વાસ્તવિકતા

વાસ્તવિકતા
May 1, 2025
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુન્ડલધામ
0:00/0:00

એક રાજ્યમાં બહુ મોટા રાજા રહેતા હતા. ખૂબ જ સારી રીતે તેમનું રાજ્ય ચાલતું હતું. તેઓ સાધુ-સંતોને, ગરીબોને, જરૂરિયાતમંદોને ખૂબ મદદ કરતા હતા. લોકકલ્યાણનાં કામો કરતા. તેની નામના અને મહાનતા ચારેબાજુ ગૂંજતી રહેતી હતી. બધા તેમને બહુ મોટા અને મહાન માનતા હતા. આખા રાજ્યમાં તેમની વાહવાહ થતી હતી.

એકવાર તેમના મહેલમાં કચેરી ભરાઈને બેઠી હતી. તેમાં રાજા અને તેમના માણસો બેઠા હતા. તેવામાં એક મહાત્મા તે રાજાના મહેલમાં આવી ચડયા. મહાત્મા હોવાથી તેમને કોઈએ રોક્યા નહીં. તેઓ સીધા રાજાની ભરાયેલી કચેરીમાં પહોંચી ગયા. રાજા તો મહાત્માને જોઈને પગે લાગ્યા અને ફૂલહાર વગેરેથી સન્માન કરી તેમને સારી રીતે આવકાર્યા.

મહાત્મા રાજાને કહે, “તમે બહુ મોટા છો, ગુણવાન છો, મહાન છો. સર્વત્ર તમારી વાહવાહ થઈ રહી છે. આખા રાજ્યની જનતા તમારાથી ખૂબ જ ખુશ છે.” આટલું બોલ્યા ત્યાં તો રાજા વચ્ચમાં બોલ્યા, “ના..ના.. એવું ના હોય. મારામાં એવુ કાંઈ નથી. હું તો સાવ નકામો માણસ છું, મારી વાહવાહ કરનારા મહાન છે. હું તો માની છું, ક્રોધી છું, દંભી છું, અહંકારી છું.” ત્યાં મહાત્મા બોલ્યા, “ના..ના.. એવું ના હોય. આ બધા કહે છે. તમે તો ખરેખર ખૂબ જ મહાન છો.”

આ ચર્ચામાં રાજાને પોતાનાં વખાણ બહુ જ ગમતાં હતાં, પેટમાં ગલગલિયાં થતાં હતાં. મહાત્માને થયું કે કોઈક દિવસ આ રાજાની પરીક્ષા કરવી પડશે.

રાજાએ તેમના માણસોને કહ્યું કે, “આ મહાત્માને સારામાં સારું જમાડો અને દાન-દક્ષિણા આપો.”

અમુક દિવસો પછી એક દિવસ રાજા એકલા પોતાના મહેલના ઝરૂખામાં બેઠા હતા. ત્યાં બરાબર ઝરૂખાની નીચેથી મહાત્મા પસાર થયા. ત્યાં બીજું કોઈ ન હતું, તેથી રાજાને જોઈને મહાત્માને એવો વિચાર આવ્યો કે, “આજે રાજાની પરીક્ષા લઈ લેવી છે.” આમ વિચારે છે ત્યાં જ રાજાની અને મહાત્માની ચાર આંખ ભેગી થઈ ગઈ.

મહાત્મા જોરથી બોલ્યા કે, “એય..! માની. તું તો ક્રોધી છો, દંભી છો, અહંનું ઠૂંઠું છો.” આટલું સાંભળતાં જ રાજાનો બાટલો ફાટ્યો. મગજ ગયો. મનમાં અતિશય ક્રોધ ભરાયો, પણ સામે મહાત્મા હતા એટલે કાંઈ બોલી શક્યા નહીં.