Drashtikon

Drashtikon
February 1, 2021
Krushnapriyadasji Swami - Kundaldham
0:00/0:00

એક પવિત્ર તીર્થસ્થાનમાં એક મોટા મંદિરનું નિર્માણકાર્ય થઈ રહ્યું હતું. એક મહાત્મા સંત આ મંદિરના નિર્માણનું કામ જોવા માટે આવ્યા. એમણે સમગ્ર સંકુલની મુલાકાત લીધી. મંદિરના મેદાનમાં સંગેમરમરના પથ્થરોના મોટા-મોટા ઢગલાઓ પડેલા હતા. અને ત્યાં હજારો કારીગરો સુંદર કલાત્મક કોતરણીનું કામ કરતા હતા. ચારે બાજુ ટાંકણાં-હથોડાના ટચટચ અવાજ સતત આવતા હતા.

મહાત્માજીએ જોયું કે બધા જ કારીગરો પથ્થરો ઘડવાનું એકસમાન કામ કરતા હતા, તેમ છતાં દરેકની મુખાકૃતિ ઉપર જુદા જુદા ભાવો દેખાતા હતા. કેટલાક આનંદથી કામ કરતા હતા, તો કેટલાક દુ:ખ સાથે કામ કરતા હતા. સંત વિચારમાં પડી ગયા કે, કામ સરખું છે, વેતન પણ સરખું છે, તો પછી અહીંયાં કોઈના ચહેરા પર આનંદ દેખાય છે, કોઈના ચહેરા પર દુ:ખ દેખાય છે તો વળી કોઈને ન આનંદ કે ન દુ:ખ, આવું કેમ ? મહાત્માજીને થયું કે, મારે આનું રહસ્ય જાણવું જોઈએ.

મહાત્માજી સૌથી પહેલા એવા લોકોને મળ્યા કે જે કામ તો કરતા હતા, પણ દુ:ખી દેખાતા હતા આ લોકોને મળીને મહાત્માજીએ પૂછ્યું, “તમે લોકો શું કરો છો ?

“અરે મહાત્માજી ! આ ટાંકણાં-હથોડા લઈને પથ્થરો કાપવાનું કામ કરીએ છીએ. શું કરીએ અમારાં નસીબ નબળાં કે આખો દિવસ કાળીમજૂરી કરીને દિવસો કાઢીએ છીએ અને આમ ને આમ જિંદગી વિતાવીએ છીએ. અમારી જિંદગીમાં અમને કોઈ જ પ્રકારનો આનંદ નથી. ગયા જન્મમાં કોઈ પાપ કર્યાં હશે એનાં આ ફળ ભોગવીએ છીએ.” પેલા દુ:ખી દેખાતા લોકોએ બળાપો કાઢતા જવાબ આપ્યો.

પછી મહાત્માજી એવા લોકોને મળ્યા જેના ચહેરા પર ન તો આનંદ હતો કે ન તો દુ:ખ હતું અને એમને પણ આ જ સવાલ પૂછ્યો, “કે તમે લોકો શું કરો છો ?

“બસ જુઓ ને, આ ઘરસંસાર માંડ્યો છે તો હવે કંઈક કામ કરીને કમાવવું તો પડે ને, બૈરાં-છોકરાંને ખવડાવવું તો પડશે. તે આ પથ્થરો ઘડવાનું કામ કરીએ છીએ અને જવાબદારી નિભાવીએ છીએ.” પેલા લોકોએ જવાબ આપ્યો.

છેલ્લે મહાત્માજી એવા કારીગરોને મળ્યા જેના ચહેરા પર આનંદ હતો અને આ જ સવાલ એમને પણ પૂછ્યો કે , “તમે લોકો શું કરો છો ?

તેમણે ચહેરા પર ખૂબ જ પ્રસન્નતા સાથે જવાબ આપ્યો, “અરે સ્વામીજી ! આપણા દેશની આધ્યાત્મિક સંસ્કૃતિને ઉજાગર કરતું આ એક મોટું મંદિર બની રહ્યું છે. તેમાં અમને તો પથ્થરોની કલા-કોતરણીની આ એક મોટામાં મોટી સેવા મળી છે. મંદિરનું નિર્માણકાર્ય પૂરું થતાં ધામધૂમથી આ મંદિરમાં ભગવાનનો પ્રાણપ્રતિષ્ઠા વિધિ થશે અને સાક્ષાત્ પ્રભુ અહીં આ ગર્ભગૃહમાં બિરાજમાન થશે. ભવિષ્યમાં લાખો લોકો આ મંદિરમાં દર્શન કરવા આવશે. સેવા-ભજન કરીને ભગવાનને રાજી કરશે. આ મંદિર તો જીવોના કલ્યાણનું મોટું સદાવ્રત બનશે.

અમે તો સામાન્ય માણસો છીએ તેથી ભગવાનને બીજું તો શું કરીને રાજી કરી શકીએ, બસ ! ભગવાનનું આ ઘર બનાવવામાં જે કાંઈ થાય તે સેવા કરીએ છીએ. સ્વામીજી ! અમે ખરેખરા નસીબદાર છીએ કે , ભગવાને કૃપા કરીને આવા દિવ્ય કામમાં અમને નિમિત્ત બનાવ્યા અને અમારો મનુષ્યજન્મ સાર્થક કર્યો.”

મહાત્માજીને તરત જ આ લોકોનો દૃષ્ટિકોણ સમજાઈ ગયો કે , એકસમાન કામ અને એકસમાન વેતન હોવા છતાં માણસની વિચારસરણી જ આનંદ કે દુ:ખ આપે છે. માણસનાં આનંદ કે દુ:ખ માટે તેઓનું કામ જવાબદાર હોય એના કરતાં એ કામ પ્રત્યેનો તેનો દૃષ્ટિકોણ જ વધુ જવાબદાર હોય છે.

વહાલા ભક્તો ! આપણા વહાલા મહારાજે અપાર કરુણા કરીને આપણને પણ અલગ-અલગ પ્રકારનાં કાર્યમાં જોડ્યા છે. એ કામ ભણવાનું હોય, નોકરીનું હોય, ધંધાનું હોય કે પછી ઘરકામ હોય;બધાં જ કામો આખરે તો મહારાજે જ આપણને આપ્યાં છે. પરંતુ આપણે કેવા દૃષ્ટિકોણથી કરીએ છીએ તે અતિ મહત્વનું છે. આપણું કામ આપણે આનંદથી કરીએ કે દુ:ખ સાથે કરીએ, જેમ કરીએ તેમ, પરંતુ જે પ્રમાણે ભગવાને આપણું પ્રારબ્ધ નિર્માણ કરેલું હશે તેમ જ જીવવાનું છે, તો પછી શા માટે દુ:ખી થઈને જીવવું જોઈએ ?

ત્રીજા પ્રકારના લોકો જેવો આનંદ અને અહોભાગ્ય માનીને કામ કરવાની વિચારસરણી હશે તો કામ કરવાની મજા આવશે. ભગવાને આપણને જે રીતે રાખ્યા છે, જ્યાં રાખ્યા છે અને જેમ રાખ્યા છે તે તમામ પરિસ્થિતિને ભગવાનની ભેટ માનીને જીવીશું તો જીવન આનંદથી ભરાયેલું રહેશે, શાંતિથી ભજન-ભક્તિ કરી શકીશું અને મહારાજની કૃપાના પાત્ર બની શકીશું. એટલે જ તો આપણા વહાલા પૂ.ગુરુજીએ આપણને સૂત્ર આપ્યું છે કે, ‘સદા આનંદમાં રહો...’