ચાલો ઘરસભા કરીએ...

ચાલો ઘરસભા કરીએ...
July 1, 2022
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00
  • આપણા ઘરમાં સંપ, શાંતિ અને આત્મીયતા ટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય એટલે : ઘરસભા
  • આપણા ઘરના સભ્યોને મહારાજ, પૂ.ગુરુજી કે સંતોના પ્યારા-વહાલા-લાડલા બનાવવા હોય તો તેનો રામબાણ ઈલાજ એટલે : ઘરસભા
  • પોતાના સંતાનોમાં સંસ્કારનું સિંચન તેમજ આજની પેઢીમાં વડીલોને અનુરૂપ જીવન કરવાનું માર્ગદર્શન એટલે : ઘરસભા

તો ચાલો આપણે કરીએ ઘરસભા….

(ઘરમાં,
બગીચામાં કે ટેરેસ પર જ્યાં બધા સભ્યોને સાનુકૂળ હોય તથા કોઈ વિક્ષેપ થાય તેમ ન હોય ત્યાં ઘરસભા કરવાથી વધુ ફાયદો થાય.)

પૂજન :- આ વીકમાં કે આ મહિનામાં પરિવારમાં કોઈનો જન્મદિવસ આવ્યો હોય કે આવવાનો હોય તેમના દ્વારા અથવા નાનામાં નાના સભ્યએ ઘનશ્યામ મહારાજનું હાર, કંકુ-ચોખા કે ફૂલ વડે મહારાજનું પૂજન કરવું, ત્યારબાદ મહારાજને પ્રસાદ ધરાવવો.

પ્રાર્થના :- જેનો જન્મદિવસ હોય તેમણે અથવા બધા સભ્યોએ ભેગા મળી એક પ્રાર્થનાનું કીર્તન ગાવું. ત્યારબાદ “કરી મહારાજે મોટી મહેર...” અને “એવા ભક્તના લઈએ જો ગુણ...” એ ચોપાઈનું ગાન કરવું.

ત્યારબાદ ઘરના વડીલ સભ્યએ આ મેગેઝિનમાંથી “હરિનાં હિતકારી વચન” લેખ વાંચવો અથવા વંચાવવો.

ત્યારબાદ વાત કરવી કે, હવે આ અષાઢ સુદી દેવશયની એકાદશી એટલે 10 જુલાઈથી ચાતુર્માસ આવે છે, જેને ભક્તિ માસ પણ કહેવામાં આવે છે. આપણે પણ વહાલા મહારાજને તથા પૂ.ગુરુજીને રાજી કરવા માટે કાંઈક નિયમ લેવો જોઈએ એમ ચાતુર્માસમાં ઘરના દરેક સભ્યોને કંઈક નિયમ લેવા બાબતે ટકોર કરવી. તેમાં ખાસ કરીને ઘરના જે સભ્યો મંગળા અને સવારની કથા ન સાંભળતા હોય તો તેમને સવારની કથા સાંભળવાનો ખાસ નિયમ રખાવવો અને જે સાંભળતા હોય તે સભ્યો માટે આ લેખમાં બતાવ્યા અનુસાર કંઈક ભક્તિ સંબંધી નિયમ લેવા.

આ ઉપરાંત નિયમોમાં…..

  • ઘરના કોઈ સભ્યો મોબાઈલ, ટી.વી કે કોમ્પ્યુટરનો વધારે પડતો ઉપયોગ કરતા હોય તો તેનો કામ પૂરતો જ ઉપયોગ કરવો અથવા રાત્રે અમુક સમય પછી તેનો ઉપયોગ ન જ કરવો તેવો નિયમ લઈ શકાય.
  • ઘરના વડીલોએ ક્રોધ ન કરવો અને વધારેમાં વધારે ભજન થાય તેવા નિયમો લઈ શકાય.
  • ચાતૃમાસ રાત્રે વહેલા સૂઈ જવું અને સવારે વહેલા જાગવું વગેરે નિયમો પણ લઈ શકાય.

ઘરના દરેક સભ્યોએ એકબીજાને દરરોજ નિયમની યાદી આપવી અને નિયમ પળે તે માટે ઘરના સભ્યોએ સજાગ રહેવું અને એકબીજાને સજાગતા આપવી.

ત્યારબાદ થોડીક રમૂજી વાતો કરવી, એક-બે જોક્સ કહેવા અને પ્રસાદ વહેંચવો. એકબીજાને પગે લાગી જય સ્વામિનારાયણ કહીને ઘરસભાની પૂર્ણાહુતિ કરવી...