ચિઠ્ઠી

ચિઠ્ઠી
June 1, 2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ

એક ગામમાં એક શેઠ રહેતા હતા. શેઠ બહુ જ ઉદાર. તેઓ સાધુ-સંતોની સેવા કરે, દીન-દુ:ખિયાને મદદ કરે. આજુબાજુના ગામોમાં આવેલ મંદિરો, આશ્રમોમાં સીઝન પ્રમાણે વસ્તુ-પદાર્થ મોકલે અને સહુને રાજી કરી આશીર્વાદ મેળવે.

એક વખત બાજુના ગામમાં આવેલ એક આશ્રમમાં એમને શેરડીના વીસ સાંઠા મોકલવા હતા. તે લઈ જવા માટે તેણે એક અભણ માણસને બોલાવ્યો. શેરડી બાબતની વિગત જણાવતી એક ચિઠ્ઠી શેઠે લખી પેલા માણસને આપી, અને તેને આપતાં કહ્યું, “આ સાંઠા ફલાણે ગામ પેલા આશ્રમમાં આપી આવ, હું તને એક રૂપિયો આપીશ.”

માણસે પૂછ્યું, “શેઠ, કેટલા સાંઠા છે ?”

શેઠ કહે, “ત્યાં જઈને તું આ ચિઠ્ઠી આપજે એટલે ચિઠ્ઠી બોલશે કે કેટલા છે !”

પછી તે શેરડી લઈને ચાલ્યો. પાંચ-છ ગાઉ ચાલ્યો એટલે તેને શેરડી ખાવાની ઇચ્છા થઈ. તેણે ચિઠ્ઠી કાઢીને પ્રેમથી પૂછ્યું, “ચિઠ્ઠીબાઈ, આ ભારામાં કેટલા સાંઠા છે ?” ચિઠ્ઠી કાંઈ ન બોલી. ફરીવાર તેણે પૂછ્યું, “બોલને ચિઠ્ઠીબાઈ, મારે શેરડી ખાવી છે.” છતાં ચિઠ્ઠી કંઈ ન બોલી.

ઘણી વાર તેણે પૂછ્યું, છતાં ચિઠ્ઠી કાંઈ ન બોલી, ત્યારે તેનો મગજ ગયો અને ચિઠ્ઠીને તેણે મારી, તોપણ ચિઠ્ઠી મૌન રહી; ત્યારે કંટાળીને તેણે ચિઠ્ઠીને ખીસ્સામાં મૂકી. “તારે ન બોલવું હોય તો કાંઈ નહિ, પણ હું તો શેરડી ખાવાનો.” એમ બબડાટ કરતાં તેણે બે સાંઠા ખાધા. બાકીના સાંઠા લઈને તે આશ્રમમાં પહોંચ્યો અને ત્યાંના મહંતજીને શેરડી અને ચિઠ્ઠી આપી.

મહંતજીએ ચિઠ્ઠી વાંચીને સાંઠા ગણ્યા તો અઢાર થયા. તેમણે પેલા માણસને પૂછ્યું, “અલ્યા, આમાં વીસ સાંઠા હતા અને બે ઓછા કેમ છે ?”

માણસ કહે, “મહંતજી ! તમને કોણે કહ્યું કે આમાં વીસ સાંઠા હતા ?”

મહંતજીએ કહ્યું, “આ ચિઠ્ઠી કહે છે.”

ત્યારે પેલા માણસે કહ્યું, “આ ચિઠ્ઠી તો ખરી છે ! તમારી પાસે બોલી, પણ મારી પાસે કેમ ન બોલી ? મેં તો એને મારી તોય ન બોલી ! શું આ ચિઠ્ઠીને ભણેલા હોય તે જ બોલાવી શકે, અભણ ન બોલાવી શકે ?”

વહાલા ભક્તો ! મહારાજે આપણને વચનામૃતાદિક શાસ્ત્રો આપ્યાં છે. પણ એ આપણને સમજાય નહિ. એને તો કોઈ સત્પુરુષ જ સમજાવી શકે.

શ્રીજીમહારાજે વચનામૃત મધ્યના ૧૩માં કહ્યું છે કે, “ભગવત્સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં. અને સદ્ગ્રંથોમાં આવી વાર્તા તો હોય, પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે, પણ પોતાના બુદ્ધિબળે કરીને સદ્ગ્રંથોમાંથી પણ સમજાતી નથી.”

વહાલા ભક્તો ! સદ્ગ્રંથોમાંથી પણ પોતાની મેળે કાંઈ શીખી શકાતું નથી. ને પોતાની મેળે શીખવા જાય તો ઊલટાનું ઊંધું પડે. એટલા માટે નિત્યપ્રત્યે સાધુનો સમાગમ કરવાનું કહ્યું છે, તો દરરોજ પ્રગટ સત્પુરુષના મુખ થકી કથાવાર્તા સાંભળવી અને આપણામાં રહેલા અજ્ઞાનને ટાળી કલ્યાણનું કામ કરી લેવું.