
વહાલા ભક્તો ! આપણે બાય કાર, ટ્રેન કે વિમાનમાં બેસીને રોજ લાંબી મુસાફરી કરીને આપણી મંજિલ સુધી જતા હોઈ છીએ. તેમાં એના ડ્રાઇવર કે પાઇલટ પર આપણો વિશ્વાસ અતૂટ હોય છે; પણ આપણે તો ભગવાન સુધી મંજિલ પાર પાડવાની છે, તો તે મંજિલ પાર પાડવા આપણા ગુરુમાં આવો અતૂટ વિશ્વાસ અને ભાવના હોવાં જ જોઈએ. જો આપણે તેવો વિશ્વાસ અને ભાવના કેળવીએ તો નિ:સંશય તેઓ આપણને ભગવાનનો ભેટો કરાવી આપે.
તો ચાલો, આપણે પ્રેરક કથાના માધ્યમે ગુરુમાં ઉચ્ચતમ ભાવના રાખવાથી મુમુક્ષુને શું શું ફાયદાઓ થાય છે ? તે જોઈએ.
પ્રાચીન સમયની વાત છે. આનંદપુર નામના ગામમાં શિવાનંદ નામનો એક અત્યંત નિષ્ઠાવાન મુમુક્ષુ રહેતો હતો. તેને ભગવાનને પામવાની તીવ્ર ઇચ્છા હતી. શિવાનંદની સાધના ખૂબ કઠોર હતી. તે રોજ કલાકો સુધી જપ, તપ અને ધ્યાન કરતો.
પરંતુ વર્ષોની કઠોર મહેનત પછી પણ તેના અંતરમાં ખરી શાંતિ ન હતી. જ્યારે પણ તે આંખ બંધ કરતો, ત્યારે તેને મનમાં વિષયોનું ખેંચાણ અને દેહાભિમાન સતત હેરાન કરતાં. તે સતત મન અને અંતઃશત્રુઓ સાથે યુદ્ધ કરી કરીને થાકી ગયો હતો. તેને વારંવાર થતું કે, ‘હું આટલી મહેનત કરું છું, છતાં ભગવાનનો અનુભવ કેમ નથી થતો ?’
એક દિવસ તે અત્યંત નિરાશ થઈને પોતાના ગામમાં રહેલ એક આશ્રમમાં રહેતા સદ્ગુરુ સંત પાસે ગયો. તેમનું નામ જ્ઞાનાનંદ સ્વામી હતું. આ સંતને આખું ગામ ગુરુ તરીકે માનતા અને પૂજતા. શિવાનંદે પોતાની સર્વે વ્યથા આ સદ્ગુરુના ચરણોમાં ઠાલવતાં કહ્યું, ‘ગુરુદેવ ! હું ભગવાનને પામવા મથું છું, પણ થાકી ગયો છું. મારા દોષો, માયા અને અહંકાર મારા પોતાના બળથી જિતાતાં નથી.’
ગુરુદેવ હસ્યા અને શિવાનંદને આશ્રમની બહાર વહેતી એક વિશાળ નદીના કિનારે લઈ ગયા. નદીના પ્રવાહ તરફ ઇશારો કરીને ગુરુદેવે કહ્યું, ‘શિવાનંદ ! તારે આ નદી પાર કરવાની છે, પરંતુ શરત એ છે કે તારે તારા માથે આ ૫૦ કિલોનો મોટો પથ્થર બાંધીને તરવાનું છે.’ શિવાનંદ ચોંકી ગયો અને હાથ જોડીને બોલ્યો, ‘મહારાજ ! માથે પથ્થર બાંધીએ તો સીધા તળિયે જ ડૂબી જવાય, નદી કઈ રીતે પાર થાય ? આ તો અશક્ય છે.’
ગુરુદેવે અત્યંત શાંતિથી સમજાવતાં કહ્યું, ‘બેટા, તું અત્યારે આધ્યાત્મિકમાર્ગમાં આ જ કરી રહ્યો છે. તારો ‘સાત્ત્વિક અહંકાર’ અને ‘કર્તૃત્વનો રાગ’ એ માથે બાંધેલો પથ્થર છે. તું તારા પોતાના સાધનબળથી આ માયારૂપી નદી તરવા માંગે છે, એટલે જ તું ડૂબી રહ્યો છે અને થાકી રહ્યો છે.’
શિવાનંદને પોતાની ભૂલ સમજાવા લાગી. તેણે નમ્રતાથી પૂછ્યું, ‘તો મહારાજ ! આ નદી પાર કરવાનો અને ભગવાનને પામવાનો સાચો માર્ગ કયો છે ?’
ત્યારે ગુરુદેવે નદીકિનારે લાંગરેલી એક સુંદર અને વિશાળ નાવ તરફ ઇશારો કરીને કહ્યું, ‘જો પેલી નાવ. તેમાં બેસી જા અને નાવિક પર તારો સંપૂર્ણ વિશ્વાસ મૂકી દે. પછી તારે તરવાની કે ડૂબી જવાની કોઈ ચિંતા નહિ રહે, બધું જ કામ તે નાવિક કરશે.’
ત્યારબાદ ગુરુદેવે કૃપા કરીને સમજાવ્યું કે, ‘અધ્યાત્મમાં આ નાવિક એટલે તારા પ્રગટ ગુરુ. જ્યારે તું તારું સર્વસ્વ ગુરુને સમર્પણ કરીશ, ત્યારે તારો માર્ગ સાધનબળનો મટીને કૃપાનો થઈ જાશે. બસ, તારે ઝીરો થવાનું છે અને ગુરુને તારું સર્વસ્વ અર્પણ કરવાનું છે. ત્યારબાદ ગુરુમાં ભગવદ્બુદ્ધિ રાખી ગુરુનાં દરેક વચન, ક્રિયા અને શબ્દમાં ભગવાનની ઇચ્છા જોવાની છે. જેમ ટ્રેન કે વિમાનમાં બેઠા પછી પાઇલટ પર વિશ્વાસ હોય છે, તેમ ગુરુ પર વિશ્વાસ મૂકી દે.’
શિવાનંદની આંખો ખુલી ગઈ. આમ, તેના જીવનમાં એક મહાન સંતનું આગમન થયું. અને તે સંતને પોતાના ગુરુ માની તેમની સેવામાં લાગી ગયો.
શરૂઆતમાં શિવાનંદ ગુરુને એક જ્ઞાની, પહોંચેલા સંત અને માર્ગદર્શક તરીકે જ જોતો હતો; પણ જેમ-જેમ સત્સંગ વધ્યો, તેમ-તેમ ગુરુના નિષ્કામ પ્રેમ અને દિવ્યતાએ શિવાનંદના હૃદયમાં એક અદ્ભુત પરિવર્તન આણ્યું. ગુરુમાં ભગવદ્બુદ્ધિ દૃઢ થતાં જ પહેલાં જે મન સાથે તેને સતત યુદ્ધ કરવું પડતું હતું, તે હવે એકદમ શાંત બની ગયું. ગુરુની આજ્ઞાનું પાલન કરવાથી તેને કોઈપણ જાતના શ્રમ વિના સહજ રીતે જ વિષયોમાંથી આસક્તિ તૂટવા લાગી. હવે તેને સાધનનો થાક પણ નહોતો લાગતો.
ગુરુમાં માત્ર ભગવદ્બુદ્ધિ રાખવાના પ્રતાપે શિવાનંદ છતા દેહે નિર્ભય બનીને ભગવાનના અખંડ સુખનો અને દિવ્યતાનો અનુભવ કરવા લાગ્યો.
માટે કોઈએ કહ્યું છે કે, સાધનથી માર્ગ મળે છે, પરંતુ ગુરુમાં ભગવદ્બુદ્ધિથી મંજિલ મળે છે.
અંતમાં આપણી આધ્યાત્મિક યાત્રામાં જ્યાં સુધી જીવ પોતાના પ્રયત્નો પર આધાર રાખે છે, ત્યાં સુધી માયાનો પ્રવાહ તરવો અત્યંત કઠિન હોય છે અને અહંકાર જીવતો રહે છે; પરંતુ જે ક્ષણે મુમુક્ષુને પોતાના સદ્ગુરુમાં સાક્ષાત્ પરમાત્માની બુદ્ધિ થઈ જાય છે, ત્યારે તેની યાત્રા સ્વયં ભગવાન પોતાના હાથમાં લઈ લે છે. પછી શિષ્ય માટે માયા તરવી એ સાવ સરળ બની જાય છે અને ખૂબ જ ટૂંકા સમયમાં તેને છતા દેહે પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે.
વહાલા ભક્તો ! આપણા નીલકંઠવર્ણી પ્રભુએ પણ આ વાત પોતાના જીવનથી આપણને શીખવી છે. જ્યારે નીલકંઠવર્ણી વન વિચરણ કરતાં લોજમાં આવ્યા ત્યારે રામાનંદ સ્વામીની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. ને સાવ દાસના દાસ થઈને લોજવાસી સંતોની સેવા કરી ને રામાનંદ સ્વામીનાં દર્શન થયાં. પછી ગુરુમાં કૃષ્ણની બુદ્ધિ રાખીને સેવા-ભક્તિ કરી હતી.
વેશ તપસ્વીનો છે તે કાજ, કરે મનુષ્ય ચરિત્ર મહારાજ;
એમ કૃષ્ણની બુદ્ધિએ કરી, સેવે છે ગુરુને પોતે હરિ.
વહાલા ભક્તો ! હમણાં થોડા દિવસોમાં જ ગુરુપૂર્ણિમા આવે છે; તો આપણે ઠેરાવ કરીએ કે મન, માન અને ડહાપણ મૂકી ગુરુમાં ભગવદ્બુદ્ધિ દૃઢ કરવી છે. તેમની ‘હા’માં હા અને ‘ના’માં ના; એવી નિષ્ઠા સાથે પ્રભુભજન કરી ધામમાં પહોંચી જવું છે. હે વહાલા મહારાજ ! આપે કૃપા કરીને એવા મહાન સત્પુરુષ તો આપ્યા છે, પરંતુ હું આપે વચનામૃત અં.૨માં કહ્યા પ્રમાણે ભગવદ્બુદ્ધિ રાખી શકતો નથી. તો મારું સર્વે જ્ઞાન ટળે અને વહાલા ગુરુજી તથા ગુરુભાઈઓમાં મારે ભગવદ્બુદ્ધિ થાય અને રહે એવી કૃપા કરશો...