ધ્યાન-સ્મરણ-૪

ધ્યાન-સ્મરણ-૪
March 1, 2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

ધ્યાન એટલે ધ્યેય સ્વરૂપનું ચિંતન કરવું. તે ચિંતન ઘડી, બે ઘડી, એક-બે દિવસ, એક-બે વર્ષ સુધી જ નહિ, પરંતુ તેલની ધારની જેમ સતત ચિંતન કરતા રહેવાનું છે. ફક્ત આ એક જન્મ પૂરતું નહિ, પણ આ દેહ અને દુનિયાનો ત્યાગ કર્યા પછી ભગવાનના ધામમાં જઈને પણ અખંડ ભગવાનનું ચિંતન કર્યા જ કરવાનું છે.

શ્રીહરિનું ચિંતન કરવામાં આપણી બે પ્રકારની ભૂલ થાય છે. તેને સ્વામિનારાયણ ભગવાને વચનામૃત પ્રથમ પ્રકરણના ૨૨માં ઓળખાવી છે. તેમાં પ્રથમ ભૂલ એ કે જ્યારે ધર્મકુંવરનું ધ્યાન કરવા બેસીએ ત્યારે બીજા વિચારો કરીએ છીએ અને બીજી ભૂલ એ કે ધ્યાનમાંથી ઊભા થયા પછી બીજું જ કરીએ છીએ. તેમાં ભગવાનનું અનુસંધાન જાળવી શકતા નથી. આમ આ ભૂલની સાયકલ શરૂ જ રહે છે. ખરેખર તો આ બાબતને તદ્દન ઊલટાવવાની જરૂર છે. જ્યારે ધ્યાન ધરવા બેસીએ ત્યારે સાવધાનીપૂર્વક શ્રીહરિનું જ ચિંતન કરીએ અને બીજી ક્રિયા કરીએ ત્યારે શ્રીહરિના ભજન-સ્મરણને જાળવવાનો અભ્યાસ કરીએ. જો આવું કરીએ તો બંને બાબતમાં ફાયદો થાય. ધ્યાન ધરતી વખતે સારામાં સારું ધ્યાન કર્યું હોવાથી બીજી ક્રિયામાં પણ ભગવાનનું અનુસંધાન જળવાઈ રહે અને બીજી ક્રિયા કરતી વખતે ભગવાનનું ચિંતન ચાલુ રાખવાનો અભ્યાસ કર્યો હોય તો ધ્યાન સારામાં સારું થાય.

ભગવાનનું અખંડ ચિંતન ચાલુ જ રાખવા માટે પ્રગાઢ પ્રેમની જરૂર છે. જ્યાં સુધી એવો પ્રગાઢ પ્રેમ પ્રભુમાં ન થઈ જાય ત્યાં સુધી ભજનના અભ્યાસને જાળવી રાખવાની જરૂર છે. એટલે જ ભગવાન વેદ વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં આવું કહ્યું છે - असकृत् आवृत्ति: શ્રીહરિના ચિંતનનું આવર્તન ચાલુ જ રાખવાનું છે. ભક્તિમાર્ગના આચાર્ય નારદજીએ પણ કહ્યું છે કે, अव्यावृतभजनात्વચ્ચે વ્યવધાન વિના અખંડ ભજન કરવાથી ભગવાનમાં પ્રગાઢ પ્રેમ થાય છે. પછી ભગવાન સંભારવા પડતા નથી પણ સાંભર્યા જ કરે છે.

ભગવાનને અખંડ સંભારવાનો અભ્યાસ કેવી કેવી રીતે કરી શકાય ?

આપણા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને તેમના અનુભવી સંતોએ શ્રીહરિને સંભારવાની જે જે રીત બતાવી છે; તેમાંથી અહીં આપણે અમુક જોઈ લઈએ.

શ્રીહરિ સાથે સતત મનમાં વાતો કરવી.

ભગવાન સાથે વાતો કરવાના મુખ્ય ત્રણ પ્રકાર છે.

પહેલો પ્રકાર - શ્રીહરિ સતત મારી સાથે જ છે; એમ માની તેમની સ્તુતિ કરવી. તેમનાં વખાણ કર્યાં કરવાં. તેમણે આપણા માટે જે જે કર્યું છે તેને સંભારી સંભારીને ઋણી બનવું, થેન્ક યૂ કહેવું . જેમ કે, હે પ્રભુ ! તમે મને દરરોજ સવારે કૃપા કરીને જગાડો છો, આપને પામવા માટે એક નવો દિવસ ભેટમાં આપો છો. હે નાથ ! આપે મને આવો દિવ્ય સત્સંગ આપ્યો. આવા શ્રેષ્ઠ સદ્ગુ‌રુ આપ્યા. આપના પ્યારા પરમહંસો અને ભક્તો આપ્યા. રોજ કથા-કીર્તન, ધૂન-ભજનનો લાભ આપો છો; એટલે આપનો અનંત અનંત આભાર. આપે મને કુસંગથી બચાવ્યો, પાપથી બચાવ્યો અને આપનો બનાવ્યો; માટે આપને થેન્ક યૂ થેન્ક યૂ.

બીજો પ્રકાર - પ્રભુને પ્રાર્થના કરતા રહેવું. આપણે ભગવાનને ભૂલી જઈએ તેની માફી માગતા રહેવું. સોરી મહારાજ, હું તમને ભૂલી ગયો હવે નહિ ભૂલું, માફ કરજો. આપણામાં જે કાંઈ દોષ કે ખામી હોય અથવા આજ્ઞા લોપાય તેની માફી માંગવી. હવે આજ્ઞા ન લોપાય તે માટે દિલથી પ્રાર્થના કરતા રહેવું. હે નાથ ! મારે આ જ જન્મે આપને પામવું છે, નિર્દોષ બનવું છે. તે માટે તમે મારા ઉપર એવી કૃપા કરજો કે હું સાચો સત્સંગ કરી શકું. આપને અને મારા ગુરુજીને ખૂબ જ રાજી કરી શકું. તેમાં નડે છે એવા તમામ દોષો ટળી જાય અને આપની આજ્ઞા પાડી શકું, સત્સંગભજન કરી શકું. મારા ગુરુજીને જે જે ગમે છે તે બધું હું અમલમાં લઈને આપનો પ્યારો બની શકું; એવી મારા ઉપર કૃપા કરશો.

ત્રીજો પ્રકાર - સવારે જાગીએ ત્યારથી લઈને સૂઈ જઈએ ત્યાં સુધી જે કાંઈ કરીએ તે બધું ભગવાનને જણાવવું. જેમ કે, ચાલો મહારાજ જલ્દી સ્નાન કરી લઈએ. આજે મહારાજ તમારી પૂજા હું બહુ જ ભાવથી કરીશ હો ને. હે પ્રભુ ! આ વક્તામાં રહીને તમે જ મને સરસ કથા સંભળાવો છો. તમે મને રોજ મારી ભૂલ ઓળખાવો છો અને તેના સારા ઉપાય બતાવો છો. ચાલો મહારાજ ! હવે ઓફિસે જઈએ. જુઓ મહારાજ ! આ એક ભાઈએ હેલ્મેટ પહેર્યો છે, બીજા પહેરતા નથી. તમે મને આવા ગુરુજી ન આપ્યા હોત, તો હું પણ એવો જ હોત. હવે આપને અને મારા ગુરુજીને જે જે ગમે છે એમ જ મારે કરવું છે. મહારાજ ! તમે મને સદ્બુ‌દ્ધિ આપજો અને તમે મારી સાથે રહેજો હો ને. આખા દિવસમાં સુખના કે દુઃખના જે જે વિચારો આવે તે પ્રભુ સાથે શેર કરવા. જેમ આપણાં મમ્મી- પપ્પા કે અંગત મિત્ર સાથે દિલની બધી વાતો કરીએ તેમ ભગવાન સાથે આખા દિવસના બધા વિચારોની વાતો કર્યા કરવી.

શ્રીહરિની સતત રાહ જોવી અને તેમના આગમનની તૈયારી કરતા રહેવું.

શબરીબાઈ તેમના ગુરુદેવના વિશ્વાસે ૮૦ વર્ષ સુધી રામની રાહ જોતાં રહ્યાં અને દરરોજ ભાવથી નવી નવી તૈયારીઓ કરતાં રહ્યાં હતાં. રાહ જોવી એટલે કે હમણાં જ આવશે, આજે આવશે જ; આમ પ્રભુને સંભાર્યા કરવા. તેના માટે તૈયારી કરવી, એટલે કે મહારાજને હું અહીં બેસારીશ, આવું ખવડાવીશ, અહીંયાં સુવડાવીશ; આમ ભગવાનમય રહેવું. આખો દિવસ ઘરમાં અને ઓફિસમાં; મહારાજ તથા તેમના મુક્તો માટે તૈયારી કરતા રહેવું. આ રીતે ભગવાન સંભારતા રહેવાથી છેવટે સ્વયં શ્રીહરિ દર્શન દે છે.

આપણા ઇષ્ટદેવનાં લીલાચરિત્રો સંભાર્યા કરવાં.

આપણે અત્યાર સુધી જે કાંઈ ચરિત્રો વાંચ્યાં કે સાંભળ્યાં હોય તે જાણે અત્યારે જ બની રહ્યું હોય તેમ તાદૃશ ચિંતવ્યા કરવાં. આપણે ૩Dમાં સ્નાનોત્સવ, રંગોત્સવ, રાસોત્સવ વગેરે જે જે લીલાચરિત્રો જોયાં હોય તેને આબેહૂબ સંભાર્યા કરવાં. વહાલા ભક્તો ! આ ધ્યાન-સ્મરણ વર્ષમાં આવી ટેકનિકોનો ઉપયોગ કરતા રહીએ તો આપણું અંતર મહારાજમય રહે. એનાથી ધ્યાન-ભજન અતિ સારું ક્વોલિટીવાળું થાય છે.