संपन्नारायणस्मृति:

संपन्नारायणस्मृति:
February 1, 2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

અમદાવાદમાં મુસલમાન ભક્ત ડોસા તાઈ રહેતા હતા. સર્વ ક્રિયામાં પ્રભુનું અખંડ નામ-સ્મરણ કરવું; એવું એમનું ખાસ અંગ હતું. અતિ અગત્યનું કોઈને કામ હોય અને તે પૂછે, તો જ ડોસા ભક્ત થોડું બોલી બહુ ટૂંકમાં વાત પતાવી લેતા. પ્રભુભજન વિના એક પણ શ્વાસ વ્યર્થ જવા ન દેતા. તેથી જ્યારે ઇચ્છા થાય ત્યારે ઘેર બેઠાં વડતાલ, ગઢપુર, જૂનાગઢ, ભુજ ઇત્યાદિ દેવ-મંદિરોનાં અને કોઈવાર સમાધિમાં દેવલોક, શ્વેતદ્વીપ, બદરિકાશ્રમ, ગોલોક, વૈકુંઠ અને અક્ષરધામનાં દર્શન કરી ત્યાંની આશ્ચર્યકારક વાતો કરતા.

ડોસા ભક્ત શરીરે મજબૂત અને શ્રદ્ધાવાળા હતા. તેઓ જ્યારે જૂનાગઢ મંદિરમાં સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીની સાથે પાર્ષદ થઈને રહેતા હતા, ત્યારે કોઈ પણ પ્રકારની સેવા કરતાં કરતાં એમ ધીરા અવાજે અખંડ ભજન કર્યા કરતા; એટલું જ નહિ, પરંતુ ભજન-સ્મરણના આનંદમાં એમને ખાવું, પીવું વગેરે દેહની ક્રિયાઓ પણ યાદ રહેતી નહીં. કોઈ કહે કે, ચાલો જમવાનો સમય થઈ ગયો, ત્યારે તેઓ એટલું બોલતા કે, “ચાલો ત્યારે પોઠિયાને ભાડું આપીએ.” અને જો કોઈ જમવાનું ન પૂછે, તો બે દહાડા ભૂખ્યા પણ ચાલ્યા જતા. જમવા બેસે ત્યારે જેટલું પીરસ્યું હોય તેટલું જમી લેતા. ફરીથી કોઈ પીરસે તો ભલે, નહિતર કંઈ પણ માગતા નહીં. આમ, ડોસા ભક્ત સર્વ રીતે અતિ ઉચ્ચ સ્થિતિને પામ્યા હતા.

વહાલા ભક્તો ! જ્યારે ડોસાતાઈની જેમ ભગવાનના સુખમાં દૃષ્ટિ પહોંચે છે અને તે સુખનો અનુભવ થાય છે; ત્યારે તેને એક ભગવાન જ સર્વ શ્રેષ્ઠ સુખ-સંપત્તિ મનાય છે; પરિણામે તેની જ અખંડ સ્મૃતિ રહે છે; પરંતુ તેવું નથી થયું, ત્યાં સુધી તો કોઈક ધન, દોલત, ગાડી, બંગલા વગેરેને પોતાની સાચી સંપત્તિ માને છે, કોઈક શારીરિક સ્વાસ્થ્ય અને બળને પોતાની સાચી સંપત્તિ માને છે, તો કોઈક પોતાનાં જ્ઞાન, બુદ્ધિ, કીર્તિ, માન, મોભો વગેરેને પોતાની સાચી સંપત્તિ માને છે; અને તેમાંનું કાંઈક ન મળે, મેળવવામાં અડચણ પડે, મળેલું ઓછું થાય અથવા નાશ પામે તને વિપત્તિ માને છે; પરંતુ ભગવાનના ભક્તને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ડોસાતાઈની જેમ ભગવાનના દિવ્ય આનંદનો અનુભવ થાય છે, ત્યારે તેને સમજાય છે કે,

અર્થાત્

જેને શ્રીહરિ જ સાચી સંપત્તિ મનાતી હોય તેને તો પૂ.ગુરુજીએ કહ્યું છે તેવો કેફ રહે કે —

વહાલા ભક્તો ! આપણે ભગવાન ભૂલી જઈએ છે, તેનું કારણ એ છે કે હજુ ભગવાન જ મારી સાચી સંપત્તિ છે, મારું સાચું સુખ છે; તેવું મનાયું નથી અને અનુભવાતું પણ નથી. જેમ ગીંગાને વિષ્ઠાની ગોળીમાં માલ મનાય છે, તેમ આપણને પંચવિષયમાં માલ મનાય છે. ગીંગાને ને ભમરાને ભાઈબંધાઈ થઈ. પછી ભમરે ગીંગાને કહ્યું જે, “આજ તો મારા બગીચામાં આવ. ત્યાં ગુલાબ, મોગરા, જાઈ, જૂઈ વગેરે સુગંધીદાર વિવિધ ફૂલોની સુગંધ માણીને તું ખુશ ખુશ થઈ જઈશ.” ત્યારે ગીંગો કહે, “ચાલ.”

પછી ભમરો ગીંગાને બગીચામાં લઈ ગયો, પણ ગીંગાએ તો પોતાના નાકમાં વિષ્ઠાની ગોળીઓ ભરાવેલી હતી. તેથી તેને તો બગીચામાં પણ ફૂલોને બદલે વિષ્ઠાની જ ગંધ આવતી હતી. પછી ભમરે પૂછ્યું, “કેમ ભાઈ, કેવી સુગંધ છે ?” ગીંગો કહે, “મારા જેવી છે.” પછી ભમરાએ જોયું કે તેના નાકમાં વિષ્ઠાની ગોળીઓ છે. તેથી પાસે એક સરોવર હતું, તેમાં ગીંગાને લઈ જઈને ખૂબ નવરાવ્યો, તેથી છીંકો આવી ને નાક સાફ થઈ ગયું. પછી તેને મોગરાનાં પુષ્પ ઉપર લઈ જઈને બેસાડ્યો. ત્યારે ગીંગો બોલ્યો જે, “વાહ, શું સુગંધ આવે છે !”

વળી, મહારાજે પંચાળા પ્રકરણના પહેલા વચનામૃતમાં કરેલ વાત વિચારીએ તો સમજાય કે, આ લોકમાં પશુઓ, મનુષ્યો, દેવતાઓ વગેરેને પંચવિષયમાં જે અતિશય સુખ અનુભવાય છે, તે તો ભગવાને મૂકેલ છે; તો તે સુખ મૂકનાર પંડે ભગવાનમાં કેવું સુખ હશે ! માટે બીજે ઠેકાણે તો કિંચિત્ સુખ છે અને સંપૂર્ણ સુખ તો ભગવાનની સમીપમાં રહ્યું છે. માટે જેમ જેમ ભગવાનનો સંબંધ અતિશય રાખશું તેમ તેમ વધુ ને વધુ સુખ અનુભવાશે.

આવા સુખમય પુરુષોત્તમનારાયણને જાણવા, જોવા અને માણવાનો ઉપાય બતાવતાં શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં પણ કહ્યું છે કે,

(गीता : ११/५४)

હે અર્જુન ! એક માત્ર મારા સ્વરૂપમાં જ રહેલી અનન્ય ભક્તિથી-અતિ પ્રગાઢ પ્રીતિથી તો મને આવી રીતે દેખવો, યથાર્થપણે જાણવો અને અખંડ ધ્યાન વડે મારામાં પ્રવેશ પામવો તે શક્ય છે. એ સિવાય બીજા કોઈ પણ ઉપાયથી આવાં મારાં દર્શન, મારું યથાર્થ જ્ઞાન અને મારામાં વિરામ શક્ય જ નથી.