ભગવાનના સ્વરૂપમાં લાગેલા ને લાગેલા રહેવું એ જ આપણો ઉત્તમ ખપ કહેવાય અને ભગવાનને ભૂલવા નહીં એના જેવી બીજી કોઈ તીક્ષ્ણ બુદ્ધિ નથી.
ભગવાનમાંથી વૃત્તિ બહાર કાઢીને જ્યાં ત્યાં નાખવી તે આપણા માટે સારું નથી; માટે જાગીએ ત્યારથી અખંડ ભગવાનમય રહેવાના ઠરાવ સાથે ધ્યાન, સાધના કરીશું તો જરૂર ધીમે ધીમે ભગવાનમાં જોડાઈ જવાશે.
પંચભૂતનો આ દેહ નદી કાંઠે રહેલા જૂના માટીના મકાન જેવો છે, જે કાળનું પૂર આવતા ગમે ત્યારે તણાઈ જાય તેનું કાંઈ નક્કી નહીં. માટે માટીના મકાન જેવા દેહમાં રહીને ભક્તિ કરવી નહીં, પણ ધામરૂપે ભક્તિ કરવી જોઈએ, કારણ કે દેહરૂપે કરેલી ભક્તિ ભગવાન બહુ સ્વીકારતા નથી.
દંડવત્, પ્રદક્ષિણા કરનારામાં ભગવાન સાક્ષાત્ હોય છે અને તેઓ ભગવાનમાં જોડાયેલા હોય ત્યાં સુધી એ ભક્તો ભગવાનરૂપ જ કહેવાય છે.
આ ઘોર કળિકાળમાં ભજન કરવું એ વહાલા મહારાજ, પૂ. ગુરુજી, સંતો, હરિભક્તો અને સાથે સાથે પરિવારની પણ મોટી કૃપા હોય તો જ તે શક્ય બને છે.
પહેલાં એક વાર દિવાળીએ શિબિરમાં ભેગા થતા ત્યારે કથા-વાર્તાનો લાભ મળતો, જ્યારે અત્યારે બારે મહિનાની ધ્યાન-શિબિરનો લાભ મળે છે, મોબાઈલમાં ગમે ત્યારે કથા સાંભળવા મળે છે અને ભગવાનના ધ્યાનના વીડિયો જોવા મળે છે; એ ભગવાનની બહુ મોટી કૃપા છે.
જો મોબાઈલમાં માત્ર ભગવાન સંબંધી જ જોયા કરીએ તો ફટાકામાં કલ્યાણ થાય, પણ બીજા લબકા માર્યા વગર રહેવાતું નથી એટલે કલ્યાણ બગડી જાય છે.
સંસારમાં જીવ કુટુંબ-પરિવાર સાથે રહે છે, પણ એના દિલમાં ભગવાન નથી હોતા; જ્યારે આપણને જેના દિલમાં ભગવાનનો વાસ છે એવા સંતો-ભક્તોના સંગમાં રહેવા મળ્યું છે; જે ભગવાનની મોટી કૃપા છે.
આપણને ભગવાન ન ભૂલાય એવી પૂ. ગુરુજીને આપણા પ્રત્યે ભાવના છે અને એના માટે તેઓ ખૂબ સારા સારા આઈડિયા આપે છે અને ખૂબ દાખડો કરે છે.
અનાદિ કાળથી વાસના જીવ સાથે એકરસ થઈ ગઈ છે અને કારણ શરીર અતિ મજબૂત થઈ ગયું છે, તેથી દોષો ટાળવા ખૂબ સાધના, ધ્યાન, સાધુનો સંગ અને કડી મહેનત કરીએ તો મન વિષયમાંથી છૂટીને ભગવાનમાં જોડાય.
મનને ભગવાનમાં જોડવા માટે પહેલાં ઇન્દ્રિયોને વિષયમાં જતી અટકાવવી જોઈએ, કારણ કે જો ઇન્દ્રિયો દ્વારા વિષયના સુખ ભોગવી લઈએ તો મન ભગવાનનું સુખ લેવા જાય નહીં; માટે પહેલાં વિષય જીતવા જોઈએ, પછી મન જીતાય અને પછી અંતઃશત્રુ જીતાય.
જો દાણો પગરમાં રહે તો જ તેના ફોતરા ઉખડે અને ચોખ્ખો થાય, માટે સંતો અને ભક્તોરૂપી પગરમાં હળીમળીને રહેવાથી અને ઘસાવાથી કામ, લોભ, દ્વેષ, રાગ, દેહાભિમાન જેવા બધા દોષો ટળી જશે અને ચોખ્ખા થઈ જઈશું.
ગીતે રસે નીતે સર્વમ્ એટલે કે જો રસાસ્વાદ જીતી લો તો બધા અંતઃશત્રુઓ અને વિષયો જીતી શકાય છે.
ઇન્દ્રિયો આપણે કહીએ એમ કરે એટલે ઇન્દ્રિયો જીતાણી કહેવાય.
આજકાલ ખાવાની સામગ્રીની ઉપલબ્ધિ વધી છે અને ભક્તોને જમાડવાનો ભાવ વધ્યો છે; તેમાં રસનાનો પક્ષ લેવાય જાય છે અને ભગવાનની આજ્ઞાનો પક્ષ જતો રહે છે.
ઔષધ તરીકે ખાવું તે પાપ નથી, પણ સ્વાદની રીતે ખાવું તે પાપ છે અને ભગવાનને ભુલાડનારું છે, છે ને છે જ.
નિયમ વગરના સાધુ કે હરિભક્ત બ્રેક વગરની ગાડી જેવા છે; જેમ બળદ ખેતી કરતી વખતે પાક ન ખાય તે માટે મોઢે શીકલું બાંધવું પડે તેમ ઇન્દ્રિયો પર નિયમનું શીકલું જોઈએ.
મંદિરમાં રહેતા હોય તેમને ભક્તો દ્વારા મોકલવામાં આવતી સારી સારી વિવિધ વાનગીઓ જોઈને સાવધ રહેવું, કારણ કે રસાસ્વાદ માણ્યા પછી ભગવાનની મૂર્તિનો સ્વાદ આવતો નથી.
શ્રીશતાનંદ સ્વામી કહે છે કે, સર્વ ઇન્દ્રિયોને જીતવી તેનો અર્થ એ છે કે પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને અગિયારમું મન — એ અગિયારેયને જીતવા.
જેમ કાચબો અવાજ સાંભળીને પોતાના અંગો સંકોચી લે છે, તેમ સંતો-ભક્તોએ શબ્દ, સ્પર્શ, રૂપ કે સ્વાદનો યોગ થાય ત્યારે વૃત્તિ પાછી ખેંચીને ભગવાનમાં જોડી દઈએ તો જ તે ભગવાનમાં સ્થિર થાય છે.
સારું જમવાનું જોઈને દિલમાં રાજીપો થાય તો વાસના છે અને દિલમાં દાઝ થાય કે આ ભગવાન ભુલાડશે તો તે ભક્તિ છે. પણ આપણને સારું સારું જમવાનું જોઈને ભગવાન ભુલાઈ જશે એ વાત યાદ જ રહેતી નથી; એ મોટી ખામી છે.