Bhaktona Bhav, Pure Maro Maav !

Bhaktona Bhav, Pure Maro Maav !
July 1, 2025
Varniveshdasji Swami - Kundaldham
0:00/0:00

વહાલા ગુરુજી ઘણી વાર કહે છે કે, મહારાજ સાથે વાતો કર્યા કરવી. અને થોડા દિવસ પહેલાં સવારની કથામાં ભગવાનને ફોન લગાવીને વાતો કરવાની ભાવના શીખવી હતી. અને ચંદનના વાઘા દરમિયાન ગુરુજી પોતાના સેવનીય સ્વરૂપ શ્રીહરિકૃષ્ણ મહારાજ સાથે ખૂબ વાતો કરતા. તે પણ આપણે જોયું છે. કોઈ પણ રીતે ભગવાન સાથેના સંબંધનો તાર એકધારો ચાલુ રહે તો મુક્ત થતા વાર ન લાગે. તે માટે પૂ.ગુરુજીની કૃપાથી અત્યારે ઘરોઘર બાલુડા ઘનશ્યામ, રાજાધિરાજ વગેરે સ્વરૂપો બિરાજમાન છે. સર્વે ભક્તો આ સ્વરૂપોને પોતાના ફેમિલી મેમ્બર માની ખૂબ લાડ લડાવે છે, સાચવે છે અને વહાલા પ્રભુજી ભક્તોના ભાવ પૂરા પણ કરે છે. આવાં જ એક પ્રગટ પ્રભુની સેવામાં રહેનારાં સ્ત્રી ભક્ત; કે જેમના હૃદયમાં ભગવાન પ્રત્યે ખૂબ જ ભક્તિભાવ છે; એવા સવિતાબાની વાત કરવી છે.

સવિતાબાની ઉંમર તો ઘણી હતી. શરીરે સ્વસ્થ હતાં, પણ પોતે એકલાં હતાં. તેથી બાળસ્વરૂપ લાલજી એ જ એનું જીવન હતું. તેઓ લાલાની સેવા-પૂજા કરવી અને સર્વે ક્રિયામાં સતત બાલપ્રભુ જોડે પ્રગટભાવથી વાતો કરીને દિવસો વિતાવતાં હતાં.

પોતાને રહેવા માટે એક મકાન હતું. પાડોશીઓની સલાહથી પોતાનું મકાન એક બીજા પાડોશીને વેચી દીધું, પણ જીવે ત્યાં સુધી એક ઓરડો અને રસોડું વાપરવાની બોલી રાખી હતી. આવેલ પૈસા બેંકમાં મૂકી દર મહિને આવતા વ્યાજમાંથી પોતાનું ગુજરાન ચલાવી લેતાં.

વળી, તેમના ઘરની નજીક એક પવિત્ર નદી હતી. સારો વરસાદ થાવાને કારણે નદીમાં વહેણ ચાલું થઈ ગયું હતું. એટલે સવિતાબાએ નદીએ ન્હાવા જવાનું ચાલું કર્યું. વહેલા ઊઠીને ન્હાવા જાય અને લાલાની સેવા માટે ગાગરમાં જળ ભરીને લેતા આવે.

આમ, પ્રગટભાવથી લાલાને લાડ લડાવતાં અને સેવા કરતાં. આવો તેમનો રોજનો ક્રમ બની ગયો હતો. અને રોજ સેવા પૂરી થાય એટલે પાડોશના છોકરા પ્રસાદ લેવા આવી જાય. આજે એક નાના છોકરાએ કહ્યું, “બા.. બા..! મને મોહનથાળ બહુ ભાવે. આવી મિસરી બહુ ન ભાવે.” આ સાંભળી બા ભાવુક થઈ ગયાં અને વિચારે ચડી ગયાં, ‘મારા પ્રભુએ તો છોકરાના મોંમા વાણી નહિ મૂકી હોય ને ?’ પછી એ ઘરમાં આવ્યાં અને પાણિયારેથી અછોડો લઈ ખાટલે બેઠાં અને બરાબર તપાસ્યો.

‘છે તો સાચો ! સવા દોઢ તોલા જેટલો લાગે છે અને આના ઘણા પૈસા આવશે. પછી મોહનથાળ માટે ઘી નહિ ઘટે.’ એમ વિચારતાં ખાટલામાં આડાં પડયાં ને વિચારે ચડયાં કે, ‘કાનુડો હતો જ તોફાની. એને તોફાન સૂજ્યું હશે, તે કોકનો અછોડો લઈને મને આપવા મારી આડે રસ્તા પર નાખી ગયો.’

પછી બહાર આવીને પાડોશી સ્ત્રીઓને અછોડો બતાવ્યો. તપાસ કરતાં ખબર પડી કે એ અછોડો ત્રીજી શેરીમાં રહેતા મોહનભાઈના દીકરાની વહુનો હતો. પછી પાડોશણોએ એ ભાઈના ઘરે જઈ વિગતવાર પૂછપરછ કરીને આપી દીધો. અને બા ઘરે પાછા આવી ઘરમાં લાલાની સેવાની તૈયારીમાં કામે વળગ્યાં. બધું વાળી-ચોળી સાફસૂફ કરીને બેઠાં.

એટલામાં મોહનભાઈના દીકરાની વહુ આવી અને બોલી, “બા, મને કેટલું પેટમાં બળતું હતું ! તમને અછોડો મળ્યો તે સારું થયું. બીજાને હાથ પડયો  હોત તો પાછો ન આવત. આપે ખૂબ મદદ કરી.” વળી કહે, “મારા સસરાએ કહ્યું છે કે, બા ખૂબ પવિત્રપણે લાલાની સેવા-પૂજા કરે છે; એટલે લાલા સારુ પ્રસાદ રાંધવા ઘી, લોટ ને ખાંડ બજારમાંથી લઈ આવી છું. બધું કિલો કિલો છે...બા !” સવિતાબાએ સીધું-સામાન ઠેકાણે મૂક્યાં. લાલાની તરફ જોઈને બોલ્યાં, “મારો રોયો ખાધોકડો ! મોહનથાળનું ગોઠવી લીધું હો !!!”

વહાલા ભક્તો ! આમ જે ભગવાનના થઈને રહે છે અને ભગવાનને પ્રગટ માની તેમની સેવા-પૂજા કરે છે, તેમની સાથે વાતો કરે છે; તેનાં સર્વે કામ ભગવાન કરે છે.


ભક્તોના ભાવ, પૂરે મારો માવ !