સાચી પ્રીતિ

સાચી પ્રીતિ
April 1, 2026
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ
0:00/0:00

સદ્ગુરુ કેશવચરણદાસજી સ્વામીનો જન્મ વડતાલ પાસેના મહેળાવ ગામમાં સં.૧૮૫૮ની સાલમાં પટેલ જ્ઞાતિમાં થયો હતો. તેઓ સુખી-સદ્ગૃહસ્થના પુત્ર હતા. તેમણે શ્રીહરિ અને સંતોને અનેક વખત કેરીઓ જમાડી હતી. ત્યારપછી તેમને સંસારમાંથી વૈરાગ્ય થયો, તેથી તેઓ સાધુ થવા માટે સદ્.ગોપાળાનંદ સ્વામી પાસે ગઢપુર આવ્યા. પરંતુ તેમના પિતાશ્રી તેમને સમજાવીને ઘરે તેડી ગયા. આ રીતે ત્રણ વખત તેમના પિતાશ્રી તેમને ઘરે તેડી ગયા. ચોથી વખત તેઓને લેવા તેમના પિતાશ્રી આવ્યા, પરંતુ તે વખતે તેઓએ ઘરે આવવાની ચોખ્ખી ના પાડી. પછીથી ગોપાળાનંદ સ્વામીએ તેમને શ્રીહરિ પાસે સાધુદીક્ષા અપાવીને તેમનું કેશવચરણદાસજી નામ પાડ્યું. અને ત્યારથી તેઓ ગોપાળાનંદ સ્વામીના મંડળમાં રહેવા લાગ્યા. તેમને ગોપાળાનંદ સ્વામી સાથે અત્યંત સ્નેહ થયો. અને સ્વામીની મરજી મુજબ તેઓ સ્વામીની સેવા કરતા.

એક વખત રામનવમીનો સમૈયો કરવા માટે ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢથી વડતાલ પધાર્યા. આ વખતે ગોપાળાનંદ સ્વામીએ કેશવચરણદાસજી સ્વામીને કહ્યું કે, ‘તમો આ ગુણાતીતાનંદ સ્વામી સાથે જૂનાગઢ જાઓ. અને ત્યાં મંદિરમાં રહીને દેવની સેવા કરો.’ સ્વામીની વાત સાંભળીને કેશવચરણદાસજી સ્વામીએ કહ્યું કે, ‘સ્વામી ! મારે તો તમને પ્રસન્ન કરવા માટે તમારી સેવામાં રહેવું છે.’ ત્યારે સ્વામી કહે, ‘અમને રાજી કરવા હોય તો અમે કહીએ તેમ કરો. એટલે અમે રાજી થઈશું.’ પછી સ્વામીની મરજી જાણીને કેશવચરણદાસજી સ્વામી જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામી સાથે ગયા. ને ત્યાં ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે સેવા કરી સ્વામીને રાજી કર્યા.

તે કેશવચરણદાસજી સ્વામી એક દિવસ પોતાના પૂર્વાશ્રમની સંતો-ભક્તોને વાત કરતા હતા કે, ‘અમે જ્યારે ઘેર હતા ત્યારે અમારે વાડીમાં આંબા હતા, તેમાં એક-બે આંબા બહુ સારા હતા. તેની કેરી અમે મહારાજને જમાડતા. તે એક વખત અમે ચાર હરિભક્તો કેરીનો એકેક ટોપલો લઈને વડતાલ ગયા. ત્યારે આથમણા બારના ઓરડા રામપ્રતાપભાઈવાળા દરવાજા પાસે છે, તેમાં ઢોલિયા ઉપર શ્રીજીમહારાજ બેઠા હતા. ને તે વખતે મહારાજે લીલો રેશમનો સુરવાળ પહેર્યો હતો. ને સુરવાળ ને મોળિયા ઘડીના સોનેરી મૂક્યાં હતાં. ને નાડી જાળીવાળી પહેરી હતી. ને મહારાજ હિન્દુસ્તાની બોલી બોલતા. તે સમયે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુક સ્વામી તથા મૂળજી બ્રહ્મચારી મહારાજ પાસે બેઠા હતા. અમે તો જઈને કેરીઓના ટોપલા ઓસરીની કોરે મૂક્યા. પછી પાર્ષદે મહારાજને કહ્યું, ‘મહારાજ ! મહેળાવના ચાર હરિભક્તો કેરીઓના ટોપલા લઈને આવ્યા છે.’ ત્યારે મહારાજ કહે, ‘કેરીઓના ટોપલા લઈને આવ્યા છે ?’ એમ કહીને ઊઠ્યા ને ઉંબરા ઉપર આવીને ઊભા રહ્યા. ને હાથ બેય ઊંચા કરીને ઓતરંગ ઝાલીને ઊભા રહ્યા ને એક સુરવાળ જ પહેરેલો ને આખા શરીરમાં તિલ દેખાય. તે અલૌકિક દર્શન થયાં; તે મૂર્તિનું હું હંમેશાં ધ્યાન કરું છું. ત્યારે તે મૂર્તિ મને આબેહૂબ ધ્યાનમાં અત્યારે પણ એવી ને એવી દેખાય છે.’

પછી મહારાજ કહે, ‘હરિભક્તો આવો દર્શન કરો.’ પછી અમે મસ્તક નમાવીને પગે લાગ્યા. ચારેયના મસ્તક ઉપર મહારાજે ચરણારવિંદ મૂક્યાં ને પાછા ઢોલિયા ઉપર વિરાજમાન થયા. ત્યારે અમે મહારાજ પાસે કેરીઓના ટોપલા મૂક્યા.

ત્યારે મહારાજે ચારેય ટોપલામાંથી એક એક કેરી લીધી ને વખાણ કરવા મંડ્યા ને મુક્તાનંદ સ્વામીને કહે, ‘સ્વામી ! આ કેરીઓ બહુ સારી છે.’ ને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે, ‘આ કેરી તો બહુ મીઠી છે.’ ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, ‘મહારાજ ઠાલા વખાણ શું કરો છો ? ને કેરી સારી છે એ અમને શું ખબર પડે ? તમે જમીને પ્રસાદી આપો તો ખબર પડે.’

પછી મહારાજે કેરી ચૂસી અને મહારાજ કેરી ચૂસે તેમાં જરા પણ રસ ન રહે; એવી મહારાજને કેરી ચૂસવાની ટેવ હતી. પછી મહારાજ કેરી ચૂસવા માંડ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ ખોબો ધર્યો. ત્યારે મહારાજ કહે, ‘આ કેરી તો હરિભક્તને આપવી છે.’ ને હરિભક્તોને એમ સંકલ્પ થાય છે જે, મહારાજ કેરી જમે તે આપે તો આપણને પ્રસાદી મળે ને વળી ગોટલી વાવીએ તે પ્રસાદીનો આંબો થાય.

પછી મહારાજ કહે, ‘લ્યો પ્રસાદી લ્યો, પણ ઊગશે નહિ. કારણ કે આનું કારણશરીર તો બળી ગયું છે.’ પછી બીજી કેરી જમીને મુક્તાનંદ સ્વામીને આપી. ને પછી સૌને પ્રસાદી આપી; એમ મહારાજ સુખ આપતા.

વહાલા ભક્તો ! આ કથા માત્ર એક સ્મરણ નથી, પરંતુ શિષ્યના જીવનની ત્રણ મહત્ત્વની અવસ્થાઓ દર્શાવે છે.

૧. સેવા અને વૈરાગ્ય : કેશવચરણદાસજી સ્વામીએ પૂર્વાશ્રમમાં રહીને પણ ઉત્તમ કેરીઓ દ્વારા શ્રીહરિની સેવા કરી. સંસારના સુખો હોવા છતાં, ભગવાન પ્રત્યેનો તેમનો પ્રેમ એટલો ગાઢ હતો કે તેમણે ત્રણ-ત્રણ વખત પિતાના આગ્રહ છતાં ત્યાગનો માર્ગ પસંદ કર્યો.

૨. આજ્ઞાપાલન એ જ સાચી પ્રીતિ : ગોપાળાનંદ સ્વામી પ્રત્યે તેમને અત્યંત સ્નેહ હતો, છતાં જ્યારે સ્વામીએ તેમને પોતાની સેવામાંથી દૂર જઈ ગુણાતીતાનંદ સ્વામી પાસે જૂનાગઢ જવાની આજ્ઞા કરી, ત્યારે તેમણે મન મનાવીને ગુરુની આજ્ઞાને જ સર્વોપરી માની. “ગુરુને રાજી કરવા એ જ સાચી ભક્તિ” એ આ પ્રસંગનો મુખ્ય પ્રાણ છે.

૩. સ્મૃતિનું સુખ : કેશવચરણદાસજી સ્વામી વર્ષો પછી પણ મહારાજનાં એ દર્શન (લીલો સુરવાળ, તિલ-ચિહ્ન અને ઓતરંગ પકડીને ઊભેલી મૂર્તિ) ભૂલ્યા નહોતા. એ દર્શનની આબેહૂબ સ્મૃતિ હતી. આ દર્શાવે છે કે જો ભક્તિ સાચા હૃદયથી થઈ હોય, તો ભગવાનની મૂર્તિ અખંડ હૃદયમાં વસી જાય છે.