
આલોક અને વૈભવ બંને જિગરજાન દોસ્ત. કોલેજ પૂરી થઈ એટલે બંનેએ વિચાર્યું કે, સુરત જેવા શહેરમાં બેકરી કે રેસ્ટોરન્ટ કરવામાં જ વધુ કમાણી થશે. તેથી બંનેએ એકસાથે લોન લઈ સુરતમાં સૌ પ્રથમ નાની એવી બેકરીથી શરૂઆત કરી. સ્વપ્નું તો બંનેનું એકસરખું જ હતું કે, આખા સુરતમાં આપણે ત્રણ-ચાર મોટી હોટેલ કરવી છે. પણ કાળનું ચક્કર ફરતાં પાંચ જ વર્ષમાં પરિણામ એ આવ્યું કે, આજે આલોક પાસે સુરતમાં મોકાની જગ્યાએ પોતાની બે મોટી ગેસ્ટ હાઉસ સાથેની હોટેલ છે. અને તે ખૂબ જ આનંદથી અને મોજથી પોતાની જિંદગી પસાર કરી રહ્યો છે. જ્યારે વૈભવ તેની બેકરી વેચી આજે તેના બનેવીની ફેક્ટરીમાં જોબ કરી રહ્યો છે.
બંનેનો લક્ષ, ઉત્સાહ અને ઉંમર એકસરખી જ હતી. અને ગણીએ તો વૈભવ આલોક કરતાં વધુ તેજસ્વી અને હાજરજવાબી પણ હતો; પણ ફક્ત એક ખામીને કારણે વૈભવ જીવનમાં કોઈ પ્રકારના વૈભવ પામી ન શક્યો. અને એ ખામી હતી ખુદને નહિ બદલી શકવાની. આલોકને જ્યારે જ્યારે પણ કસ્ટમર તરફથી કાંઈ સૂચન કે ફરિયાદ સાંભળવા મળી, ત્યારે ત્યારે તેણે તરત જ સ્વીકારી તેમાં સુધારો કરવાનું ચાલુ રાખ્યું, જેથી તેનો ગ્રાહકવર્ગ ખૂબ જ વધ્યો. અને વૈભવે તેનો વિરોધ ચાલુ રાખ્યો. કોઈ પણ સૂચન કે ફરિયાદ કરે એટલે તેની પાસે બહાનું તૈયાર જ હોય. પરિણામે ગ્રાહકોનો અસંતોષ વધ્યો. કમાણી કરવાની ઇચ્છા તો બંનેને હતી, છતાં આલોકનું ફોકસ ગ્રાહકના સંતોષ પર હતું જ્યારે વૈભવનું પોતાની સેફ્ટી અને સાનુકૂળતા પર હતું. અને એટલે જ આલોક હંમેશાં સ્વબદલાવ કરતો રહ્યો અને વૈભવ હંમેશાં સ્વબચાવ.
વહાલા ભક્તો, આ સત્સંગમાં આપણે પણ રાજીપાની અઢળક કમાણી કરવાનો ધ્યેય છે. પૂ.ગુરુજી, સર્વે સંતો-ભક્તોનો ઝાઝો રાજીપો લઈ આપણે મહારાજની મૂર્તિરૂપી મોજ મેળવવી છે. પણ આ પ્રાપ્તિ સ્વબદલાવ વિના શક્ય જ નથી. અને એટલે જ પૂ.ગુરુજી ઘણી વાર કહે છે “BE THE CHANGE ”
સેવા તો આપણે ઘણી કરતા હોઈએ પણ તેમાં કોઈ મોટા કે આજુબાજુવાળા કાંઈ ફેરફાર કરાવવા ઇચ્છે, કે કાંઈક ભૂલ બતાવે ત્યારે અહંનું પ્રોટેક્શન કરવા કે રુચિપૂર્તિ કરવા અવનવાં બહાનાં ન બતાવીએ અને “એમાં મારી જ કંઈક ભૂલ છે, એમાં મારે જ કાંઈક સમજવાનું છે, એમાં મારે જ કાંઈક સુધારવાનું છે.” આ મંત્રોને અપનાવીએ તો ચોક્કસ ઢગલા બંધ રાજીપો અને ઢગલા બંધ આશીર્વાદ મળે, પણ જો એમ રહ્યા કરે કે, ‘મારી પરિસ્થિતિ આવી હતી, હું શું કરું ?, એ મારા પ્રત્યે આવું ન સમજે તો સારું, આમ કરશું તો જ આ સારું થશે અથવા તો એ મારી વાત સાચી જ છે ને, એમાં શું ખોટું છે ?’ ત્યાં સુધી કોઈનો રાજીપો મળે જ નહીં. ‘આપણે રાજીપો જોઈતો હોય તો બદલાવ પણ આપણે જ કરવો પડે.’ સામેનામાં બદલાવ ઇચ્છીએ અને વળી તેનો રાજીપો પણ ઇચ્છીએ તે બેય શક્ય જ નથી. માટે આ જ જન્મે પ્રભુને પામવા અને તેમના મહાઆનંદમાં જામવા આવો ભરીએ, એક કદમ “સ્વબચાવથી સ્વબદલાવ તરફ”