
સુરતમાં નાના શેઠ ઘણા પાકા હરિભક્ત હતા. એક સમયે સ્વરૂપાનંદ સ્વામી આદિક મોટેરા સંતો સુરતમાં રહ્યા હતા. તે બધા બીમાર પડ્યા ત્યારે તે નાના શેઠે તે સંતોની સેવા મન, કર્મ, વચનથી અને સાચા દિલથી કરી. તેમની સેવા અને નિખાલસ સ્વભાવથી શ્રીહરિ તથા સંતો તેમના ઉપર વારંવાર રાજી થતા હતા. સંતોના રાજીપાથી તેઓ સત્સંગની વાતો કરવાનું શીખી ગયા અને બીજા પણ સારા ગુણો તેમનામાં આવ્યા. તેથી તેઓ સત્સંગમાં મોટેરા, પ્રતિષ્ઠિત ને આદરણીય થયા.
પરંતુ સમય જતા બાજી પલટાણી. પ્રથમ તો તેઓ શ્રીહરિ અને સંતોને મહાન માનીને તેમને રાજી કરવાના તાનથી સેવા કરતા હતા, ને સત્સંગની વાતો કરતા હતા; પરંતુ મોટાઈ મળતાં રાજીપો મેળવવાનું તાન છૂટી ગયું, ને સદ્ગુણોથી મળતા માનનો સ્વાદ માણવા લાગ્યા, પોતાને ડાહ્યા, મહાન ને સદ્ગુણી માનવા લાગ્યા; ને જે સંતોની સેવા કરી હતી, તેમને બુદ્ધિરહિત માનીને તેમનો દોષ લેવા લાગ્યા. હરિભક્તોને પણ પોતાનાથી તુચ્છ માનવા લાવ્યા અને તેમની સામે ક્રોધ કરવા લાગ્યા. આમ સદ્ગુણોનો હેતુ બદલાતા તે જ સદ્ગુણોએ તે શેઠની માઠી દશા કરી નાખી.
ૠષભદેવના પુત્ર જડભરતજીએ સમગ્ર પૃથ્વીના રાજ્યનો ત્યાગ કર્યો અને વનમાં તપ ને ભજન કરવા ગયા. ત્યાં ગંડકી નદીમાં ડૂબી રહેલ એક હરણના બચ્ચાને દયા કરીને બચાવ્યું. પછી તે બચ્ચામાં અતિ હેત થયું ને તેના કારણે મૃગનો અવતાર આવ્યો. વહાલા ભક્તો ! દયા તો બહુ મોટો સદ્ગુણ કહેવાય, પણ ભરતજીની દયા મર્યાદા ચૂકી ગઈ, ને તેમને ભગવાનને પામવાના માર્ગેથી પાડીને મૃગ બનાવી દીધા.
એકવાર ગઢડામાં પાણાનાં ગાડાં આવ્યાં, ત્યારે શ્રીજીમહારાજે સંતોને પાણા ઉતારવા માટે બોલાવ્યા, ત્યારે બધા સંતો આવ્યા; પરંતુ એક સંતને ભજનનું તાન હોવાથી માળા ફેરવવા માટે બેસી રહ્યા. તે મહારાજને ગમ્યું નહીં. વહાલા ભક્તો ! કરી કરીને જે કરવાનું છે, અને જે ખુદ ભગવાનને બહુ ગમે છે, તે ભજન પણ વિવેક વિના ભગવાનને રાજી કરવાને બદલે કુરાજી કરવાનું કારણ બની ગયું.
અલૈયા ખાચર દૃઢ બ્રહ્મચર્ય પાળતા અને ઘણા લોકોને સત્સંગ કરાવતા હતા, પરંતુ તે બધું શુદ્ધ ભગવાનને રાજી કરવાના હેતુથી નો’તું થતું, ભેગું છૂપું શેતાન માન પણ કામ કરતું હતું, તેથી જ્યારે શ્રીજીમહારાજે તેમનું જરા માન મોડ્યું, ત્યારે પુરુષોત્તમનારાયણ એવા મહારાજનો પણ અભાવ આવ્યો, ને તે સદ્ગુણોએ તેમને માની બનાવીનેે સત્સંગમાંથી એવા પાછા પાડ્યા કે શ્રીજીમહારાજ ધામમાં ગયા ત્યાં સુધી સત્સંગમાં પાછા ન આવી શક્યા.
પંચાળાના પાંચમા વચનામૃતમાં શ્રીજીમહારાજે જે સત્સંગનો દ્રોહી હોય, પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય; તેની આગળ તો નિર્માની થયા વિના તીખા બાણ જેવું વચન મારવાનું કહ્યું છે. કારણ કે, તેમ ન કરીએ તો આપણે પણ તેના શબ્દો સાંભળીને ધીરેધીરે તેના જેવા થઈ જઈએ. આમ, એક જ મોટો સદ્ગુણ નિર્માનીપણું સત્સંગથી વિમુખ થયેલ આગળ રાખવાથી તે દુર્ગુણ બની જાય છે.
ભજન, સેવા, તપ વગેરે કરવા રૂપ ઘણા બધા ગુણો કેળવ્યા હોય પણ તેથી શ્રીહરિમાં દૃઢ પ્રેમ ન થાય, તો તે ગુણોનો શો અર્થ ? કાંઈ નહીં. તેમ જ, જો શ્રીહરિમાં દૃઢ પ્રેમ થઈ ગયો, તો બીજા ગુણ આવ્યા, તોય શું ને ન આવ્યા તોય શું ? કારણ કે,
શ્રીહરિચરિત્રામૃતસાગરમાં કહેલ છે કે,