમારા દરબારમાં ચતુર પુરુષ છે. તેને હું આ ત્રણ પૂતળીઓ ભેટ આપીશ.”

બાદશાહે વજીરને પૂછ્યું, “બીરબલ આજે કેમ દેખાતો નથી ?” વજીરે કહ્યું, “આજે કોઈક કારણસર તેઓ નથી આવ્યા મહારાજ !” બાદશાહે કહ્યું, “આજે બીરબલ વગર દરબાર ઝાંખો લાગે છે.”

વજીરે કહ્યું, “જહાંપનાહ ! આપણા દરબારમાં અનેક શૂરવીર, બુદ્ધિમાન, ગુણવાન પુરુષો હાજર છે. તેઓ આ પૂતળીને તપાસીને કહી આપશે કે કઈ પૂતળી કેવી છે.”

બીરબલે એક પૂતળીના કાનમાં સળી ખોસી તો કાનમાં ગઈ નહીં. એ જ સળી બીજી પૂતળીના કાનમાં નાંખી તો એક કાનેથી બીજા કાને નીકળી ગઈ. ત્રીજી પૂતળીના કાનમાં નાંખી તો તે પૂતળીના પેટમાં ઊતરવા લાગી. ભરાયેલો દરબાર અચંબો પામીને જોઈ રહ્યો હતો. બીરબલે જાહેર કર્યું, “જે પૂતળીના કાનમાં સળી જતી નથી તેની કિંમત કોડીની છે. તે કોઈની વાત કાને ધરવા માંગતી જ નથી. જ્યારે બીજી પૂતળીના એક કાનમાંથી નીકળીને બીજા કાને નીકળી તે બધાની વાત સાંભળે છે, પણ બીજા કાનેથી કાઢી નાંખે છે. જ્યારે ત્રીજી પૂતળીના કાનમાં નાંખેલી સળી તેના પેટમાં પહોંચે છે એટલે સાંભળેલી વાત પેટમાં રાખી શકે છે, પચાવી શકે છે; તે ઉત્તમ પૂતળી ગણાય.”

દરબારીઓએ બીરબલની ચતુરાઈ જોઈ આખા દરબારને તાળીઓથી ગજવી મૂક્યો. બનાવનાર માણસે બીરબલને ત્રણ પૂતળીઓ ભેટ આપી અને બાદશાહે પણ બીરબલને ભેટ આપી. પછી કરામતી પૂતળી બનાવનારને પણ ઇનામ આપ્યું.