ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં શિક્ષાપત્રી

ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં શિક્ષાપત્રી
ભગવાન શ્રી સ્વામિનારાયણ રચિત “શિક્ષાપત્રી” ને ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ, એશિયા બુક ઓફ રેકોર્ડસ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન 120 કિલો વજન 8 ફૂટ પહોળાઇ અને 5.5 ફૂટ ઉંચાઇ ધરાવતી વિશ્વની સૌથી મોટી હસ્તપ્રત શિક્ષાપત્રી પરમ પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામની પ્રેરણાથી તૈયાર કરાયેલી શિક્ષાપત્રી વડતાલધામને અર્પણ કરાઈ. વિશ્વની સૌથી મોટી હસ્તપ્રત તરીકે ભગવાન શ્રી સ્વામિનારાયણ રચિત શિક્ષાપત્રીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ, એશિયા બુક ઓફ રેકોર્ડસ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ”, આ ત્રણ એવોર્ડ એનાયત કરાયા છે. આ સચિત્ર શિક્ષાપત્રીમાં 212 શ્લોક, કુલ 224 હસ્તલિખિત પેજ છે. આ હસ્તપ્રતનું લેખન તથા ચિત્રકામ કુંડળધામના 150 જેટલા હરિભક્તોએ માત્ર 24 કલાકમાં પૂર્ણ કર્યું હતું તથા બાઇન્ડીંગ માત્ર 10 કલાકમાં કરવામાં આવ્યું હતું. આજથી 196 વર્ષ પહેલા વડતાલધામે બિરાજી સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રી લખી હતી. તેથી પૂજ્ય સ્વામીજીએ શિક્ષાપત્રીની પ્રાગટ્ય ભૂમિ એવા વડતાલધામને અર્પણ કરી છે. કુંડળધામ દ્વારા પરમ પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી તૈયાર કરાયેલી આ હસ્તપ્રત શિક્ષાપત્રી વડતાલધામ ખાતે તૈયાર થઈ રહેલા શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીભૂત વસ્તુઓના ભવ્ય મ્યુઝિયમના ખાતમુહૂર્ત પ્રસંગે તેનું લોકાર્પણ તથા વડતાલધામને અર્પણ કરવામાં આવી છે. આ શિક્ષાપત્રીનો હેતુ માનવજાત અને ભક્તોના કલ્યાણ માટે ભગવાન શ્રી સ્વામિનારાયણના આશીર્વાદ અને આજ્ઞાઓનો લાભ પ્રાપ્ત થાય તેવો છે. દુનિયાની પ્રત્યેક વ્યક્તિ સુધી આ દિવ્ય સંદેશાઓ પહોંચે એવા માનવકલ્યાણના ઉમદા હેતુ સાથેની આ શિક્ષાપત્રીના તમામ 224 પાનાઓ શરૂઆતથી અંત સુધી હસ્તલિખિત છે, તમામ ચિત્રો પણ હાથથી જ તૈયાર કરાયા છે. ક્યાંય પ્રિન્ટીંગ કરાયું નથી. 196 વર્ષ પહેલા વડતાલધામમાં રહીને ભગવાન શ્રીસ્વામિનારાયણે 212 શ્લોકની આ શિક્ષાપત્રીની રચના મૂળ સંસ્કૃત ભાષામાં કરી હતી. જેને હાલ સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મોટા કદમાં તૈયાર કરવામાં આવી છે તે 8 ફૂટ પહોળી, 5.5 ફૂટ ઉંચી તથા 120 કિલો વજનની છે. અત્રે નોંધપાત્ર બાબત એ છે કે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડસની વેબસાઈટમાં એવી ખાસ નોંધ કરાઈ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના કરોડો હરિભક્તો આ શિક્ષાપત્રીને તેમની પ્રાતઃપૂજામાં રાખી નિત્ય પઠન કરે છે. જેનાથી કરોડો મોક્ષભાગી જીવાત્માઓ સદાચાર એવું ભગવતપ્રાપ્તિના માર્ગે આ લોક પરલોકનું શ્રેય પ્રાપ્ત કરે છે. ત્યારે વડતાલમાં અર્પણ કરાયેલ આ સચિત્ર શિક્ષાપત્રી કરોડો મુમુક્ષુઓ માટે એક અનોખું દિવ્યદર્શનનું સંભારણું બની રહેશે. આ પ્રસંગે પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીને વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજ તથા સંતોની નિશ્રામાં વરિષ્ઠ સંતોના હસ્તે સર્ટીફીકેટ તથા મેડલ પણ અર્પણ કરવામાં આવ્યા હતા.