Kapat

Kapat
August 1, 2026
Krushnapriyadasji Swami - Kundaldham

દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્ર અંધ હતા, એટલે એમની પતિવ્રતા પત્ની ગાંધારી હંમેશાં આંખે પાટા બાંધી રાખતી. એક વખત માતા ગાંધારીએ દુર્યોધનને કહ્યું, “તું કાલે સવારે સ્નાન કરીને કોઈ પણ વસ્ત્ર પહેર્યા વિના મારી પાસે આવજે. તને વજ્રનો કરી દેવો છે.”

દુર્યોધને કહ્યું , “ભલે માતાજી.”

બીજે દિવસે સવારે દુર્યોધન સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈ માતા ગાંધારી પાસે જતો હતો. કૃષ્ણ પરમાત્માએ જાણ્યું કે, પતિવ્રતા માતા ગાંધારીની દૃષ્ટિ જો આ દુર્યોધન ઉપર પડશે, તો આ સંપૂર્ણ વજ્રનો થઈ જશે. પછી યુદ્ધમાં આને મારી શકાશે નહિ અને તે પાંડવોના ભૂક્કા કાઢશે; આમ વિચારી ભગવાને માળીનું રૂપ લીધું અને રસ્તામાં છાબડીમાં ફૂલનો તંગિયો(જાંગિયો) લઈને બેસી ગયા. દુર્યોધન ત્યાંથી નીકળ્યો એટલે તેને પૂછ્યું, “આમ નિર્વસ્ત્ર થઈને ક્યાં જાવ છો ?”

દુર્યોધને કહ્યું, “મારી માતા પાસે જાઉં છું.”

ભગવાને કહ્યું, “કાંઈક વિચાર કરો, મા આગળ આમ નગ્ન ન જવાય.”

દુર્યોધને કહ્યું, “પણ માએ વસ્ત્ર પહેર્યાં વગર જ આવવાની આજ્ઞા કરી છે.”

ભગવાને કહ્યું, “જો, મારી પાસે આ ફૂલનો બનાવેલો તંગિયો છે, તે પહેરી લે એટલે તેમાં બાધ નહિ આવે. પહેર્યું કહેવાય અને વસ્ત્રનું નથી એટલે ન પહેર્યું પણ કહેવાય.”

દુર્યોધનને વાત મનાઈ ગઈ. તેણે ફૂલનો તંગિયો પહેરી લીધો. અને માતા પાસે ગયો.

માતાએ કહ્યું, “મેં કહ્યું હતું તેમ જ આવ્યો છે ને ?”

દુર્યોધને કહ્યું, “હા માં.”

પછી ગાંધારીએ આંખના પાટા ખોલી નાંખ્યા અને દુર્યોધન ઉપર દૃષ્ટિ કરી તો આખું શરીર ખુલ્લું, પણ કેડ ઉપર ફૂલનો તંગિયો જોઈ ગાંધારી બોલ્યાં, “ બેટા ! મેં તને વસ્ત્ર પહેર્યા વિના આવવાનુ કહ્યું હતું છતાં તેં આ કેમ પહેર્યું ?”

દુર્યોધને કહ્યું, “હું નગ્ન જ આવતો હતો, પણ વચ્ચે એક માળી મળ્યો અને તેણે કહ્યું, “મા પાસે નગ્ન ન જવાય.” પછી તેણે આ ફૂલનો તંગિયો પહેરાવ્યો, જેથી વસ્ત્ર પહેર્યું ન કહેવાય.”

ગાંધારીએ માથું કૂટ્યું અને કહ્યું, “એ માળી નહિ, વનમાળી(કૃષ્ણ) હશે. તું આખો વજ્રનો થઈ ગયો, પણ કેડે કાચો રહી ગયો.”

પછી ભીમસેન અને દુર્યોધનનું ગદાયુદ્ધ થયું. લડતાં લડતાં ભીમ થાક્યો હતો. કૃષ્ણ ભગવાને પોતાની કેડ ઉપર હાથ પછાડીને ભીમને ઇશારામાં સમજાવ્યું કે દુર્યોધની કેડ ઉપર ગદા માર. આખરે ભીમે દુર્યોધનની કેડ ઉપર ગદા મારી અને તેને મારી નાખ્યો.

વહાલા ભક્તો ! આપણે આપણું કોઈ અંગ કાચું ન રહે એમ સંપૂર્ણ પાકા થવું હોય, તો આપણા મોક્ષના દાતા પાસે સંપૂર્ણ નિખાલસ, નિષ્કપટ થવું પડશે. જો જરા સરખું પણ કપટરૂપી આવરણ રાખીશું તો એટલું એ અંગ કાચું રહેશે અને માયા તે અંગ ઉપર જ પ્રહાર કરી આપણને મારી નાખશે અને કલ્યાણ નહિ થવા દે. માટે સાવધાન થઈ આપણામાં જો કાંઈ આવી કસર હોય, તો તેને ઓળખીને તાત્કાલિક દૂર કરી કલ્યાણનું કામ પાકું કરી લેવું.