Kamani

Kamani
April 1, 2025
Krushnapriyadasji Swami - Kundaldham
0:00/0:00

એક શેઠ હતા. તેને એક દીકરો હતો. તે કાંઈ કામ ન કરે. એક દિવસ શેઠે તેને કહ્યું, ‘તું કાંઈક વેપાર કરી કમાણી કર.’ દીકરાએ કહ્યું, ‘બાપા, હું વેપાર કરવા જાવા બંદરે જઈશ.’ શેઠે કહ્યું, ‘બહુ સારું.’

વેપાર કરવામાં રૂપિયા બહુ જોઈએ. વળી, વહાણમાં જવાનું. એક વરસ જતા અને એક વરસ આવતા થાય અને ત્રણ વરસ વેપાર કરવાનો; આમ પાંચ વરસ પાછા વળતા લાગે. તેથી શેઠે દીકરાને ત્રણ વહાણ સોનામહોર વગેરેથી ભરી આપ્યાં. મહેતાજી, માસ્તર, મુનીમ, ગુમાસ્તા વગેરેને સાથે કમાણી કરવા મોકલ્યા.વહાણો એક વરસે જાવા બંદરે પહોંચ્યાં.

પછી તપાસ કરી તો ગોળિયા પથરા મોંઘા મળતા હતા. શેઠે કહ્યું, ‘મુનીમજી, આપણે આ પથરા વહોરવા છે.’ મહેતાજીએ કહ્યું, ‘શેઠ, આપણા કાઠિયાવાડમાં તો પથરા બહુ છે; માટે સોનું-ઝવેરાત ખરીદો.’ શેઠે કહ્યું, ‘ના,મારે તો મોંઘામાં મોંઘો માલ જ લેવો છે.’

આગળથી બાપાને ખબર આપ્યાં કે, ‘ઘણો માલ વહોર્યો છે. ત્રણ વહાણ ભરીને આવું છું.’ બાપા રાજી રાજી થઈ ગયા. તેમના મનમાં એમ કે, ‘સોનામહોરો, લાખ લાખનાં સાચાં મોતી, ઝવેરાત એ બધું લાવતો હશે.’ વહાણ દેશના કિનારે આવ્યાં. શેઠે આખા શહેરમાં ખબર આપી દીધા. બધાને થયું કે, શેઠનો દીકરો પાંચ વરસે જાવા બંદરેથી કિંમતી માલ ભરીને આવે છે. શેઠે તો આખા ગામને જમાડયું. ખૂબ જ ધામધૂમ કરી લાખો રૂપિયા સ્વાગતમાં ખર્ચ્યા. દીકરાને બાપા ભેટ્યા, સહુએ ફૂલે વધાવ્યો.

શેઠે પૂછ્યું, ‘શું માલ લાવ્યો ?’ ‘બાપા, પથરા.’ શેઠે કહ્યું, ‘શું ? પથરા ?

‘હા, બાપા પથરા જ લાવ્યો છું. ત્યાં મોંઘામાં મોંઘું આ જ હતું.’ એમ કહી ગુમાસ્તાને કહ્યું, ‘જાવ, ગુણ લઈ આવો.’

પછી સભા વચ્ચે ગુણ ઠાલવી. ત્યાં તો ખણણ કરતા ગોળિયા પથરા નીકળ્યા. મોટા મોટા શેઠિયા ને અમલદારો બેઠા હતા. શેઠે કહ્યું, ‘તેં તો મારી આબરૂ કાઢી.’ શેઠ ઝંખવાણા પડી ગયા. બધાને થયું કે, ‘આ દીકરો મૂરખ છે.’

પથરા ગોળિયા એવા હતા કે ચણવાના કામમાંય ન આવે. તે પછી દરિયામાં નાખવા પડયા.