સ્વધર્મ સંભારી અહં છોડીએ...

સ્વધર્મ સંભારી અહં છોડીએ...
July 1, 2026
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ

વહાલા ભક્તો ! આપણી કસરનું મૂળકારણ આપણી સ્વધર્મવિહિનતા જ છે. આપણને જીવ અને જગદીશ વચ્ચેનો સંબંધ સમજાય જાય; તેમાંથી આપણો દાસત્વધર્મ પકડાઈ જાય તો તો સર્વે વાત પૂરી થઈ જાય. ધર્મસભાનતા થાય એટલે આજ્ઞા પાળવામાં, મહિમા સમજવામાં કે ભગવાનમાં વૃત્તિ રાખવામાં આપણે જે બળ કરવું પડે છે એ ન કરવું પડે. અહં નાશ થઈ જતાં બધું જ કામ સરળ થઈ જાય. માટે આ વાતના અનુસંધાને અહીં સ્વધર્મની સભાનતા કરાવનાર કેટલાક ભાવ આપ્યા છે; જે આપણને આપણો અહંકાર મારવા અને દાસત્વ કેળવવામાં ઉપયોગી નીવડશે.

(૧) દર્દીપણું : પોતાના દર્દથી દુઃખી પેશન્ટ મોટેભાગે ફૂટી ગયેલા ફુગ્ગા જેવો હોય છે. આવા સમયે તેનામાં અહં રાખવા જેવી સામગ્રી નહિવત્ હોવાથી તેના અહંકારનો પારો ઘણોખરો નીચો હોય છે. તંદુરસ્ત વ્યક્તિની અપેક્ષાએ બીમાર વ્યક્તિના શબ્દોમાં સહજતયા નરમાશ આવી જાય છે. આધ્યાત્મિકમાર્ગે આ ઉદાહરણ કંઈક અંશે આપણને સીધી લીટી પર રાખવા હેલ્પફુલ બને છે. કેમ જે, આપણને પણ જન્મમરણનો રોગ લાગુ પડતાં આપણે પણ મહાદર્દમાં સપડાયેલ એક દર્દી જ છીએ. આ સત્ય વાત આપણને જેટલી ઊંડી સમજાશે એટલું આપણામાં દાસત્વ નીખરશે. આ વાત મુજબ જો આપણે પોતાને દર્દી તરીકે માનતા હોઈએ તો અહંકાર ધારવામાં હકદાર જ નથી. જો આપણે મહારાજ અને સંતો-ભક્તો પાસે દર્દી બનીને હંમેશાં દીનતા જાળવીશું તો એ ડોક્ટર સમા દયાળુની કૃપાથી તંદુરસ્ત થઈશું. બાકી દર્દી હોવા છતાં ડોક્ટર પાસે અહં રાખીશું તો આપણું દુઃખ કદી નહિ મટે.

(૨) દરિદ્રીપણું : દરિદ્રી એટલે નિર્ધન; ધન-સંપત્તિના અભાવવાળો; પૈસા વગેરેથી ગરીબ. જેમ લૌકિકમાર્ગમાં જેને આવક ખૂબ ઓછી હોય અને જાવક ખૂબ વધુ હોય તે ગરીબ કહેવાય; તેમ જ્યાં સુધી આપણને અહં-આસક્તિમાંથી જન્મેલ અધર્મસર્ગના દોષો પીડે છે, સદ્ગુણરૂપી સંપત્તિ ભેગી નથી થઈ ત્યાં સુધી આપણે પણ આધ્યાત્મિકમાર્ગમાં ગરીબ જ છીએ. અરે ! ‘જ્યાં લગી પિયુડો હસી ન બોલાવે આભૂષણ સર્વે ડેરો’ - આ પંક્તિ મુજબ જોઈએ તો પ્રભુપ્રાપ્તિ વિનાના સદ્ગુણો હોય તોય પણ શું ? માટે આ માર્ગમાં સદાયને માટે ગરીબ રહેવું અનિવાર્ય છે.

આમેય મહારાજ અને મુક્તો આગળ તો આપણે ગમે તેટલા શ્રીમંત હોઈએ તોપણ ગરીબ જ છીએ. ને આવી સમજણભરી ગરીબી જ આપણી સાચી અમીરી છે. ગરીબ રહેવાથી પ્રભુપ્રાપ્તિમાં આડા ગઢરૂપ અહંકારથી બચાય છે. જેમ ગરીબ વ્યક્તિએ માગ્યાં ઘરેણાં પહેર્યાં હોય ત્યારે બીજા કોઈને ખબર હોય કે ન હોય પણ એને પોતાને તો ખબર જ હોય કે આ ઘરેણાં મારાં નથી, હું તો ગરીબ છું; ઉછીના લાવ્યો છું, તે પ્રસંગ પૂરો થતાં જ પાછાં આપી દેવાનાં છે. આ વાસ્તવિકતાની ખબર હોવાને લઈને કોઈ ગમે તેટલો વખાણે તોય તેને મદભરી વિકૃત અસર નહિ થાય. બસ આવી જ રીતે જો આપણી ગરીબીની આપણને ખબર હોય તો આપણા અહંકારને કંટ્રોલમાં રાખી શકીએ ખરા.

ખરેખર તો ‘આપણે માત્ર ગરીબ જ નહિ એના દેણદાર છીએ.’ - આ સત્ય સમજાય જાય તો આપણો અહંનો પાવર સાવ ઊતરી જાય. જેમ કોઈ વ્યક્તિને ૧ લાખ રૂપિયા માસિક આવક હોય, પરંતુ તેને ૧૦,૦૦૦ અબજનું દેણું હોય તો પોતાને ઘણી આવક હોવા છતાં તે પોતાનું દેણું જાણતો હોવાથી કોઈની પાસે આવકનો પાવર પ્રગટ નહિ કરી શકે. વળી, દેણદારની જ વાતને બીજા એક એંગલે જોઈએ તો કોઈએ આપણને કટોકટીની પરિસ્થિતિમાં સહાય કરી હોય તો આ લોકમાં પણ આપણે તેના કાયમ ઋણી રહીએ છીએ, તો પ્રભુ અને પ્રભુપ્યારાના તો આપણે જનમ જનમના ઋણી છીએ. એમની કરુણાને ભૂલી જઈ આપણે કૃતઘ્ની કેમ થવાય ! આવું વિચારી આપણે આપણું દેણું જાણી રાખ્યું હોય - ઋણ સંભારી રાખ્યું હોય, તો ગમે તેટલા સદ્ગુણો હોવા છતાં, માન-સન્માન મળવા છતાં, ગમે તેટલી સારી સ્થિતિ પામવા છતાં પોતાના દરિદ્રપણાની સ્મૃતિને લઈને આપણને અહંનું ઝેર ન ચડે.

આ વાતોથી જો આપણને ગરીબી અનુભવાતી હોય, હું દેણદાર છું એવું સમજાતું હોય, તો હવે આપણામાં ગરીબનાં જ લક્ષણો હોવાં ઘટે. જેમ ગરીબને અમીર જેવું રાચરચીલું, મોજશોખ કે ખોટા ફંદા કદી ન પોસાય; તેમ આપણ ગરીબને અહં રાખવું પોષાવું ન જોઈએ. કોઈના દોષ જોવામાં, ગૌણભાવ કરવામાં કે કોઈનો અભાવ લેવામાં તો આપણ ગરીબનું પેટિયું પણ લૂંટાઈ જતું હોવાથી એ માર્ગ આપણા માટે સદંતર બંધ જ થઈ જવો જોઈએ.

(૩) દુર્બળપણું : કોઈ દુર્બળ અર્થાત્ શક્તિહીન નિર્બળ વ્યક્તિ પહેલવાન પાસે પણ અહંકાર રાખે તો તેની શું દશા થાય ? ભોફીડું પાવડાને પડકારે તો તેની શું દશા થાય ? ફોદે ફોદા નીકળી જાય. આ દૃષ્ટાંતથી આપણે સાર સમજી શકીએ છીએ કે બળવાન પાસે નિર્બળ રહેવામાં જ સાચી સલામતી છે. સર્વસમર્થ પ્રભુ બળવાન છે. તેમના સંબંધે તેમના લાડલા સંતો-ભક્તો પણ એવા જ બળવાન છે. એ બળવાનની સામે જો દુર્બળ એવા આપણે બળ પછાડીએ તો આપણી દશા માઠી થઈ જાય. તેમની પાસે તો અહંશૂન્ય-દાસ રહેવામાં જ મજા છે.

આપણું સત્તાબળ, સંપત્તિબળ, સાધનબળ, બાહુબળ, જપ-તપ-વ્રતાદિક કોઈપણ બળ આધ્યાત્મિકમાર્ગમાં અહંકાર કહેવાય છે. આ બધાં બળનો ત્યાગ કરી ખરા શરણાગત ભક્ત તરીકે એકમાત્ર ભગવાનનું જ બળ સ્વીકારીએ ત્યારે આપણે આપણું દુર્બળપણું સ્વીકાર્યું કહેવાય. નિર્બળપણાનો સ્વીકાર થાય પછી જ પ્રભુ પ્રગટે છે. એટલે જ કહેવાય છે કે - નિર્બલ કે બલરામ. દ્રૌપદીએ જ્યારે પોતાનાં તમામ બળ પડ્યાં મૂકી નિર્બળ થઈને ભગવાનને પોકાર્યા ત્યારે શ્રીકૃષ્ણ પ્રભુ પધાર્યા હતા. સામાનો સબળપણાનો સાચો સ્વીકાર થાય, તો ત્યાં પોતાનું સબળપણું ઊભું જ ન રહે; પોતાનો સર્વે અહંકાર ઓગળી જાય. અરે ! તેની પાસે જ નહિ, તેના ગણાતા સર્વે પાસે સરળ થઈ રહેવાય.

શ્રીહરિ વચ.ગ.અં.૨૮માં કહે છે કે, “ભગવાનને જાણ્યા હોય તો ભગવાનના જે સંત તે સાથે માન, ઈર્ષ્યા, ક્રોધ કેમ થાય ? અને જો થાય છે તો જાણ્યામાં ફેર છે. કેમ જે, ગવર્નર સાહેબને જાણ્યો છે જે, એ સમગ્ર પૃથ્વીનો પાદશાહ છે ને બળિયો છે ને જો તેનો એક ગરીબ સરખો હમેલિયો આવ્યો હોય તો તેનો હુકમ મોટો રાજા હોય તે પણ માને, ને તે જેમ કહે તેમ દોર્યો દોરાય. શા માટે જે, તે રાજાએ એમ જાણ્યું છે જે, ‘બળિયો જે ગવર્નર સાહેબ તેનો એ હમેલિયો છે.’ અને ‘જેથી જે બળિયો તેની આગળ માન રહે નહિ’, તેમ જેણે ભગવાનને સમગ્ર ઐશ્વર્ય-સમૃદ્ધિના ધણી જાણ્યા હોય તો તેને સંતની આગળ માન કેમ રહે ?” આમ, જો આપણને સાચા અર્થમાં મહારાજ અને મુક્તોનું સબળપણું ને પોતાનું દુર્બળપણું યથાર્થ સમજાય જાય તો આપણો કોઈ પ્રકારનો અહંકાર તેમની સાથે કદી ન અથડાય.

(૪) દોષિતપણું : આપણે અનંત જન્મોથી પ્રભુના અપરાધી-ગુનેગાર જ છીએ. આ આપણા દોષિતપણાના ભાવ સાથે જિવાય તો દાસ રહેવાય. ને જો નિર્દોષપણાના કેફમાં કોઈ ને કોઈ પાવરમાં જિવાય તો એ અહંકાર જ આપણું પતન સર્જે. એટલે જ સદ્.પ્રેમાનંદ સ્વામી લખે છે કે, ‘મેં તો ગુનેગાર તેરા રે...’ આજ સુધીમાં આપણે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ ઘણું ઘણું કરતા આવ્યા છીએ. પ્રભુએ આપણાં અનંત જન્મોનાં પાપ-ગુના માફ કર્યાં છે એટલે આપણું ગાડું ગબડે છે. જો પ્રભુ એનો ન્યાય કરે તો આપણે કદી એ દુઃખ ભોગવી જ ન શકીએ. પ્રભુની આ કરુણા બદલ આપણે એમને કે એમના લાડલા સંતો-ભક્તોને ન ગમે એવું કદાપિ ન કરતા હંમેશા તેમનું ગમતું જ કરવું જોઈએ.

જો આમ વર્તી આપણે કૃતજ્ઞી બની રહીએ, ગુનેગાર તરીકે કૂણા દાસ જ રહીએ તો પ્રભુને આપણા ઉપર વધુ દયા આવે; વધુ કૃપા કરવાનું મન થાય. જેમ ગુનેગાર કેદી જેલમાં રહીને પણ જો ખૂબ સારું વર્તન રાખે તો તેની ૨૦ વર્ષની સજા ૨૦થી ઓછા વર્ષે પૂરી ગણીને તેને માફ કરવામાં આવે છે; આવી જ રીતે આપણે હજુ પાંચ-સાત જનમ લેવાના હોય, પણ જો દાસ રહેતા હોઈએ તો પાંચ-સાત જનમનું એ પ્રારબ્ધનું બધું દુઃખ આ જ જન્મે પૂરું ગણીને પ્રભુ આપણો ગુનો માફ કરી દે છે. આવાં કાંઈક દૃષ્ટાંતના એંગલથી પણ જો આપણે પોતાને ગુનેગાર માની અહંકાર મૂકી શકીએ, પ્રભુનું ગમતું કરી શકીએ તો એ આપણને પ્રગતિવર્ધક નીવડી શકે.

(૫) દીનઆધીનપણું : દાસ; સેવક; કીંકર; ગોલો; મજૂર; રાંક; ગુલામ; કંગાલ; ભિખારી - આ બધા શબ્દોમાં દાસત્વ સમાહિત છે. સદ્.આધારાનંદ સ્વામી શ્રીહરિચરિત્રામૃતસાગર જેવો મહાકાય ગ્રંથ લખવા છતાં મને આ ગ્રંથ લખવારૂપ મજૂરી મળી છે એવું માનતા. જે આ સત્સંગમાં ‘મેં સેવા કરી’ એવા અશુદ્ધભાવ સાથે સેવા કરે છે તેને તેનું ફળ બહુ જ સીમિત મળે છે. પરંતુ ‘મને કૃપા કરીને સેવા આપી, તે આ સેવારૂપી મજૂરીથી રાજીપો મળતાં મારું ગુજરાન ચાલશે.’ આવા શુદ્ધભાવથી દીન-આધીન રહીને સેવા કરનાર ખાટી જાય છે. માટે અહં છોડી દીનતાપૂર્વક ગરજ સાથે સેવા કરવી જોઈએ. જેમ ઓગણોતેરા કાળમાં અન્નની જરૂર હોવાથી ભીમનાથમાં રાંકા માગવા આવતાં ને દીન-આધીન થઈને કરગરતા, તેને ધક્કા મારે પણ જતા નહિ; એમ આ માર્ગે આપણે પણ કલ્યાણની જરૂર હોય તો અહં છોડી ભિખારી રહેવું જોઈએ. કેમ જે, કરોડ જનમ દીન-આધીનપણે ભીખ માગતાં પણ તેઓ મળતા હોય તોય આ સોદો સસ્તો કહેવાય.

આપણી સાચી સ્વાધીનતા મોટાની પાસે આધીન રહેવામાં જ છે. આપણા સર્વાત્મા શ્રીહરિજી મહારાજ કેવા મોટા છે ? તો… ‘આત્મા ને અક્ષરાદિકના પ્રેરક છે, સ્વતંત્ર છે, નિયંતા છે, સકળ ઐશ્વર્ય સંપન્ન છે, પર થકી પર એવું જે અક્ષર તે થકી પણ પર છે.’ વળી, જેને અક્ષરધામના મુક્તો આઠો જામ અખંડ જોઈ રહ્યા છે, અતિ દીનઆધીન થઈને નિત્ય શીશ નમાવે છે. - આવા મોટા મહારાજની આવી મોટાઈ જાણી હોય તો પોતાની મોટપ અર્થાત્ અહંકાર ટકી શકે નહી; એમની સાથે કે એમના પ્યારા સાથે અહંજન્ય ધોખો થવા ન પામે. એમની આગળ હું કાંઈ જ નથી એમ સહેજે દીન-આધીન રહેવાય.

શ્રીહરિ વચ. લોયા-૧૭માં કહે છે કે, ‘મુંબઈનો ગવર્નર સાહેબ ખુરશી નાંખીને બેઠો હોય ને તેની સભામાં કોઈ ગરીબ માણસ જાય ને તેને ખુરશી ન નાંખી દે ને આદર કોઈ ન કરે, ત્યારે કાંઈ એને તે ઇંગ્રેજ ઉપર ધોખો થાય છે ? ને કોઈ તેને ગાળ દીધાનું મનમાં થાય છે ? લેશમાત્ર પણ થતું નથી. શા માટે જે, એ ઇંગ્રેજની મોટાઈ જાણી જે, ‘એ તો મુલકનો પાદશાહ છે ને હું તો કંગાલ છું’; એવું જાણીને ધોખો થાય નહીં. તેમ જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તોપણ ધોખો થાય નહિ અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહીં.’ આમ, પ્રભુ અને પ્રભુપ્યારાની મોટાઈ સામે આપણને પોતાનું કંગાલપણું - દીનઆધીનપણું યાદ રહે તો અહંકારથી બચી શકાય.

સાર : આ લોકમાં આપણે (૧) શારીરિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ દયનીય દશામાં પીડાતા દર્દી હોઈએ; (૨) ધનસંપત્તિની દૃષ્ટિએ દરિદ્રી અને દેણદાર હોઈએ; (૩) સ્થિતિ, હોદ્દો, સત્તા વગેરેની દૃષ્ટિએ દુર્બળ અર્થાત્ બળરહિત હોઈએ; (૪) વ્યક્તિત્વની દૃષ્ટિએ દોષિત એવા ગુનેગાર હોઈએ; વળી (૫) લેવલની દૃષ્ટિએ દીનઆધીન-બીજાને આધારે જીવતા હોઈએ; તો કેમ રહીએ ? આવી અવસ્થામાં અહંકાર રાખી શકીએ ખરા ? ના. તો પછી સંતો-ભક્તો પાસે શા માટે રાખીએ છીએ ? આપણો દાસ રહેવાનો મૂળભૂત ધર્મ-સ્વધર્મ ભૂલી ગયા છીએ એટલે જ...