અગત્યનું શું ?

અગત્યનું શું ?
March 1, 2026
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ
0:00/0:00

ભગવાનના ભક્તો માટે કયું કામ અતિ મહત્ત્વનું ગણાય ? ભજન કે વ્યવહાર ? એનો વિવેક અવશ્ય હોવો જોઈએ. જીવનનો ઉત્કૃષ્ટ સમય ભગવાન માટે ફાળવવો જોઈએ, અને એના માટે અન્ય કામોને આઘાં-પાછાં કરતા શીખવું જોઈએ.

સદ્.શ્રીઆનંદાનંદ સ્વામી જેતલપુરમાં રહેતા અને મંદિરનું બધું કામકાજ સંભાળતા. આનંદાનંદ સ્વામી જ્યારે માનસી પૂજા કરે ત્યારે મહારાજ પ્રત્યક્ષ આવીને ભાવ સ્વીકારતા. એક વખત સ્વામી માનસી પૂજામાં મહારાજને જમાડતા હતા, ત્યારે જમતાં જમતાં મહારાજે આનંદાનંદ સ્વામીને વાત કરી કે, “ગામડી ગામના માંડણ ભગત વાડીમાં રહીને વાડીની રખેવાળી કરે છે ને અમારું ધ્યાન કરે છે; તેથી તેમને ધ્યાનમાં વિક્ષેપ થાય છે, માટે તેમને ધ્યાનમાં વિક્ષેપ ન થાય તે સારુ વાડીની રખેવાળી કરવા માટે બીજું માણસ રાખો.” કેમ જે, આ માંડણ ભગત ભજનાનંદી તથા સ્થિતિવાળા છે. ત્યારે સ્વામીએ મહારાજને કહ્યું કે, “મહારાજ ! અત્યારે બીજા માણસ નથી તે ક્યાંથી લાવીએ ?”

થોડા દિવસ પછી ફરીને મહારાજે સ્વામીને દર્શન દઈને કહ્યું, “આનંદ સ્વામી ! માંડણ ભગત સમાગમ કરવા જેવા છે. તેઓ ભજનાનંદી છે, માટે તમો તેનો સમાગમ કરજો.” શ્રીજીમહારાજે આવું કહ્યું, તોપણ પ્રવૃત્તિના યોગે કરીને તેમનો સમાગમ કરવાની સ્વામીને નવરાશ મળી નહીં.

ત્યાર પછી એક સમયે જેતલપુરની વાડીમાં માંડણ ભક્ત પોતાને અક્ષરરૂપ માની પુરુષોત્તમની મૂર્તિનું ધ્યાન કરતા હતા, ત્યારે મહારાજની મૂર્તિમાંથી તેજ છૂટ્યું. તે તેજે કરીને વાડી, તળાવ તથા મહોલ સર્વે ઢંકાઈ ગયાં. તે તેજ મંદિરને દરવાજે આવીને અટક્યું. તે સમયે આનંદાનંદ સ્વામી દેવ સરોવરે ન્હાવા જતા હતા, તે દરવાજે આવતાં તેમને ઘણુંક તેજ જોવામાં આવ્યું. તે જોઈ સ્વામીએ વિચાર કર્યો કે, ‘મહારાજ મહોલમાં પધાર્યા હશે, તેને લીધે આ તેજ છૂટ્યું હશે; માટે હું ઝટ જઈને મહારાજનાં દર્શન કરું. હું જલ્દી નહિ જાઉં તો દર્શન વિના રહી જઈશ.’ એમ ધારીને ઉતાવળા ચાલ્યા. તે વખતે સ્વામી સાથે બીજા સાધુ હતા, તે તેજમાં અંજાઈ ગયા; તેથી તે તો દરવાજે ઊભા રહ્યા.

તે તેજ સંકેલાતું જાય અને સ્વામી ચાલ્યા જાય. તે ચાલતાં ચાલતાં વાડીમાં માંડણ ભક્ત ધ્યાનમાં બેઠા હતા તેની પાસે ગયા. પછી તે સર્વે તેજ ધ્યાનસ્થ માંડણ ભક્તમાં સમાઈ ગયું. માંડણ ભક્તને સ્વામીએ જોયા ત્યારે તે ધ્યાનમાં મગ્ન હતા. આનંદાનંદ સ્વામીએ પાસે જઈ માંડણ ભક્તનો દેહ હલાવી કહ્યું, “આ તેજ શાનું હતું ?” ત્યારે માંડણ ભક્ત ધ્યાનમાંથી જાગ્યા અને કહ્યું, “મને ખબર નથી, હું તો ધ્યાન કરતો હતો, તેથી મહારાજની મૂર્તિમાંથી તેજ છૂટ્યું હશે.” ત્યારે મહારાજે સ્વામીને પ્રથમ આ ભક્તનો સમાગમ કરવાનું કહ્યું હતું, તે વાત તો યાદ આવી; પરંતુ આનંદાનંદ સ્વામીએ મનમાં વિચાર્યું કે, ‘પંદર દિવસ કારખાનાનું કામ છે. પછી નવરાશ આવશે, એટલે હું માંડણ ભક્તનો સમાગમ કરીશ.’ એમ ધારી સ્વામી ત્યાંથી સાધુ સાથે ન્હાવા પધાર્યા.

પરંતુ પંદર દિવસ થતાં પહેલાં તો માંડણ ભક્તે દેહ મૂકી દીધો અને મહારાજની અખંડ સેવામાં ધામમાં ગયા. પછી સ્વામીને ખૂબ પસ્તાવો થયો કે, ‘મહારાજે કહ્યું છતાં મારાથી માંડણ ભગતનો સમાગમ થયો નહીં.’

માપે પ્રવૃત્તિ રાખવી, વેગ રહિત સદાય;

‘જ્ઞાન’ વેગ જો આવે તો, નક્કી મુશ્કેલી થાય.

મરજી મૂર્તિ જાળવી, જગ વ્યવહાર કરાય;

હરિમૂર્તિ ને હરિમરજી, ‘જ્ઞાન’ ભૂલી ન જવાય.

વહાલા ભક્તો ! આ લોકનો વ્યવહાર એવો છે કે, એમાંથી કોઈ નવરો થઈ શકતો નથી. જો સજાગતા ન હોય તો ખબર પણ ન રહે અને આયુષ્ય ખૂટી જાય અને કરવાનું બાકી રહી જાય. માટે ભગવાને કૃપા કરીને મનુષ્યનું શરીર, દિવ્ય સત્સંગ તેમજ અન્ય સાનુકૂળતાઓ આપ્યાં છે; તેનાથી ભજન-ભક્તિ, સંતસમાગમ વગેરે કરી કલ્યાણનું ભાથું બાંધી લેવું જોઈએ.