ગુરુપૂર્ણિમા...

ગુરુપૂર્ણિમા...
July 1, 2021
પ્રત્યક્ષસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા... ભગવાન વેદવ્યાસની જન્મજયંતિ... આધ્યાત્મિક માર્ગમાં આ ગુરુપૂર્ણિમાના પર્વનું અત્યંત મહત્ત્વ છે. કેમ જે, પુરુષોત્તમનારાયણની પ્રાપ્તિમાં પુરુષોત્તમનારાયણ પછી બીજા જ નંબરે સહુથી મહત્ત્વની ભૂમિકા ગુરુની છે. ગુરુની મદદ અને કૃપા વગર શ્રીહરિની પ્રાપ્તિ થવી અશક્યવત્ છે કેમ જે, શ્રીહરિની શક્તિ એવી માયા ખૂબ જ સમર્થ અને બહુરૂપી છે. પ્રભુને પ્રાપ્ત કરવા નીકળેલા મુમુક્ષુને તે અનેક રૂપે, અનેક પ્રકારે વિઘ્ન કરે છે. ભલભલા તપસ્વી, જ્ઞાની કે ભક્તિનિષ્ઠ મહાપુરુષો પણ ગુરુકૃપાના અભાવે માયાનાં સાત્ત્વિક રૂપોને ઓળખી શક્યા નથી, તેથી માયામાં ફસાઈ ગયા છે.

ગુરુની કૃપાથી સહજપણે પરમાત્માને પામી ચૂક્યા હોય એવા મુમુક્ષુઓના આજ સુધીના અનેક દાખલાઓ છે. જેમાંના આરુણી, ઉપમન્યુ વગેરે કેટલાક ગુરુનિષ્ઠ ભક્તોનાં આખ્યાનો તો ખૂબ પ્રસિદ્ધ છે. એમનાં આખ્યાનો જોતાં- વિચારતાં પ્રભુને પ્રાપ્ત કરવાની બાબતમાં ગુરુનું મહત્ત્વ અને અગત્યતા તરત સમજાઈ જાય એમ છે.

જોકે આધ્યાત્મિક માર્ગે ચાલેલા પ્રાય: સર્વે મુમુક્ષુઓ કોઈને કોઈ સત્પુરુષને ગુરુ તરીકે સ્વીકારતા તો હોય જ છે, પરંતુ તે સ્વીકાર કરવામાં પણ ઘણોક ફેર રહી જતો હોય છે. ઘણી વાર આપણે કહેવા માત્ર ગુરુ ધારણ કર્યા હોય છે. પરંતુ ગુરુનાં આજ્ઞા-વચનોને યથાર્થપણે માનતા હોતા નથી. કદાચ માનતા હોઈએ તોપણ આપણી રુચિ કે સાનુકૂળતા હોય એટલી જ આજ્ઞાઓ પાળતા હોઈએ છીએ અને એટલું જ અંતર રાખીને ગુરુ સાથેના સંબંધો જાળવતા હોઈએ છીએ. આવા ગુરુ સ્વીકારવાથી વિશેષ કોઈ ફાયદો થતો નથી.

એક સંશોધનની દૃષ્ટિએ જોઈએ તો કોઈ સમર્થ ગુરુને અનેક શિષ્યો હોવા છતાં તે તમામ શિષ્યો એકસરખા જ ગુરુના કૃપાપાત્ર હોતા નથી અથવા તો તે તમામ શિષ્યો એકસરખા જ ગુરુની આધ્યાત્મિક સંપત્તિના વારસદાર હોતા નથી. કેમ જે, તે તમામ શિષ્યોએ પોતાના ગુરુને ગુરુ તરીકે તો સ્વીકાર્યા હોય છે પરંતુ તેમની આજ્ઞા, મરજી, સેવા, અનુવૃત્તિ વગેરે પાળવામાં ઘણોક તફાવત રહી જતો હોય છે. તેથી જ એક જ ગુરુના તમામ શિષ્યોમાં એકસરખું પરિણામ જોવા મળતું નથી. શ્રીહરિચરિત્રામૃતસાગરના પૂર-૪ તરંગ-૧૯માં ઈંગોરાળા ગામમાં લુણા ખાચરને ઘેર સંધ્યાસમયે શ્રીહરિ કહે છે,

सोरठा :
तन मन हि साच, हमकुं नहीं कोउ देत हे ।
तिनमें रहत हे काच, जिव जिव गन तू जत नहीं ।।

શ્રીહરિના આ વચન પ્રમાણે કદાચ આપણે કોઈ સત્પુરુષને ગુરુ તરીકે સ્વીકાર્યા હોય પરંતુ આપણાં તન અને મન તેમને સંપૂર્ણપણે સોંપી રાખ્યાં ન હોય તો આપણામાં ઘણી જ કચાશ રહી જાય છે. મહારાજ અને મોટા તો આપણને પૂર્ણ શુદ્ધ કરીને પોતાનો અમાપ આનંદ આપવા ઈચ્છે છે. પરંતુ આપણે શૂરવીર થઈને આપણાં તન-મન તેમને સોંપતા નથી. અર્થાત્ આપણી રુચિ-પ્રકૃતિ મરડાય કે માન-સ્વમાનને ઘસારો આવે એટલે તરત આપણે આઘા-પાછા થઈ જઈએ છીએ. મોટાને સંપૂર્ણ છૂટ આપીને આપણું ઘડતર કરવા દેતા નથી. જો હિંમત કરીને એકવાર તેમને સાચા થઈને સોંપાઈ જઈએ, તેમાં કોઈ જ શરત કે ફરિયાદો ન કરીએ તો ગુરુ આપણને જરૂર પ્રભુના અતિ પ્યારા પાત્ર બનાવી દે કસરમાત્ર આપણી ઢીલાશને કારણે રહી જાય છે.

આ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે આવી આપણી કસરો ટાળી ગુરુને સંપૂર્ણપણે સોંપાઈએ અને જે કોઈ આપણને પ્રભુપ્રાપ્તિમાં મદદરૂપ થાય એમ હોય એવા ગુરુતુલ્ય ગુરુભાઈઓને પણ બિનશરતી સોંપાઈએ તો ઝટ પ્રભુને પામી જવાશે.

હે વહાલા મહારાજ ! આ ગુરુપૂર્ણિમાના પાવન પર્વે અમ સહુ પર એવી કૃપા કરજો કે અમે સાચા અર્થમાં શિષ્ય થઈ શકીએ, અમારાં મન-માનને મારીને બિનશરતી સંપૂર્ણ સમર્પણ કરી શકીએ...!!