લોભ

લોભ
October 1, 2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ

નંદરાજાએ આખી પૃથ્વીનું દ્રવ્ય ભેગું કર્યું હતું. કોઈની પાસે દ્રવ્ય રહી ગયું છે કે નહિ ? તેની ખાતરી કરવા તેમણે એક દમડે ઊંટ વેચવા કાઢ્યો, પણ ઊંટ લેવા માટે એક દમડી પણ કોઈની પાસે નહોતી. એક મુસલમાનબાઈના દીકરાએ એની મા પાસે વેન લીધું કે, ‘મા, મને ઊંટ લાવી દે ! એક દમડીમાં વેચાય છે.’

એની માએ કહ્યું, ‘બેટા, નંદરાજાએ કોઈની પાસે એક દમડી પણ ક્યાં રહેવા દીધી છે ? પણ સાંભળ, તારો બાપ મરી ગયો તેની કબરમાં એક દમડી મૂકેલ છે. તે તું ખોદીને લઈ આવ.’ છોકરો કબર ખોદીને દમડી લઈ આવ્યો અને ઊંટ ખરીદ્યો.

નંદરાજાને ખબર પડી કે, ‘મુસલમાનબાઈના છોકરે ઊંટ ખરીદ્યો.’ નંદરાજાને થયું કે, ‘આ છોકરો દમડી લાવ્યો ક્યાંથી ?’ તપાસ કરતાં ખબર પડી કે એના બાપની કબરમાંથી દમડી કાઢી છે. નંદરાજાએ હુકમ કર્યો કે, ‘બધી કબરો ખોદીને દ્રવ્ય કાઢી લ્યો.’

નંદરાજા પાસે વરાહ ભગવાનનું હાડકું હતું. તેને લઈને તે દરિયામાં જાય, એટલે પાણીમાં રસ્તો થઈ જાય. પછી તે બધું દ્રવ્ય દરિયામાં મૂકી આવે. આમ, દરિયામાં ખજાનો કર્યો હતો. આ હાડકાને પોતાની પૂજામાં એક ડાબલીમાં મૂકીને જીવની જેમ તેને સાચવે. કોઈ આ વાત જાણે નહીં.

નારદજીને થયું કે, ‘આણે તો ભૂંડી કરી, દ્રવ્ય વગર જગતનો વ્યવહાર કેમ ચાલશે ? કંઈક ઉપાય શોધીએ.’ નારદજી નંદરાજાની રાણી પાસે ગયા અને કહ્યું, ‘નંદરાજાને તમારા ઉપર કેવું હેત ?’ રાણીએ કહ્યું, ‘રાજાને ખૂબ જ હેત છે.’ નારદજીએ કહ્યું, ‘ખોટું, તમારી મરી ગયેલી શોક ઉપર જ તેમને હેત છે. તેનું હાડકું રાજા હજુ પોતાની પૂજામાં રાખીને પૂજે છે.’ આટલી વાત કરી નારદજી તો ગયા.

રાણીને આ વાત સાંભળીને થયું કે, ‘મારી શોક મરી ગઈ છે, છતાં રાજા તેનું હાડકું પૂજે છે અને મારા ઉપર ખોટું હેત દેખાડે છે.’ પછી રાણીએ રાજાની પૂજા ખોલીને જોયું તો હાડકું જોયું, તેથી તેને નારદજીની વાત સાચી લાગી. પછી તે હાડકું સાંજે કઢી બનાવી તેમાં વાટીને નાંખી દીધું.

સવારે રાજાએ પૂજામાં પેલી ડાબલી ખોલી, ત્યાં તો ખાલી ભાળી તેમને ફાળ પડી. તેમણે રાણીને પૂછ્યું, ‘આમાં હતું તે ક્યાં ગયું ?’ રાણીએ રીસમાં કહ્યું, ‘ઓલી મરી ગયેલીનું હાડકું તમે પૂજતા હતા ને ?’ રાજાએ કહ્યું, ‘પહેલાં બતાવ તો ખરી કે તેં મૂક્યું છે ક્યાં ?’ રાણીએ કહ્યું, ‘એ તો કાલે સાંજે તમે કઢી જમ્યા તેની સાથે જમી ગયા.’ ‘એટલે ?’ ‘એટલે કે, મેં તે હાડકું વાટીને કઢીમાં નાંખી દીધું છે !’ આ સાંભળીને નંદરાજાને હૈયામાં આઘાત લાગ્યો અને તરત જ મરી ગયા. દ્રવ્ય બધું દરિયામાં રહી ગયું.

વહાલા ભક્તો ! લોભે કરીને ગમે તેટલું ધન ભેગું કરીશું, પણ આખરે તે જ મોતનું કારણ બનશે; માટે ભગવાન અને સંતને અર્થે જેટલું વાપર્યું તેટલું કામનું, બાકી તો બધું મૂકીને જવાનું છે. ડાહ્યો એને કહેવાય કે આ દેહે કરીને કલ્યાણનું કામ કરી લે.