વાસના વાલમથી વેગળા કરે છે..!

વાસના વાલમથી વેગળા કરે છે..!
October 1, 2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ

વહાલા ભક્તો ! અખંડ સ્મરણના પ્રતાપે અનેક ભક્તો સમાધિનિષ્ઠ થયા. ડોસાભાઈ વગેરે નિરાવરણ-દિવ્ય સ્થિતિવાળા થયા ! અને આપણને મહિમા થતો નથી એટલે અખંડ ભજન થતું નથી.

લુણાવાડા પાસે એક હિરાપર ગામ છે. ત્યાં સુથાર માવજીભાઈ રહેતા હતા. તે નાનપણમાં બહુ જંતરમંતર શીખ્યા હતા. તેમના પાડોશમાં વિપ્ર મોરારજીભાઈનું ઘર હતું. તે બહુ સારા હરિભક્ત હતા. એકવાર તેમણે કહ્યું કે, ‘માવજીભાઈ, તમને જંતરમંતર બહુ સારા આવડે છે, પણ એનાથી કાંઈ તમારું કલ્યાણ નહિ થાય ! સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરો તો તમારું કલ્યાણ થાય.’

માવજીભાઈ કહે, ‘સ્વામિનારાયણ એટલે કોણ ?’ ‘તે તો પ્રગટ ભગવાન છે.’ તો કહે, ‘મારા જંતરમંતરથી બચે તો તમારા સ્વામિનારાયણ ભગવાન સાચા ! પછી હું એનો આશરો કરું.’ ત્યારે મોરારજીભાઈ કહે, ‘અત્યારે તો તમે મારે માથે દાણા નાંખો.’ પછી માવજીભાઈએ જંતરમંતર કરીને મોરારજીભાઈ ઉપર દાણા નાંખ્યા, પણ સ્વામિનારાયણ મંત્રના પ્રતાપે તેમનો વાળેય વાંકો ન થયો. ત્યારે માવજીભાઈએ પ્રભાવિત થઈને મોરારજીભાઈને હાથ જોડીને કહ્યું કે, ‘ભાઈ ! તમે સાચા અને તમારા સ્વામિનારાયણ ભગવાન પણ સાચા. હવે મને તમારા સાધુ પાસે લઈ જાઓ અને કંઠી પહેરાવો. આ સ્વામિનારાયણ મંત્ર એટલો શક્તિશાળી છે કે એનું રટણ કરનારને મારા જંતરમંતર અડતા નથી, તો એ સ્વામિનારાયણ પ્રભુ પોતે કેટલા પ્રતાપી હશે !’

પછી નજીકના સમયમાં મહાપ્રસાદાનંદ સ્વામી લુણાવાડા પધાર્યા, ત્યારે મોરારજીભાઈએ માવજીભાઈ સુથારની ઓળખાણ આપી. સ્વામીએ એમને કંઠી બાંધી વર્તમાન ધરાવ્યા. પછી મહાપ્રસાદાનંદ સ્વામીએ માવજીભાઈને કહ્યું કે, ‘તમે આ મોરારજીભાઈ કહે એમ વર્તજ્યો અને સ્વામિનારાયણનું ભજન કરજો. આ મોરારજીભાઈ બહુ સારા ભક્તરાજ છે, માટે એમને સોંપાઈને રહેજો.’

વહાલા ભક્તો ! ભગવાને પોતે દયા કરીને આ નામમંત્ર પ્રગટાવ્યો છે. વળી એ નામમાં એવો પ્રતાપ સ્થાપ્યો છે કે, જે કોઈ ભાવથી એ નામ જપે એ અક્ષરધામ પામે છે.

પછી તો મહાપ્રસાદાનંદ સ્વામીના કહેવાથી માવજી સુથારે રાત-દિવસ એવું ઉચ્ચ સ્વરે સ્મરણ કરવા માંડ્યું કે, ઘરનાં અને ગામનાં માણસ અકળાઈ ગયાં. તેમને લાગ્યું કે, માવજી ગાંડો થઈ ગયો છે. પછી તો તેમણે ઘરમાં પૂરીને તાળું માર્યું. માવજીભાઈએ તો ઘરમાં બેઠા બેઠા સ્વામિનારાયણ...સ્વામિનારાયણ ચાલુ જ રાખ્યું. આવા ભજનના તાનવાળા ભક્તની ખબર લેવા સાક્ષાત્ શ્રીજીમહારાજ રૂમમાં પ્રગટ થયા. ભક્તને દર્શન દીધાં અને કહ્યું, ‘મારો હાથ ઝાલો.’ શ્રીહરિનો સ્પર્શ થતાં જ માવજીભાઈ ગઢડાની લક્ષ્મીવાડીમાં નીકળ્યા !

માવજીભાઈ લક્ષ્મીવાડીમાં એક રાત રહ્યા. બીજે દિવસ ફરી મહારાજે દર્શન દીધાં ! ત્યારે એ ભગત મૂર્તિની પાછળ પાછળ ચાલ્યા; તે સ્વામિનારાયણ મંદિર, કાલુપુર-અમદાવાદમાં પ્રગટ્યા. ત્યાં માવજી ભગતને પોતાના ગુરુ મહાપ્રસાદાનંદ સ્વામીનાં દર્શન થયાં. પછી માવજીભાઈ સ્વામી પાસે રહ્યા અને ભજનની એવી ટેવ પાડી, તે શ્વાસોશ્વાસ ભજન થયા જ કરે.

મહાપ્રસાદાનંદ સ્વામીએ માવજીભાઈની આવી સ્થિતિ જોઈને એમને સાધુદીક્ષા અપાવીને ધ્યાનદાસ નામ પાડ્યું. ધ્યાનદાસજીને ભગવત્સ્મરણ કરતાં કરતાં સમાધિ થઈ ગઈ. તે પહેલી વાર સમાધિ થઈ તે થોડીક રહીને પછી ઊતરી ગઈ. ધીરેધીરે ચાર દિવસની થઈ. એમ કરતાં છેવટે ધ્યાનદાસજીને અઢાર-અઢાર દિવસ સુધી સમાધિ રહે ! ત્યાં સુધી તેમને દેહનું કાંઈ ભાન જ ન રહે. તેને કારણે મહાપ્રસાદાનંદ સ્વામીને સત્સંગ વિચરણ કરવામાં ઘણી મુશ્કેલી થવા લાગી. પછી એમને ઉમરેઠ લઈ ગયા. ત્યાં ગોપાળાનંદ સ્વામીને ધ્યાનદાસજીનું સઘળું વૃત્તાંત કહ્યું.

તે સાંભળીને સ્વામી તો બહુ રાજી થયા, પણ મહાપ્રસાદાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું, ‘આને કાંઈક સમાધિ ઓછી થાય તેમ કરો તો ઠીક.’ પછી ગોપાળાનંદ સ્વામીએ તપાસ કરતાં જાણ્યું જે, ‘આ ધ્યાનદાસજીને જરા રસાસ્વાદમાં પ્રીતિ છે.’ એટલે સ્વામીએ ઉપાય બતાવ્યો કે, ‘હવે એને ભાવતાં ભોજન કરીને જમાડજો એટલે તે ફરીવાર સમાધિમાં ઝાઝા દિવસ રહેશે નહીં.’

પછી મહાપ્રસાદાનંદ સ્વામીએ સ્વાદિષ્ટ ભોજન કરીને જમાડવા માંડ્યાં, તેથી સમાધિ ઓછી થવા માંડી. ઓછી થતાં થતાં સાત દિવસની રહી, ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ભાવતું ભોજન જમાડવાની ના પાડી.

વહાલા ભક્તો ! સારું સારું ખાવાની નુકસાની તો જુઓ ! આપણે તો આસક્ત થઈને ખાધા જ કરીએ છીએ, હવે આપણું શું થાશે ? રસાસ્વાદ આવ્યો એટલે પાછળ બધા શત્રુ જામી જાય. જેનો રસાસ્વાદ મરે એના સર્વે શત્રુ મરે. જો આપણે બીજા સુખ છોડી દઈને સ્મરણનો વેગ ચડાવી દઈએ તો મહારાજ રાજી થઈને પોતાનું અપાર સુખ આપે, પરંતુ જો દેહથી છૂટા પડી બ્રહ્મરૂપ થવાનો અભ્યાસ ન કર્યો હોય અને વિષયની વાસના ટાળી ન હોય તો તે સુખ જતું પણ રહે. માટે સ્મરણની સાથોસાથ બ્રહ્મરૂપ થવાનો પણ અભ્યાસ રાખવો.

પ્રેમાનંદ સ્વામી સ્વરચિત ‘ધ્યાન મંજરી’ ગ્રંથના પ્રકાશ-૧૩માં લખે છે કે, બ્રહ્મને જાણનારા જ્ઞાની મુનિઓ પરમાત્માના ચરણકમળને હૃદયમાં ધારી ધ્યાન કરે છે. બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કરે છે. એવી રીતે ધર્મકુંવર સર્વાવતારી શ્રીહરિના ચરણકમળમાં નિવાસ કરીને રહે છે. એવા સંતો-ભક્તો શ્રીહરિના ચરણમાં શીશ નમાવીને અર્થાત્ દાસભાવે શ્વાસોશ્વાસ અખંડ સ્વામિનારાયણ... સ્વામિનારાયણ નામ રટે છે. વળી, આ ઉત્તમ મુનિઓ અક્ષરરૂપ થઈને શ્રીહરિની સુખરૂપ એવી ભક્તિ અખંડ કરે છે.

આપણે બધાએ પણ આ ઉત્તમ મુનિઓની જેમ જ અક્ષરરૂપ થઈને આત્માના આત્મા, સુખરૂપ એવા પ્રાણપ્યારા ભગવાન શ્રીહરિની અખંડ ભક્તિ કરવાની છે. પરમાત્માની સાથે આપણે આપણા આત્માને ઓતપ્રોત રાખવાનો છે. આત્માનો ખાલીપો મૂર્તિથી ભરી દેવાનો છે. આ રીતે બ્રહ્મરૂપ રહેતાં રહેતાં આપણે મહારાજનું અખંડ સ્મરણ કર્યા જ કરવાનું છે. આવા માહોલમાં પણ જો આપણે અખંડ સ્મરણનું અંગ પાડી ન શક્યા તો ધિક્કાર છે આપણને ! ભગવાને આપણને આવો દિવ્ય સંતો-ભક્તોનો માહોલ આપ્યો, આવા કહેનારા-ટોકનારા, સમજાવનારા મળ્યા તોય આપણે દેહાભિમાની રહીશું ? માટે હવે તો રાત-દિવસ બ્રહ્મરૂપ થઈને શ્રીહરિનું સ્મરણ ચાલુ જ રાખવું જોઈએ.