Aavi Lagni Jo Prabhuma Lagi Jay To To...

Aavi Lagni Jo Prabhuma Lagi Jay To To...
July 9, 2023
Sakarswarupdasji Swami - Kundaldham
0:00/0:00

એકવાર રાત્રીને સમયે શ્રીજીમહારાજ કાળો ધાબળો ઓઢીને દાદા ખાચરના દરબારમાંથી પગપાળા ચાલતા જીવા ખાચરના દરબારમાં જતા હતા. રાત્રીના બે પહોર જેટલો સમય વીતી ગયો હતો; એવા સમયે હરજી ઠક્કર દુકાનમાં બેઠા બેઠા નાણાંમેળ(પૈસાનો હિસાબ) કરતા હતા. એ નાણાંમેળ કરવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા હતા કે તેમને સમયનું કે આજુબાજુમાં શું ચાલી રહ્યું છે ? તેનું કાંઈ ભાન પણ રહ્યું ન હતું.

મહારાજ એમની દુકાન આગળથી નીકળ્યા ત્યારે મહારાજે હરજી ઠક્કર સામું જોયું, પણ હરજી ઠક્કરનું ધ્યાન પૈસા ગણવામાં હતું. મહારાજ તેમની પાસે ગયા ને એમની પાછળ આવીને ઊભા રહ્યા; પણ ભગત તો નાણાંમેળ કરતાં બોલતા હતા કે, ‘એક પાણની એક પાણ, બે પાણની બે પાણ, ત્રણ પાણની ત્રણ પાણ, ચાર પાણનો હોળાયો.’ આમ પાણો મેળવી નાણાંમેળ કરવામાં મગ્ન થઈ ગયા હતા. મહારાજ આવીને તેમની પાછળ ઊભા છે તેની પણ એમને ખબર ન હતી.

મહારાજ ઘણી વાર સુધી ઊભા રહ્યા, પણ ભગત તો એના કાર્યમાં તલ્લીન હતા. પછી મહારાજે પાછળથી માથામાં ટપલી મારી, એટલે એમણે ઊંચે જોયું તો મહારાજને જોયા. તેઓ એકદમ ઊભા થઈ ગયા ને કહ્યું, ‘અરે મહારાજ ! આપ ક્યારે પધાર્યા ?’ મહારાજ કહે, ‘હું તો ક્યારનોય ઊભો છું, પણ તમે માયામાં એટલા બધા મગ્ન થઈ ગયા છો તે અમે ક્યારના આવીને ઊભા છીએ તેનીય તમને કાંઈ ખબર નથી !’

વળી, ટકોર કરતાં મહારાજે કહ્યું,ભગત ! આ તુચ્છ માયામાં જેવી લગની લાગી છે તેવી જો અમારી મૂર્તિ સંભારવામાં લાગી જાય તો કાંઈ વાંધો જ રહે નહીં.’ મહારાજનાં આવાં અમૃત વચનો સાંભળી હરજી ઠક્કરે મહારાજને દંડવત્ પ્રણામ કર્યા ને પોતાની ભૂલ બદલ માફી માંગી. પછી મહારાજ ત્યાંથી જીવા ખાચરના દરબારમાં પધાર્યા.

વહાલા ભક્તો ! આ ચરિત્ર પરથી આપણે પ્રેરણા લઈએ કે, જે કાંઈ કાર્ય કરવું તે ભગવાનની સ્મૃતિ સાથે કરવું. કોઈ પણ કાર્યમાં એટલા બધા ઓતપ્રોત ન થઈ જવું કે ભગવાન ભૂલીને ક્રિયામય થઈ જઈએ ભગવાને કૃપા કરીને આવો દિવ્ય સત્સંગનો માહોલ આપ્યો છે, આવો ભગવાન ભજ્યાનો રૂડો અવસર આપ્યો છે; માટે હવે ભગવાન ભૂલીને બીજું કાંઈ પ્રધાન થવા ન દેવું. માયા તો ભગવાન ભૂલાવે એવી જ છે, માટે સાવધાન રહી દરેક ક્રિયા ભગવાનની સ્મૃતિ સાથે કરીએ, તો વહાલા મહારાજ ખૂબ રાજી થશે.