
પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૪/૦૩/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન
વહાલા ભક્તો ! આપણે પોતાને આ ત્રણ શરીરથી અલગ આત્મા માની, બ્રહ્મરૂપ થઈ પોતાના સ્વરૂપમાં પરમાત્માને ધારવાના છે. આપણે આવું ભજન કરીએ, સ્મરણ કરીએ; એ વહાલા મહારાજને બહુ ગમે છે.
આખા વચનામૃતનો સાર બે શબ્દોમાં જો આપણે પકડવો હોય તો આ બેના ઉપર જ ભાર છે. આપણે આપણા સ્વરૂપને ઓળખતા નથી અને આપણા કારણ એવા વહાલા વહાલા મહારાજને પણ ઓળખતા નથી; પરિણામે સંસૃતિમાં ભમીએ છીએ, દુ:ખી રહીએ છીએ, કામ-ક્રોધ-લોભ પીડે છે, પંચવિષયની વાસના ટળતી નથી.
આપણને ખબર હોવી જોઈએ કે, ‘હું ગૃહસ્થ કે ત્યાગી નથી. હું આત્મા છું, બ્રહ્મ છું. હું પુરુષ નથી, સ્ત્રી નથી, બાળક નથી, યુવાન નથી, વૃદ્ધ નથી. હું બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, વૈશ્ય નથી, શુદ્ર નથી. હું ચૈતન્ય છું, દેહથી અલગ છું, દેહ મારાથી સર્વથા અલગ છે. હું અમર છું, દેહ મરે છે. હું અજન્મા, આદિ અનાદિ કાળથી છું, દેહ જન્મે છે. હું પ્રકાશરૂપ છું, દેહ અંધકારરૂપ છે. હું ચૈતન્યરૂપ છું, દેહ જડ છે. હું સુખરૂપ છું, દેહ દુ:ખરૂપ છે. હું પવિત્ર છું, દેહ અપવિત્ર છે.
આમ, બન્નેના ગુણધર્મો જુદા જ હોવાથી હું આત્મા શરીરથી સર્વથા અલગ તત્ત્વ છું, છતાં અજ્ઞાને કરીને આ દેહને હું માનીને બેસી ગયો છું. મારું માનીને મેં આને ખરેખર મમતાથી પકડી રાખ્યું છે. બાકી મારે અને આ શરીરને કાંઈ નાવા-નિચોવવાનું નથી. હું આનાથી સંપૂર્ણ પર છું, શ્રીહરિને રહેવાનું ઘર છું, બ્રહ્મ છું, શુદ્ધ છું અને ભગવાન પૂર્ણ પુરુષોત્તમનારાયણ મારા આકારરહિત, તેજોમય સ્વરૂપમાં સાકારપણે સદા વિરાજમાન છે. એ સર્વકર્તા-હર્તા છે, પ્રકાશક છે, ધારક છે, પ્રેરક છે, નિયંતા છે, સુખદાતા છે, સ્વામી છે. મારું સર્વસ્વ એ મૂર્તિ છે. હું એને માટે છું. વળી એનો જ છું, હતો અને રહીશ. એને અને મારે આવો સદાને માટે સંબંધ છે. આ વાતને આપણે દૃઢ કરવી પડશે.
મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર દ્વારા થતા ભાવો તથા વિચારો હું નથી. હું એનાથી પર છું. વળી, એ ઘાટ-સંકલ્પો જેમાંથી ઉદ્ભવે છે એવું બીજરૂપ અને જીવ સાથે એકરસપણાને પામી ગયેલું કારણશરીર, તે પણ હું નથી. મારે આકાર નથી એટલે આ દેહ હું નથી. મારે કોઈ ઘાટ-સંકલ્પો નથી એટલે સૂક્ષ્મશરીર હું નથી. મારે કોઈ રાગ નથી, કોઈ ઇચ્છા નથી, કોઈ અજ્ઞાન નથી, એટલે કે મારે કારણશરીર નથી.
આ શરીર ક્ષેત્ર છે અને એ ક્ષેત્રને જાણનાર આત્મા ક્ષેત્રજ્ઞ અને ચૈતન્યરૂપ છે. આ અંત:કરણ આડા અવળા ઘાટ-સંકલ્પો કરે છે, હું નથી કરતો. હું તો એનાથી જુદો છું, શુદ્ધ છું, પવિત્ર છું. મારે ઇન્દ્રિયોય નથી, કોઈ ઘાટ-સંકલ્પય નથી. હું આનાથી અલગ છું. આ તો બધા મારા દુશ્મન છે, માટે હે પ્રભુ ! એ થકી મારી રક્ષા કરજો; એમ નિરંતર પ્રાર્થના કર્યા કરવી. ભગવાને પોતે આપણને દયા કરીને આ વિચાર શીખવાડયો છે. શરીરથી છૂટા પડવાનો, બ્રહ્મરૂપે થવાનો અને ભગવાનને ઉપાસવાનો આ જ ઉપાય છે.
વહાલા ભક્તો ! શ્વાસ શરૂ છે તો સ્મરણ શરૂ રહેવું જોઈએ. શ્વાસ અને સ્મરણ એક થઈ જવું જોઈએ. શ્વાસ નહિ તો સ્મરણ નહીં, એટલું ભજનમાં આપણે તીવ્રપણે જોડાવું ઘટે છે; નહિતર ટેવ નહિ પડે.
અખંડ વૃત્તિ સિદ્ધ કર્યા વિના મૂર્તિ સિદ્ધ થાય નહીં. એ મૂર્તિ સિદ્ધ કરવા માટે હું અને તમે જન્મ્યા છીએ. બીજું કાંઈ કરવા માટે આપણો જન્મ નથી. મરી જઈએ પછી કલ્યાણ થશે, ભગવાન તેડવા આવશે આ વાયદો છે; અને છતે દેહે આત્મામાં પરમાત્મા દેખાવા માંડે એ રોકડું કલ્યાણ છે. રોકડામાં પ્રેમ રાખવો, વાયદામાં નહીં. મરી જવાથી નહિ, પણ મૂર્તિ સિદ્ધ થઈ ગઈ તો જીવતા હોવા છતાંય કલ્યાણ થઈ ગયું છે, એ કન્ફર્મ માનવું.