Brahmbhavno Vichar Karnarne Maharajna Aashirwad

Brahmbhavno Vichar Karnarne Maharajna Aashirwad
Gyanjivandasji Swami - Kundaldham

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૧/૦૭/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન

ભગવાન સ્વામિનારાયણે પોતાના પ્યારા પરમહંસોને એક બહુ લાંબો પત્ર લખ્યો છે, જેનુંં નામ છે વેદરસ. દેહભાવ અને સંકલ્પોથી અલગ થઈને કઈ રીતની ભાવના કેળવવી અને એનો અભ્યાસ કઈ રીતે કરવો ? એ વાત વેદરસના નિર્લોભી વર્તમાનના પ્રકરણમાં ત્રીજા પેરેગ્રાફમાં મહારાજે કહી છે જે, “...જે પરમહંસને પોતાના મનમાં જાગ્રત અવસ્થાને વિષે કામ-ક્રોધાદિકના અતિશે સંકલ્પ ઉત્પન્ન થાય, તે પરમહંસને એમ વિચાર કરવો જે, ‘આ દેહ ને સંકલ્પ તે હું નહીં, હું તો એનો દ્રષ્ટા છું.” જેમાંથી આ સંકલ્પો નીકળે છે; એવું રાગાત્મક જે કારણશરીર તે પણ હું નહિ. હું તો એનો દ્રષ્ટા છું. આ દેહનો હું જોનારો છું. એ મને દેખાય છે; એનો મતલબ એ નથી કે, એ હું છું; આવો વિચાર કરવો.

“...તેવી જ રીતે તે પરમહંસ પોતાના દેહને નખશિખાપર્યંત ચિંતવન કરીને અંગઅંગને ખોટાં કરે ને પોતાને દ્રષ્ટા માને. એ સર્વે જે પોતાના દેહનાં અંગ તેના વિચારનો કરનારો જે આત્મા; તે આત્માને વિષે અર્થાત્ પોતાને વિષે પોતાપણું માને અને આ દેહને ખોટો માને. એ વચન અમે કહ્યું છે તેને જે માનશે તેને થોડાક દિવસે વિચાર કરતાં કરતાં પોતાનો આત્મા દેહથી જુદો સૂર્ય સરખો પ્રકાશવાન દેખાઈ આવશે અને દેહ તો શૂન્ય આકાશ ભેળે આકાશ જેવો જણાશે, પણ કરચરણાદિક ચિહ્નરૂપે નહિ જણાય, શૂન્ય આકાશ સરખો જણાશે.

અને વળી, જ્યારે એવી રીતે વિચાર કરશે ત્યારે સમુદ્ર જેવા કામ-ક્રોધાદિક ઘાટના સમૂહ થતા હશે, તોપણ એ સર્વે શમી જાશે. અને હું પણ તે ઉપર કૃપા કરીશ અને વચનરૂપે કરીને તેના હૃદયને વિષે પ્રવેશ કરીને આત્મજ્ઞાન સંબંધી વિચારને પ્રકાશ કરીશ.” આવો આશીર્વાદ પણ મહારાજે આપ્યો છે.

વળી, મહારાજે આગળ કહ્યું છે કે, ‘મેં કરેલા આત્મજ્ઞાનના પ્રકાશ વડે તેને અત્યારે દેહને વિષે હુંપણું મનાણું છે, એ આત્માને વિષે હુંપણું મનાશે. પછી તે આત્મારૂપે મારી ઉપાસના કરશે.’

“બીજું, આ વિચાર કરતાં કરતાં જેમ બીજાનો દેહ પોતાના દેહથી નોખો જણાય છે, તેમ પોતાનો દેહ પણ પોતાના આત્માથી નોખો જણાશે. બીજું, આ કાગળને વિષે તમારે અર્થે બ્રહ્મવિદ્યા સંબંધી વિચાર જે અમે લખીએ છીએ તે વિચાર અમારા અંતરના રહસ્યરૂપ છે અને સર્વે ઉપનિષદના પણ રહસ્યરૂપ છે.” આમ શ્રીજીમહારાજે વેદરસમાં આપણને કહ્યું.

આ કહ્યા પ્રમાણે બ્રહ્મભાવનો વિચાર કરીશું તો એમની કૃપાથી, એમના આશીર્વાદથી, એમના પ્રકાશેલા આત્મજ્ઞાનથી જ એક દિવસ ચોક્કસ દેહથી જુદો એવો હું આત્મા છું; એમ પોતાને આત્મા મનાશે અને બ્રહ્મભાવે શ્રીહરિની ઉપાસના, ભક્તિ, સેવા થશે. અને અંતે હરિમય રહેવાશે, મૂર્તિપરાયણ રહેવાશે.

આવી સ્થિતિ અને શ્રીહરિની કૃપા મેળવવા માટે શ્રીહરિનું નામસ્મરણ સતત શરૂ રાખવું અતિ જરૂરી છે. જે વિરલા હોય એ રણમેદાને ચડે, અખંડ સ્મરણ કરવા મંડી પડે.

અખંડ સ્મરણ કરે તે પર, રાજી થાય બહુ નાથ;
      જ્ઞાન સુખ દુ:ખમાં તેનો, ઝાલી રાખે હરિ હાથ...૦૧

અખંડ સ્મરણ કરાય  તો, દોષો ભાગી જ જાય;
      જ્ઞાન દોષો જાય તો  જ, હરિસુખ સતત પમાય...૦૨

સતત આત્મભાવ રહે તો અખંડ હરિસ્મરણની મજા આવે. એકધારું નોનસ્ટોપ સુખ આવ્યા કરે. પણ, જો પળવારેય દેહભાવરૂપી કાંકરો આવે તો બધી મજા બગડી જાય. દેહભાવ આવ્યા વિના કોઈ દોષ આપણામાં પ્રવેશ કરી શકે નહીં. બધા જ દોષોને આવવા માટેનું પ્લેટફોર્મ દેહભાવ છે.

આપણને ભગવાનમાં પ્રેમ ભલે ગમે એટલો થઈ ગયો હોય, પણ કામ, ક્રોધ, લોભાદિક કાંકરા જો અંદર હોય તો એ અખંડ સ્મરણમાં વિઘ્ન કર્યા કરે. દેહભાવમાં જ દોષો રહે છે, વાસના રહે છે. આત્મભાવરૂપી તોપથી દેહભાવ ઉડાડી દો તો બધી વાસના અને બધા દોષો એની સાથે જ સાફ થઈ જાય અને આત્મા શુદ્ધ બને અને એમાં પરમાત્માનું દર્શન થાય.

મુક્તાનંદ સ્વામી કહે છે કે, ‘પાણી વહેતું હોય તો એમાં પ્રતિબિંબ ન દેખાય. સ્થિર થાય તો દેખાય.’ એમ સંકલ્પ-વિકલ્પ થયા કરે તો એમાં કાંઈ સુખ ન આવે. મન સ્થિર થાય તો ભગવાનની ભક્તિનું સુખ આવે. સંતો દાખલો આપે છે કે, ડહોળા પાણીમાં આપણી વીંટી પડી ગઈ હોય તો દેખાય નહિ, શુદ્ધ પાણી હોય તો દેખાય; એમ માયાને લઈને ડહોળાઈ ગયેલા આત્મામાં રહેલા પરમાત્મા આપણે દેખી શક્તા નથી. અત્યારે તો આપણા આત્મામાં ત્રણ દેહ, ત્રણ શરીર, ત્રણ ગુણરૂપી ડોળ ચડયો  હોવાથી આત્મા જ નથી દેખાતો, તો આત્મામાં પરમાત્મા ક્યાંથી દેખાય ? આત્મા શુદ્ધ થાય તો આત્મામાં રહેલા પરમાત્મા દેખાય.

વહાલા ભક્તો ! આપણને બે તકલીફ છે : (૧) જેવો ભગવાનનો મહિમા હોવો જોઈએ એવો મહિમા સમજાયો નથી. (૨) જેવો પોતાને કલ્યાણનો ખપ હોવો જોઈએ એવો ખપ જ નથી. જીવને નંબર વન પ્રાયોરિટી ઉપર કલ્યાણ હોવું જોઈએ, એ નથી. કોઈ શાસ્ત્રમાં, કોઈ સંતે કે કોઈ અવતારે કે ભગવાન સ્વામિનારાયણે કહ્યું જ નથી કે, ‘કલ્યાણ છેલ્લે રાખજો.’ ‘મારો જન્મ ભગવાન મેળવવા માટે જ થયો છે,’ એમ હોય તો બીજી વાત કેવી રીતે આડી આવે ? ભગવાનને જ પામવા માટે જન્મ્યા હોય એવા વિરલા કેટલા ? કુશળકુંવરબાઈ જેવા કેટલા ? રામાનંદ સ્વામી જેવા કેટલા ?

વહાલા ભક્તો ! આપણને જો ભગવાનનો જેવો છે એવો મહિમા સમજાઈ જાય તો એક પળ પણ સ્મરણ ચુકાય નહીં. હરિનામ લીધા વિનાની એક ક્ષણ પણ જાય નહીં. જાય તો ગમે નહીં. વેદના થાય કે, ‘હું ભગવાન ભૂલ્યો ! અ..ર..ર.. નામ-સ્મરણ અટકી ગયું. બંધ થઈ ગયું.’ આવું ભજનનું તાન ચડાવવા માટે મહારાજનો મહિમા દૃઢ કરવો જરૂરી છે. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે, “શ્રીહરિનું સમગ્રપણે માહાત્મ્ય જાણ્યા વિના બીજાં કોટિ સાધન કરે પણ સર્વ ક્રિયાને વિશે અખંડ નામ-રટણ ને મૂર્તિની સ્મૃતિ રહે નહીં.” જે જે અખંડ સ્મરણ કરે છે એને મહિમાવાળા જાણજો.