શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરા તથા કુંડળધામ
શિક્ષાપત્રી ભાષ્ય
કથા - ૪૫૮
વક્તા : પ.પૂ. સદ્. શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ તારીખ : ૨૪/૦૩/૨૦૨૬ પેજ - ૧
1. હે મહારાજ! મારે મારી જિંદગીમાં તમારી મૂર્તિને મારા આત્મામાં આબેહૂબ અખંડ રાખવી છે અને એ જ મારી મુક્તિ છે; આવો અંતિમ નિર્ણય રાખવો.
2. ભગવાન સિવાયના બીજા સંકલ્પ વગર પોણો કલાક સુધી ધ્યાન શિબિરમાં ભગવાનના ધ્યાનનો લાભ મળ્યો છે; એ શ્રીજીમહારાજે જાણે કરોડો બ્રહ્માંડનું રાજ આપ્યું હોય તેના કરતાં પણ વિશેષ અને દિવ્ય આનંદનો ખજાનો આપ્યો છે.
3. પરમાત્માને પામવાનું ફાઈનલ થઈ ગયું હોય તેવા ભક્તો જ્યારે ધ્યાન શિબિરમાં ધ્યાન અને ધૂન-ભજન કરે છે, ત્યારે તેને જોઈને ધામમાં ભગવાન અને ગોપાળાનંદ સ્વામી આદિક મુક્તો ખૂબ રાજી થાય છે તથા અમીદૃષ્ટિ અને કૃપા વરસાવ્યા કરે છે.
4. ભગવાન આપણી ચિંતા ખૂબ કરે છે તેથી આપણે ચિંતા કરવાની જરૂર નથી; આપણા જીવનમાં આવતી બધી ચિંતા ભગવાનને સોંપી દઈને આપણે માત્ર અખંડ સ્મરણ અને ભજન જ કરવાનું છે.
5. સંસાર કે ઘર છોડવું બહુ સહેલું છે, પરંતુ ભક્તો અને મુક્તો સાથે ભળી જવું અઘરું છે; કારણ કે આપણા સ્વભાવ અને પ્રકૃતિ આપણને આસાનીથી ભળવા દેતા નથી.
6. ભગવાન અને ભગવાનના ભક્તના સંબંધ વિનાની માત્ર વ્યાવહારિક વાતોને ‘ગ્રામ્યવાર્તા’ કહેવાય છે; જે ત્યાગીઓએ ક્યારેય કરવી નહીં અને જાણી-જોઈને સાંભળવી પણ નહીં.
7. શિક્ષાપત્રી ભાષ્યમાં કહ્યું છે કે, ‘ગ્રામ્ય’ એટલે વિષયી પામર જીવો; તેથી પામર જીવોની કે પામર જીવોએ કરેલી સમજણ વગરની લોકવાર્તાઓ સાંભળવી નહીં, કારણ કે તેમાંથી આપણું કોઈ કલ્યાણ થતું નથી.
8. ગ્રામ્યવાર્તા એટલે નકામી ઠઠ્ઠા-મશ્કરી, કોઈની નિંદા, કૂથલી કે ગામ-ગપાટા મારવા; જેમાં ત્યાગીઓ કે ગૃહસ્થોએ ક્યારેય પડવું નહીં.
9. રસ્તામાં ચાલ્યા જતા હોઈએ અને કોઈ અડખે-પડખે લોકવાતો કરતું હોય, જોરથી રેડિયો વાગતો હોય કે ટીવી ચાલતું હોય, પણ તેમાં સમજણપૂર્વક ધ્યાન દેવું નહીં.
10. મોબાઈલ કે ઈન્ટરનેટમાં પણ આવી જગતની નકામી વાતો સાંભળવાની કે જોવાની ઈચ્છા કરવી એ યોગ્ય નથી; કારણ કે અખંડ ભજન કરવામાં આવી વાતો ખૂબ નુકશાન કરે છે.
11. શ્રીમદ્ ભાગવતજીમાં કહ્યું છે કે, “ભગવાનની પાપહારિણી લીલાકથાઓને છોડીને નકામી ગ્રામ્યવાર્તા સાંભળવી એ અધોગતિનું કારણ બને છે અને તે વાતો માણસના પુણ્યનો નાશ કરીને તેને ઘોર નરકમાં ફેંકી દે છે.”
12. વિષ્ણુધર્મમાં કહ્યું છે કે, વિષય-વાસના વધે કે તેમાં મન જાય તેવી વાતો કહેવી કે સાંભળવી એ બંને જીવ માટે બંધનકારી છે અને તે મોક્ષને બગાડનારી ખતરનાક બલા છે.
13. જો ત્યાગીઓ મંદિરમાં કે તેમના આસને ગ્રામ્યવાર્તાઓ કરે, તો સંસારના પ્રપંચથી થાકેલા જીવોને ઠરવાનું કોઈ સ્થળ બાકી ન રહે; માટે ત્યાગીઓએ ગ્રામ્યવાર્તામાં પડવું નહીં.
14. ઓળિયા ગામ બાબુભાઈ કાથરોટિયા બહુ સજાગ ભક્ત હતા; તેઓ મંદિરમાં ગ્રામ્ય વાર્તા કરતાં નહીં અને કોઈક કરે તો તેમને પણ ગ્રામ્ય વાર્તા કરવાને બદલે માત્ર ભજન અને સ્મરણ કરવાનું જ કહેતા હતા.
15. જેને શુદ્ધ થઈને ભગવાનના ધામમાં જવું હોય તેને માટે ગ્રામ્યવાર્તા ખૂબ ખતરનાક છે, માટે ખૂબ સાવધાન થઈને ગ્રામ્યવાર્તા તો બધાએ ત્યજવી જોઈએ.
16. જેવી રીતે કોઈ લુગડું ધોઈને ચકાચક કર્યું હોય અને તેના પર કોઈ પાનની પિચકારી મારે તો તે ગંદું થાય છે; તેવી જ રીતે ભજન કરીને શુદ્ધ કરેલા અંતર પર ગ્રામ્યવાર્તારૂપી પિચકારી વાગે તો અંતર ગંદુ થઈ જાય છે.
17. માવા ભગતના પ્રસંગ પરથી બોધ મળે છે કે, દરેક સંત-ભક્તે માવા ભગતની જેમ ગ્રામ્યવાતોથી અત્યંત વિરક્ત રહેવું જોઈએ અને જીવનું કલ્યાણ થાય તે માટે પોતાનો સમય નકામી ગ્રામ્યવાતોમાં બગાડવો નહીં.