સુખી માણસ

સુખી માણસ
August 8, 2023
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

એક રાજા હતો. એના જેવું સુખી કોઈ નથી એવું સહુને લાગે; પણ રાજાને હતું કે પોતે માંદો છે દૂબળો છે, એમ મનથી સુખી નહોતો. એણે જાત-જાતના વૈદ્યોને તેડાવ્યા. સહુએ એક જ વાત કરી કે, ‘આપને કોઈ રોગ નથી.’

રાજા કહે, ‘આ બધાને રોગ પકડાતો નથી;’ એમ કહી વૈદ્યોને કાઢી મૂક્યા, છેવટે એક નવો વૈદ્ય આવ્યો. રાજાને તપાસતાં એને ખ્યાલ આવી ગયો કે, રાજાને કોઈ રોગ નથી, છતાં તે રાજાને કહે, ‘આપની માંદગી ગંભીર છે.’ રાજા કહે, ‘તમે તેની દવા કરો.’

વૈદ્ય કહે, ‘મહારાજા ! ઉપાય બહુ સહેલો છે, તમે કોઈ સુખી માણસનું પહેરણ પહેરીને એક રાત સૂઓ, તો તમારો રોગ મટી જાય.’ રાજાએ સૈનિકોને કહ્યું, ‘જાઓ, આખા રાજ્યમાં ફરીને સુખી માણસનું પહેરણ લાવો.’

સૈનિકો પહેરણ શોધવા ગયા, પણ જેને મળ્યા તેને કાંઈક ને કાંઈક દુ:ખ હતું જ. કોઈનો દીકરો મૃત્યુ પામેલો, કોઈને દીકરો નહોતો, કોઈકને છોકરાં માનતાં ન હતાં. કોઈકને પત્ની મળતી ન હતી. કોઈકને ઘર નહોતાં. કોઈકને રોગ હતો. કોઈકને દુશ્મનો હેરાન કરતા હતા. આમ, રાજ્યમાં તેમને કોઈ સુખી માણસ મળ્યો નહીં.

સૈનિકો પાસેથી લોકોના દુ:ખની વાત સાંભળતાં રાજાને લાગ્યું કે, ‘લોકોના દુ:ખની આગળ તો હું ઘણો સુખી છું.’ તોપણ તેમણે સૈનિકોનેે ધમકી આપી કે, ‘ગમે તેમ કરીને સુખી માણસનું પહેરણ લાવો. નહિ તો...’

સૈનિકોને આખા રાજ્યમાં કોઈ સુખી માણસ મળ્યો નહીં. નિરાશ થઈને પાછા આવતાં તેમણે ઘાસ ઉપર સૂતાં સૂતાં મસ્તીમાં ગીતો ગાતો એક માણસ જોયો. સૈનિકોને આ માણસ ખૂબ સુખી લાગ્યો.

સૈનિકોએ તેને પૂછ્યું, ‘તું સુખી છો ?’ ત્યારે તે કહે, ‘હા, ખૂબ જ સુખી છું, ખાવાનો રોટલો મહેનત કરીને મેળવી લઉં છું, પછી ચિંતા શેની ?’ સૈનિકોએ રાજી થઈને કહ્યું, ‘તું તારું પહેરણ ફક્ત એક રાત માટે અમને આપ.’ તે કહે, ‘મારું પહેરણ ! તમારે શું કામનું ?

સૈનિકોએ કહ્યું, ‘એ પહેરણ રાજાને જોઈએ છે.’

તે કહે, ‘મારું પહેરણ રાજાને કામ આવતું હોય તો મને આપવામાં શું વાંધો છે ? પણ, મારી પાસે પીઠ ઢાંકવા માટે નાનું બંડ્યું પણ નથી, તો પહેરણ હોય જ ક્યાંથી ?

સૈનિકોએ આ વાત રાજાને કરી. ‘રાજાજી, અમે સુખી માણસને શોધી કાઢ્યો છે.’ રાજા કહે, ‘તેનું પહેરણ ક્યાં છે ? લાવો.’

‘એની પાસે પહેરણ હતું જ નહિ, તો કેમ કરીને લાવીએ ?

રાજાએ કહ્યું કે, ‘તે માણસ ક્યાં છે ?’ સૈનિકોએ કહ્યું કે, ‘તે સામેના બગીચામાં છે.’ રાજાએ બારીમાંથી નજર કરી તો પેલો માણસ બગીચામાં સૂતો સૂતો મસ્તીમાં ગીતો ગાતો હતો. રાજાને થયું કે, ‘આને પહેરવાનાં કપડાં નથી છતાંય સુખી છે ! અને હું રાજા હોવા છતાં સુખી નથી ! એ જ મારી ગેરસમજણ છે.’

વહાલા ભક્તો ! પ્રભુએ આપણને ખૂબ જ સુખી રાખ્યા છે, પણ આપણે મનનાં માનેલાં દુ:ખોથી દુ:ખી છીએ. જગત છે જ એવું કે એમાં શાશ્વત સુખ મળે જ નહિ, માટે ભગવાનનું ભજન કરી મોક્ષ કરી લઈએ તો કાયમી સુખી થઈ જઈએ.