કુરાજીપો જોઈએ કે રાજીપો ?

February 1, 2026
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

આધ્યાત્મિક માર્ગમાં રાજીપો એ બહુ મોટી ચીજ છે. જેને જેને ભગવાન કે મોટા પુરુષનો રાજીપો મળ્યો છે; તે એમની આજ્ઞામાં રહેવાથી અને એમની મરજીમાં ભળવાથી મળ્યો છે, પણ જીવની અવળાઈ એ છે કે રાજીપાની તક મળે ત્યારે એ મરજીમાં ભળી શકતો નથી ને મનધાર્યું કરી રાજીપાને બદલે કુરાજીપો મેળવે છે. પરિણામે સહજમાં મળતો રાજીપો ખોઈ બેસે છે.

ગઢપુરમાં શ્રીજીમહારાજ ગોપીનાથજીનું મંદિર કરાવતા હતા. સંતો-ભક્તો જાતે મંદિરના બાંધકામમાં તનતોડ સેવા કરતા હતા. સેવા કરનારા ઉપર રાજી થઈ મહારાજ તેમને ભેટતા, જમાડતા. આજુબાજુના ગામના હરિભક્તો પણ મહિમા જાણી રસોઈઓ આપવા આવતા.

એકવાર સારંગપુર નજીકના એક ગામના હરિભક્તોએ વિચાર કર્યો કે, ગઢપુર આજુબાજુના ગામના ભક્તો મહારાજ અને સંતોને રસોઈઓ આપવા જાય છે, તો આપણે પણ ભેગા મળી રસોઈ આપવા જઈએ. આપણે સારામાં સારી મોતૈયા-જલેબીની રસોઈ આપવી છે. આ પ્રમાણે નક્કી કરી બધા ભક્તોએ પોતપોતાની શક્તિ પ્રમાણે રૂપિયા આપ્યા, ને એક દિવસ બધા ભેળા મળી ગઢડે રસોઈ આપવા આવ્યા.

ત્યારે શ્રીજીમહારાજ કહેે, “તમારી મરજી મુજબ કરવું છે કે અમે કહીએ તેમ કરવું છે ?” ત્યારે હરિભક્તો કહે કે, “મહારાજ ! અમારે તો આપને રાજી કરવા છે, જેમ આપ રાજી થાઓ તેમ કરવું છે.” ત્યારે મહારાજ કહે, “જુઓ ભક્તો ! તમે આ રૂપિયા આપ્યા તેમાંથી અડધા રૂપિયાના અડદ લઈએ ને અડધા રૂપિયાના ઘઉં ને બાજરી લઈએ; એટલે જ્યાં સુધી તે પહોંચે ત્યાં સુધી તમારી રસોઈ કહેવાય. અને એમાં અમે ખૂબ રાજી થશું ને તમારી મોતૈયા-જલેબીની રસોઈ માની લેશું.” હરિભક્તો કહેે, “ભલે મહારાજ ! જેવી આપની મરજી, અમારે તો આપને રાજી કરવા છે.”

તે વખતે સાથે આવેલ એક બ્રાહ્મણ બોલ્યો, “ના મહારાજ, એમ નહિ થાય. અમારે તો મોતૈયા-જલેબીની જ રસોઈ કરાવવી છે. હરિભક્તો ભલે હા પાડે પણ હું ના પાડું છું, તે વાત નહિ બને. રસોઈ કરાવવી હોય તો મોતૈયા-જલેબીની કરાવો, નહિ તો અમારા રૂપિયા પાછા લઈ જઈશું.”

ત્યારે મહારાજે જરા નારાજગી બતાવતાં કહ્યું, “ભૂદેવ ! આ તમારો અડધો રૂપિયો લઈ લ્યો અને તેમાંથી મોતૈયા-જલેબીની રસોઈ કરાવો.” મહારાજનું આવું વચન સાંભળી તે બ્રાહ્મણ ઘણો શરમાઈ ગયો. કાંઈ પણ બોલ્યા વગર છાનોમાનો તેનો અડધો રૂપિયો લઈને સભામાં બેસી ગયો.

પછી તે બ્રાહ્મણ સિવાયના બધા હરિભક્તોના રૂપિયા મહારાજે પાછા લીધા ને પ્રથમ કહ્યું હતું તે પ્રમાણે તે રૂપિયામાંથી અડદ, બાજરી, ઘઉં વગેરે લઈને સંતોના ઉપયોગમાં વાપર્યા ને તે હરિભક્તો ઉપર બહુ જ રાજી થયા. પણ પેલા બ્રાહ્મણનો અડધો રૂપિયો મહારાજે રાખ્યો નહિ ને તેના ઉપર કચવાઈ ગયા; તેનું કારણ તે બ્રાહ્મણ મહારાજની મરજીમાં ભળ્યો નહિ ને મનધાર્યું કરવા ગયો. પછી કહેવાય છે કે તે બ્રાહ્મણના કુળમાં કાયમ સાધારણ સ્થિતિ જ રહી હતી.