અંત:કરણનું અજ્ઞાન

અંત:કરણનું અજ્ઞાન
March 1, 2026
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

દસ વર્ષના એક છોકરાનો ડાબો હાથ કોઈ અકસ્માતમાં છેક ખભામાંથી કપાઈ ગયો હતો. એ છોકરાને જૂડો(Judo) શીખવાની ખૂબ જ ઇચ્છા હતી. જૂડો એટલે સ્વરક્ષણ માટેની કરાટે પ્રકારની એક કળા. પોતાનો કપાયેલો હાથ જોઈ બધા શીખવવાની ના પાડશે તો ? એવો ભય એને સતાવતો હતો. એક દિવસ હિંમત ભેગી કરીને એ જૂડો શીખવતા એક ગુરુ પાસે ગયો. પોતાના મનની વાત કરી. ગુરુએ એના કપાયેલા ડાબા હાથ સામે જોઈ ઘડીક વિચાર કર્યો. પછી એને જૂડો શીખવવાની હા પાડી. બીજા દિવસથી જ એને હાજર થઈ જવાનું પણ કહી દીધું.

છોકરો ખૂબ જ ધગશવાળો હતો. પ્રથમ દિવસથી જ એ બધું જ ફટાફટ શીખવા માંડ્યો, પરંતુ ત્રણ મહિના પછી ગુરુએ એને બીજા વિદ્યાર્થીઓથી અલગ પાડી દીધો. હવે ગુરુએ એને ફક્ત એક જ દાવ શીખવવાનું શરૂ કર્યું. અન્ય વિદ્યાર્થીઓ ઘણા અલગ અલગ દાવપેચ શીખતા હતા, પરંતુ આ છોકરાને તો બસ દિવસ-રાત એક જ દાવની પ્રેક્ટિસ કરવી પડતી હતી. એને ખૂબ નવાઈ લાગતી, પણ એ તો ગુરુ જેમ કહે તેમ ખંતથી પોતાની પ્રેક્ટિસ કરતો. એવામાં એકવાર એ પ્રદેશની સૌથી મોટી જૂડો સ્પર્ધાનું આયોજન થયું. બધા વિદ્યાર્થીઓએ ભાગ લેવાનું નક્કી કર્યું. ગુરુએ આ છોકરાને બોલાવીને સ્પર્ધામાં ભાગ લેવા માટે જણાવ્યું. પેલા છોકરાને નવાઈ લાગી. કારણ કે એનો એક હાથ તો કપાયેલો હતો અને ગુરુએ એને તો હજુ એક જ ચાલ બરાબર શીખવી હતી. એણે થોડી આનાકાની કરી, પરંતુ ગુરુનો કડક આદેશ થતાં એણે ભાગ લેવાની હા પાડી.

જૂડોની સ્પર્ધા શરૂ થઈ. પેલો છોકરો ફાઇનલ સુધી પહોંચી ગયો. ફાઇનલમાં એનો પ્રતિસ્પર્ધી મોટો, ઊંચો અને હટ્ટો-કટ્ટો યુવાન હતો. જોવાવાળા બધાને થતું હતું કે આવા પહાડી શરીર ધરાવતા હરીફની સામે એક હાથવાળો છોકરો તરત જ હારી જશે, પરંતુ દરેકના આશ્ચર્ય વચ્ચે સ્પર્ધા શરૂ થવાની બે મિનિટમાં જ એ એક હાથવાળો છોકરો જીતી ગયો ! જોનાર દરેકને નવાઈ લાગે એ તો બરાબર, પરંતુ એ એક હાથવાળા છોકરાને ખુદને પણ નવાઈ લાગી ! ઘરે પાછા ફરતી વખતે એણે પોતાના ગુરુને પૂછી જ લીધું કે, “ગુરુજી ! હું ફક્ત એક જ દાવ બરાબર જાણતો હતો, છતાં કઈ રીતે જીતી ગયો ?”

ગુરુ ધીમેથી હસીને બોલ્યા, “દીકરા ! તેં આ એક એવા દાવ પર પ્રભુત્વ પ્રાપ્ત કરેલું છે; જે જૂડોમાં સૌથી અઘરો દાવ ગણાય છે અને એમાંથી બચવાનો એકમાત્ર ઉપાય તારો ડાબો હાથ પકડવાનો છે ! એટલે કે તારો પ્રતિસ્પર્ધી જો તારો ડાબો હાથ પકડે તો જ એ આ ચાલમાંથી છટકી શકે ! જે એના માટે શક્ય જ નહોતું ! એટલે તારી જીત નક્કી જ હતી !”

પેલો છોકરો આશ્ચર્ય અને અહોભાવથી ગુરુ સામે જોઈ રહ્યો. ગુરુએ એની સૌથી મોટી ખામીને જ એની સૌથી મોટી ખૂબી બનાવી દીધી હતી ! ગુરુ જ આપણી ખામીઓને ઓળખીને આપણું એ રીતે ઘડતર કરે છે કે માયાનો એક પણ દાવ આપણી સામે ન ચાલે અને આપણે માયાના દાવ આગળ હારીએ નહીં. તેથી જ સદ્.શ્રીગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું છે કે, “જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંત:કરણનું અજ્ઞાન ટાળી નાંખે પણ તે વિના તો ટળે નહીં.” માટે મોટા સંતના વચનમાં વિશ્વાસ રાખવો.