ધ્યાન-સ્મરણ : 11

ધ્યાન-સ્મરણ : 11
October 1, 2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ

ધ્યાન-સ્મરણ વર્ષનો આ છેલ્લો લેખ છે. તેમાં ધ્યાન-સ્મરણની છેલ્લી વાત જાણી લઈએ. મારા મતે ધ્યાન-ભજન કરવાની સહેલામાં સહેલી છતાં અતિ ફાયદાકારક રીત છે - વાલમજી સાથે મનોમન વાતો કર્યા કરવી. રોજ વિચારો તો સતત આવ્યા કરતા હોય છે, તે શ્રીહરિને કહ્યા કરવાથી સહેજે જ પ્રભુનું ચિંતન થયા કરે છે.

શ્રીહરિ સાથે કેવી કેવી વાતો કરી શકાય ?

આપણા પ્રિય પ્રભુજી સાથે બધા જ પ્રકારની વાતો કરી શકાય. તેના મુખ્ય બે પ્રકાર છે.

(૧) વ્યાવહારિક (૨) આધ્યાત્મિક

• વ્યાવહારિક વાતોમાં શું શું આવે ?

(૧) દૈનિક ક્રિયા (૨) કેરિયર (૩) ઘરકામ વગેરે બધું

સવારે જાગવાથી રાત્રે સૂઈ જવા સુધી જે જે કરવાનું હોય તે બધી વાત મનમાં મહારાજને કહેવી. જેમ કે, ચાલો મહારાજ ! હવે જલ્દી બ્રશ અને સ્નાન કરી લઈએ. હે વહાલા ! આજ પાણી ગરમ નથી આવતું, રાજી રહેજો. ઓહ..! મંગળા આરતીનો ટાઇમ થઈ ગયો મહારાજ !

આજ એકાદશી છે એટલે ઉપવાસ કરવાનો, રાઇટ મહારાજ ! હું આપને રાજી કરવા ઉપવાસ કરીશ. મહારાજ ! આજે ઓફિસમાં વર્કલોડ વધુ છે. મહારાજ ! આ કામ કેમ કરવું તે મને સૂઝતું નથી, તમે કાંઈક આઇડિયા આપો ને ! ઓહ...૧૦ વાગી ગયા. મહારાજ ! ગુરુજીની આજ્ઞા મુજબ હવે વહેલા સૂઈ જવાનું છે.

મહારાજ ! આ બાળકોને સારા સંસ્કાર આપવા સમય અને સમજ આપવાં જોઈએ, પણ આજ ન આપી શક્યો. કાલે જરૂર આપીશ હો ને પ્રભુ !

આમ, ભણવાવાળાએ ભણવાસંબંધી, ઘરકામ કરનારાએ ઘરસંબંધી અને નોકરી કે ધંધો કરનારાને તેને લગતી બધી વાતો શ્રીહરિ સાથે કર્યા જ કરવી જોઈએ. અર્થાત્ મનમાં જે કાંઈ વિચાર આવે, આપણે જે કાંઈ કરવું જરૂરી હોય; તે બધું પ્રભુને કહ્યા કરવું જોઈએ.

• આધ્યાત્મિક વાતોમાં શું શું આવે ?

(૧) પ્રભુપૂજા, કથાશ્રવણ, ભજનપ્રકલ્પ, સેવા-સત્સંગ, આજ્ઞાપાલન :

આ બધી બાબતોના જેટલા કાંઈ વિચારો આવે તે બધું મહારાજને કહેવું. કેટલું થયું અને કેટલું ન થયું. કેમ ન થયું. હવે શું કરવું - આ બધું શ્રીહરિ સાથે મનોમન ચર્ચતા રહેવુું.

(૨) માફી અને આભારદર્શન :

આખા દિવસમાં જ્યારે જ્યારે કાંઈ ભૂલ પડે, આજ્ઞા લોપાઈ જાય, ભગવાન ભૂલાઈ જાય, દોષો-સ્વભાવો પીડી જાય; ત્યારે મનોમન મહારાજની માફી માગતા રહેવું. હવે એવું ન કરવાની ખાત્રી આપતા રહેવું.

જેટલું કાંઈ સારું થાય, સફળતા મળે, રાજીપો મળે, આજ્ઞા પળે, ભજન થયા કરે અને સારા વિચારો આવે ત્યારે ત્યારે પ્રભુને વારંવાર થેન્ક યૂ કહેવું. વિવિધ રીતે આભાર અભિવ્યક્ત કરવો.

(૩) સ્તુતિ-પ્રાર્થના :

મહારાજ ! તમે કેવા કૃપાળુ છો ! તમે મને રોજ સમયે સુવાડો અને જગાડો છો. હે પિયુ ! તમે કેવા રૂપાળા, સુખાળા અને મસ્તાના છો ! આહા...તમારું મુખ અતિ બ્યુટીફૂલ છે. તમે મારા માટે ધામમાંથી આવ્યા છો. તમારા વહાલા આ સંતો-ભક્તોને સાથે લાવ્યા છો. તમે જ મને તમારો રાજીપો અપાવો છો.

તમે મારા માટે બધું જ કરો છો, પણ તમને ન ગમે તેવા મારામાં ઘણા બધા દોષો છે. હે પ્રભુ ! એ ટળે એવી કૃપા કરજો. આપની આજ્ઞા પળે તેવી દયા કરજો.

(૪) ઉપકારગાન :

હે નાથ ! તમે મને મનુષ્ય બનાવ્યો. આપનો નિશ્ચય અને આશરો આપ્યો. આવા તમારા વહાલા મને ગુરુજી આપ્યા. આ બધો આપનો જ ઉપકાર છે. તમારી કેવળ કૃપાથી જ આ બધું મને મળ્યું છે.

હે ગુરુજી ! તમે મને મહારાજનો રોજ મહિમા સમજાવો છો. ધ્યાન-ભજન કરવાનું બળ પ્રેરો છો. મારી ભૂલ, ખોટ-ખામી ઓળખાવો છો. તેને ટાળવાના ઉપાયો પણ બતાવો છો. હે ગુરુજી ! તમારી કૃપાથી જ હું આટલું ભજન કરી શકું છું. મારામાં આટલો સુધારો થાય છે. ગુરુજી ! મને પ્રભુમાં પ્રેમ વધે અને ધ્યાન-ભજન થાય એવા તમે નવા નવા આલ્બમો આપો છો. હમણાં જ તમે જે ઘનશ્યામ માનસી-૧ આલ્બમ આપ્યું તેનાથી તો મારી માનસીપૂજા સુધરી ગઈ. વળી, હું જે બાબતમાં કાંઈ ઢીલો કે ભૂલો પડ્યો હોઉં તે બાબતની તમે કથામાં વારંવાર ટકોર કરી સાવધાની આપો છો. આવા તો આપના અનંત ઉપકારો છે. તેનું હું કદી ઋણ ચૂકવી શકું તેમ જ નથી.

આવી રીતે મહારાજ અને મુક્તો સાથે વાતો કરતા રહેવાથી સહેજે જ શ્રીહરિનું ચિંતન થયા કરે છે. જેમ આપણી સાથે મમ્મી-પપ્પા કે કોઈ સંત-ભક્ત હોય તેની સાથે વાતો કરીએ; તેમ જ મહારાજ તથા મુક્તોને આત્મામાં કે બહાર પ્રગટ માની મનોમન વાતો કરતા રહેવું જોઈએ. તો ખુલ્લી આંખે સર્વ ક્રિયામાં સતત ધ્યાન થયા કરે.

હે પ્રભુ ! આપનું અખંડ સ્મરણ કે ચિંતન ચાલુ જ રહે તેવી કૃપા કરજો.