
કચ્છ દેશને વિશે ખોખરા ગામમાં શ્રીજીમહારાજના એકાંતિક ભક્ત સુતાર વાઘજીભાઈ રહેતા હતા. તેમણે એક સમયે પોતાના કાકા સુતાર રામજીભાઈને કહ્યું કે, “હે કાકા, આપણું ગામ પ્રસાદીનું છે, કારણ કે અહીં આપણા ગામમાં શ્રીજીમહારાજ ઘણું રહ્યા છે. તેથી આપણા ગામમાં દર્શન કરવા માટે દેશી-પરદેશી સંતોનાં મંડળો આવે. અને વળી કોઈક હરિભક્તો પણ આવે છે. માટે જો એક સારું મંદિર કરાવીએ તો સંતોને તથા હરિભક્તોને ઉતારા માટે કામમાં આવે. અને આપણને પણ ભજન-ભક્તિ કરવાનું સાનુકૂળ પડે. ત્યારે તે વાત રામજીભાઈને પ્રિય ન લાગી. કારણ કે રામજીભાઈને પ્રવૃત્તિ માર્ગ પ્રિય ન હતો.
પછી જ્યારે તે મંદિરનું કામ પૂર્ણ થઈ રહ્યું. ત્યારે એક સમયે વૈશાખ માસમાં રાત્રીને વિષે રામજીભાઈ પોતાના ઘરના આંગણામાં ખાટલા ઉપર સૂતેલા હતા.અને અર્ધ રાત્રીનો સમય હતો. તે જ સમયે શ્રીજીમહારાજે દિવ્ય સ્વરૂપે અચાનક આવીને સૂતેલા રામજીભક્તને સોટી મારીને જગાડ્યા. ત્યારે રામજીભક્ત તત્કાળ જાગૃત થયા ને જોયું તો પોતાની સમીપે શ્રીજીમહારાજને ઊભેલા દીઠા ને તત્કાળ શ્રીજીમહારાજને ઓળખી લીધા. કારણ કે રામજીભક્ત શ્રીજીમહારાજને મળેલા હતા. અને તે શ્રીજીમહારાજ સાથે ઘણી વખત ફરેલા પણ હતા. તેથી આ શ્રીજીમહારાજ જ છે; એમ જાણીને તત્કાળ ઊઠીને દંડવત્પ્રણામ કરવા લાગ્યા.
ત્યારપછી શ્રીજીમહારાજ તો તે મંદિરમાં ચારેબાજુ ભીંતમાં રહેલી જે ખીંટીઓ તથા બારીઓ, દરવાજા વિગેરેમાં પોતાના હસ્તકમળ ફેરવવા લાગ્યા અને વાઘજીભાઈની પ્રશંસા કરવા લાગ્યા જે, ‘અહો ! વાઘજીભાઈએ મંદિર બહુ સારું કરાવેલું છે. વળી, તેમાં ખીંટીઓ તથા બારી, દરવાજાઓ આદિક બહુ સારાં કરાવેલ છે; એવી રીતે વાઘજીભાઈની ઘણીક પ્રશંસા કરી. તે સાંભળીને રામજીભક્તના મનમાં એમ થયું જે, ‘શ્રીજીમહારાજ તો મારા ભત્રીજાની જ પ્રશંસા કરે છે; અને મારું તો નામેય લેતા નથી, તેનું શું કારણ ?’ પછી વળી રામજીભક્તને વિચાર થયો જે, ‘આ મંદિર કરાવવામાં મેં કાંઈ પણ સેવાનો લાભ લીધો નથી; એ મારી મોટી ભૂલ થઈ છે, અને તેથી જ શ્રીજીમહારાજ મારી પ્રશંસા કરતા નથી. એવી રીતે પોતાના મનમાં વિચાર કરીને અતિશે પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
પછી રામજીભક્તે શ્રીજીમહારાજને કહ્યું જે, “હે મહારાજ ! વાઘજીભાઈને જગાડું ? ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, અત્યારે અમારે જવાની ઉતાવળ છે. માટે વાઘજીભાઈને જગાડશો નહિ. અને રામજીભક્ત ! આ અમારી પ્રસાદીની ચાદર લ્યો ને તે ચાદર વાઘજીભાઈને આપજો. કારણ કે વાઘજીભાઈએ અમારું મંદિર બહુ સારું કરાવેલું છે. તેથી તેમના ઉપર અમે અતિશે પ્રસન્ન થયા છીએ.” ત્યારે રામજીભક્તે કહ્યું જે, “હે મહારાજ ! આ તમારી ચાદર અમારાથી કેમ લેવાય ? કારણ કે, તમો તો અમારે દેવાનું ઠેકાણું છે, પણ લેવાનું ઠેકાણું નથી, માટે અમારાથી તે લેવાય નહિ; એમ કહીને તે ચાદર રામજીભક્તે લીધી નહીં. ત્યારે તે જ સમયે શ્રીજીમહારાજ અદૃશ્ય થઈ ગયા.
ત્યારપછી રામજીભક્તે તે જ સમયે વાઘજીભાઈને જગાડ્યા અને સર્વે વાત વિસ્તારે સહિત કહી જે, “વાઘજીભાઈ ! શ્રીજીમહારાજ તો તમારી ઉપર બહુ જ રાજી થયા અને તમારાં જ અતિશે વખાણ કર્યાં, પણ મારું તો નામેય લીધું નહીં. વળી, શ્રીજીમહારાજે પોતાની પ્રસાદીની ચાદર આપવા માંડી અને કહ્યું કે, ‘આ ચાદર તમો લ્યો અને તે વાઘજીભાઈને આપજો, પણ તે મારાથી લેવાણી નહીં.’ ત્યારે વાઘજીભાઈએ કહ્યું જે, ‘કાકા ! તમે તો બહુ ખોટું કર્યું અને મોટી ભૂલ કરી. કારણ કે, તે ચાદર તો અવશ્ય લીધા જેવી હતી, અને તે પ્રસાદીની વસ્તુ તો મોટાં ભાગ્યવાળાને જ મળે છે, પણ સર્વેને તેવી પ્રસાદીની વસ્તુ મળતી નથી; માટે કાકા ! તમે તો અતિ મોટી ભૂલ કરી પણ હવે શું થાય ?’ એવી રીતે કહીને વાઘજીભાઈ તો ઘણો જ પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
વહાલા ભક્તો ! રામજીભક્તે પ્રસાદીની ચાદર લીધી નહિ તેનું કારણ એ હતું કે, પોતે શ્રીજીમહારાજને મળેલ હતા અને ઘણી વખત શ્રીજીમહારાજની સાથે રહેલા હતા, પરંતુ મહામુક્ત એવા જે બ્રહ્મવેત્તા સંત તેમનો સમાગમ કરેલ નહિ. તેથી તેનું માહાત્મ્ય ન હતું. અને વાઘજીભાઈને જેવી ભગવાનને વિષે સ્થિતિ હતી તેવી સ્થિતિને પણ પામેલ ન હતા. અને વાઘજીભાઈ તો શ્રીજીમહારાજને મળેલા પણ ન હતા, તોપણ મહામુક્ત સદ્.આનંદાનંદ સ્વામી તથા સદ્.અચ્યુતદાસજી સ્વામી તથા સદ્.અક્ષરજીવનદાસજી સ્વામી તથા માંડવીના વિપ્ર લક્ષ્મીરામભાઈ - એ આદિક મહામુક્ત પુરુષોને સેવા સમાગમે કરીને પ્રસન્ન કરેલા હતા. અને તેમના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરેલા હતા. તેણે કરીને તે વાઘજીભાઈ તો ઉત્તમ એવી જે બ્રહ્મસ્થિતિને પામેલા હતા; તેણે કરીને તે શ્રીજીમહારાજનો, તેમને હૃદયમાં અખંડ ધારી રહેલા એવા સાચા સંતનો અને શ્રીજીમહારાજે પ્રસાદીની કરેલી કોઈ પણ વસ્તુ તેનો અતિશે મહિમા જાણતા હતા.