પામવું છે કે પસ્તાવું છે..?

પામવું છે કે પસ્તાવું છે..?
June 1, 2026
સંકીર્તનદાસજી સ્વામી - કુંડળધામ

અક્ષય : ચાલો, વી વ્રત કરી લઈશું ?

રાજુભાઈ : હા, હા, કેમ નહીં ?

મિહિરભાઈ : ચાલો, આજે કોના ગુણો ગાઈને મહારાજને રાજી કરીશું ?

હિરેન : હું કહું મિહિરભાઈ ? રોજે તો આપણે પાંચેય જણા અલગ-અલગ સંતો-ભક્તોના ગુણો સંભારીએ જ છીએ. આજે હરિઇચ્છાથી આપણો એક ભાઈ થોડા દિવસ સેવા માટે કુંડળ ગયો છે, તો આપણે ચારેય મળીને તેના જ ગુણો સંભારીએ તો ?

રાજુભાઈ : બહુ સારો આઇડિયા છે હિરેન. કેમ મિહિરભાઈ ?

મિહિરભાઈ : હા, હા, બહુ સરસ. સૌથી પહેલાં તો પિયુષનો ઊડીને આંખે વળગે એવો ગુણ હોય તો તે છે, “સૌમાં દિવ્યતા.” સત્સંગમાં જોઇન્ટ થયા એને હજી તો સાતેક વર્ષ થયા, પણ આટલા વર્ષમાં એના અખંડ આનંદી મુખમાંથી એણે ક્યારેય કોઈની નેગેટિવ વાત કરી હોય તેવું તો એક પણ વાર જોયું જ નથી. અને આપણને સૌને ખબર છે વી વ્રતમાં સૌથી વધુ પોઝિટિવ પ્રસંગો તે જ કહેતો હોય છે.

રાજુભાઈ : સાચું હો મિહિરભાઈ, પિયુષ આપણા પાંચેય પોષકલીડરોમાં નાનો છે; પણ તેની શ્રદ્ધા, મહિમા, દાસત્વ સૌને સ્પર્શી જાય એવાં છે.

અક્ષય : મને તો અનુભવ છે, પૂ.ગુરુજીએ આપણને સૌને મોબાઇલ રૂપી રાક્ષસથી બચાવવા જે દિવસથી આ દંડવત, પ્રદક્ષિણા વગેરે પ્રકલ્પો આપ્યા છે, તે દિવસથી ઓછામાં ઓછા હજાર દંડવત અને બે કલાક ધ્યાન તો પાકે પાયે કરે છે. ખબર નહિ, ક્યારે એ ટાઇમ કાઢી લે છે ?

હિરેન : મિહિરભાઈ, અમે ડેઈલી રીપોર્ટિંગ કરીએ છીએ એટલે મને ખ્યાલ છે કે, છેલ્લા દસ મહિનાથી સવારની પૂજા, મંગળા અને કથા એકદમ એકાગ્રતાથી થઈ શકે માત્ર એટલે જ તે સાંજે જમતો નથી. વળી, આ પ્રકલ્પો ઉપરાંત તેને સંતોએ આપેલા વાંચન, ચેષ્ટા અને ૧૫ મિનિટ ઉપકારો વિચારવા વગેરે નિયમો તો વર્ષોથી ચાલુ જ છે.

અક્ષય : ફક્ત સંતોએ આપેલા જ નહીં, એક દિવસ તો મને પણ ઉમંગ આવતાં મેં તેને નિયમ આપેલો કે, જમતાં જમતાં જો ભગવાન ભુલાય તો હવે નવું નહિ લેવાનું. પણ ખરેખર, આજે ચારેક વર્ષ થયા હશે તે નિયમ તેણે હજી છોડ્યો નથી.

રાજુભાઈ : મને તો એની એ બાબત વધુ સ્પર્શે છે કે આ બધું આપણા કરતાં તે વિશેષ કરતો હોવા છતાં ક્યારેય તેનાં વાણી-વર્તનમાં તેનો છક નથી દેખાતો. એની સ્કિલ અને શ્રદ્ધાને કારણે વડીલો તેને સૌથી વધુ ભીડાવાળી સેવા આપે છે, છતાં ક્યારેય કોઈ સાથે ઊંચા અવાજે બોલ્યો હોય, કે તેને કોઈ સાથે ઈર્ષા કે અભાવ થયાં હોય તેવું રંચેય જોવા નથી મળતું.

મિહિરભાઈ : એવું તો નહીં જ, પણ બરોબરિયા તરફથી પણ તેને ક્યારેક અપમાન કે કસણી મળે, તેમાં પણ તેણે હંમેશાં પોતાની જ ભૂલ વિચારી છે.

હિરેન : અને બીજાની ભૂલને ભૂલી જવામાં તો એક્કો હો !

અક્ષય : એટલું જ નહીં, મેં તો બીજા યુવકોની ભૂલ બદલ પણ તેને વડીલો કે સંતો પાસે માફી માંગતા ઘણી વાર જોયો છે.

રાજુભાઈ : અને આજે તેની નીચે જે યુવકો છે તેનો સત્સંગ પણ દિવસે દિવસે ખૂબ વધી રહ્યો છે. બધા યુવકોને તેનાથી ખૂબ જ પોષણ મળે છે.

હિરેન : રાજુભાઈ ! હંમેશાં મારી સાથે ને સાથે જ રહેતો હોવા છતાં, પિયુષનું આ દિવ્ય જીવન ખરેખર મારી ધારણા બહાર જ નીકળ્યું.

અક્ષર : સાચું, જુઓને આ અડધો કલાક થઈ ગયો, પણ હજી તેના ગુણોનો અંત જ આવતો નથી. ખરેખર, પિયુષભાઈએ ટૂંક સમયમાં ખૂબ જ રાજીપો કમાઈ લીધો.

મિહિરભાઈ : (થોડીવાર મૌન રહીને ) મને લાગે છે કે વહાલા મહારાજે આપણા લક્ષ્યને રીચાર્જ કરવા જ આવું પાત્ર આપણને આપ્યું છે. હું અને તમે વર્ષોથી પોષકલીડર થઈને ઘણાને મહિમા, શ્રદ્ધા, દિવ્યતા વધારવાની વાતો કરીએ છીએ, પણ પિયુષનું જીવન જોતાં મારે તો એ હજી ઘણું ખૂટતું હોય એવું લાગે છે.

વહાલા ભાઈઓ, પિયુષ આપણાથી નાનો છે, નવો છે; એટલે સત્સંગની મર્યાદા પ્રમાણે તે આપણને પૂછીને કરે, મોટા માને; પણ ખરેખર મહારાજે કહ્યું છે કે જેની સમજણ મોટી તે જ મોટો. જે ગુરુજી, સંતો, ભક્તો અને કથા-વાર્તા વગેરેનો યોગ પિયુષને મળ્યો છે, તે જ આપણને પણ મળ્યો છે; છતાં નથી લાગતું કે, તે આપણા કરતાં ઘણી વધુ સ્પીડથી આગળ વધી રહ્યો છે ?

હિરેન : હા, લાગે તો છે; પણ સ્પીડ વધારવા શું કરી શકાય ? ક્યાં અટકીએ છીએ ?

રાજુભાઈ : આવો જ પ્રશ્ન મેં શિબિરમાં સંતોને પૂછ્યો હતો, ત્યારે મને સંતોએ શીખવાડ્યું હતું કે, આ સત્સંગમાં કોઈના જેવા કે કોઈથી સારા થવા કરતાં જે સારા હોય તેને મારા માની, દિલથી મોટા માની તેનાથી અતિ પ્રભાવિત રહીશું, તો ચોક્કસ મહારાજના અતિ વહાલા બની જઈશું. અને પછી એક દોહો પણ કહ્યો હતો —

જે જન પર ગુણ જોઈને, અતિ પ્રભાવિત થાય;
જ્ઞાન તે ગુણ તેનામાં, તરત જ આવી જાય.

મિહિરભાઈ : અતિ પ્રભાવિત થાવું એ ઉપાય તો ખરો જ, પણ આ ઉપરાંત મને એક ખોટ પણ જણાય છે. એ છે “સંતોષ.”

યાદ કરો, હું અને તમે જ્યારે નવા હતા, નાના હતા ત્યારે જે મહિમા, દિવ્યતા, ત્વરા હતી તેવી આજે છે ?

આ સત્સંગમાં સેવા કરતાં બે કામ સારાં થયાં, બે ગુણો આવ્યા, સૌનો રાજીપો મળ્યો, ધંધા-પાણી સારા ચાલવાથી થોડી દૈહિક સુખ-સગવડતા મળી, થોડા વ્યક્તિઓના લીડરની પદવી મળતાં તેમના તરફથી આદર-માન પ્રાપ્ત થયાં. વળી, મહારાજ અને સંતો-ભક્તોની કૃપાથી આંતરિક શાંતિ મળી. બસ, આટલાથી જ જાણે ભગવાન મળી ગયા હોય તેવો સંતોષ થઈ ગયો છે.

ખરેખર વિચારીએ તો આ બધું મળવાથી જ ભગવાનને જલ્દીમાં જલ્દી પામી જવાની વાત વીસરાઈ ગઈ છે. જ્યારે આપણા પિયુષભાઈમાં હજી આ તમન્ના રોજ રોજ તીવ્ર થતી દેખાય છે; તે જ તેમની પ્રગતિનું પ્રબળ પાસું છે. મહારાજે કૃપા કરીને તેમને પામવા માટેનો ઉત્તમમાં ઉત્તમ યોગ આપણને સૌને આપ્યો જ છે, પરંતુ હવે તેનો લાભ લઈ જલ્દીમાં જલ્દી ભગવાનને પામવું છે કે પસ્તાવું છે ? તે આપણે નક્કી કરવાનું છે.