
આ આખું જ દૃષ્ટાંત આપણે પોતાની આધ્યાત્મિકતા સાથે સરખાવવાનું છે. આવું જ કાંઈક મારે આધ્યાત્મિક માર્ગમાં નહિ થાય ને...! તો ચાલો, જોઈએ આજનું Result.
વિશાલ એક નાના ગામમાં રહેતો હતો. તેના પિતા એક નાના દુકાનદાર હતા. તેમના ઘરમાં નાનાં-મોટાં આર્થિક સંકટો આવતાં રહેતાં હતાં. તેથી વિશાલે નક્કી કર્યું કે, તે CA(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) બનશે અને તેના પરિવારને આર્થિક સ્થિતિમાંથી બહાર કાઢશે. વિશાલ ખૂબ જ પ્રતિભાશાળી અને મહેનતુ યુવક હતો. તે રોજ સવારમાં વહેલો ઊઠતો અને રાત્રે મોડે સુધી ભણતો. તેની મહેનતના દૃષ્ટિકોણને જોઈને તેના પરિવાર અને ગામના લોકો તેને પ્રોત્સાહિત કરતા.
તે જ્યારે ભણવા બેસતો ત્યારે તેના મિત્રો તેને રમવા, હરવા-ફરવા માટે બોલાવતા. તે સમયે વિશાલ વિચારતો કે, તે થોડા સમયમાં પાછો આવીને ભણવાનું પૂરું કરી લેશે, પણ ધાર્યા મુજબ તે પાછો આવી ભણી શક્તો નહીં. આવું જોઈને તેના વાલી વિશાલને સમજાવતા અને વિશાલને પણ એવું લાગતું કે હું ભણવામાં પૂરી રીતે સક્ષમ છું અને મહેનત પણ કરી શકું તેમ છું, પરંતુ હું સમયને ખોટી રીતે વેડફી રહ્યો છું.
સમય જતાં હવે તો પરીક્ષાના થોડા જ અઠવાડિયા બાકી રહ્યા. વિશાલે હવે તો વધુ મહેનત કરી પોતાના સમય પર અભ્યાસ પૂરો કરી લેવાનું નક્કી કર્યું, પરંતુ તેને શરદી અને તાવ આવ્યો. આ બીમારીના કારણે તે થોડા દિવસો સુધી ભણતરથી દૂર રહી ગયો. જ્યારે તેને સારું થયું, ત્યારે તેને સમજાયું કે હવે તેની પાસે ખૂબ જ ઓછો સમય બાકી છે. તે દૃઢ નિશ્ચય સાથે વધુ મહેનત કરવા બેસી ગયો, પરંતુ તે હવે પૂરતી તંદુરસ્તીથી અભ્યાસ કરી શક્યો નહીં.
વિશાલને ખૂબ જ પસ્તાવો થયો. તેને સમજાયું કે તેની પાસે પૂરતો સમય અને તક બંને હતા, પરંતુ તે તેનો યોગ્ય ઉપયોગ કરી શક્યો નહીં. વળી, જો મેં સમયસર અભ્યાસ કરી લીધો હોત અને મમ્મીની વાત સાંભળીને તેનો અમલ કર્યો હોત તો ચોક્કસ સફળ થાત. હું મહેનત અને સમયના મહત્ત્વને સમજી શક્યો નહીં, અને તેના અભાવના કારણે હું નિષ્ફળ ગયો.
પોતાની ભૂલ સ્વીકારીને વિશાલ ફરીથી સો ટકા ધ્યાન આપીને રાત-દિવસ મહેનત કરવા લાગ્યો. થોડાક સમય પછી CAની એક્ઝામમાંં પાસ થઈ ગયો.
આપણે અનંત જન્મોથી લખચોરાશીમાં ભટકતા હતા. અત્યંત દુ:ખી થતા હતા. તેથી મહારાજે અતિ કરુણા કરી એમને પામવા માટે આવા દિવ્ય સત્સંગમાં એડમિશન આપ્યું. સાથોસાથ ભગવાનને ભેટાડે એવા પૂ.ગુરુજી અને સંતો-ભક્તોનો સાથ આપ્યો.
શરૂઆતમાં જ આપણે અક્ષરધામના મુક્ત બનવું જ છે, આવું નક્કી કર્યું. તેના માટે આપણે ખૂબ જ મહેનત કરીએ. જે કહે તે માનીએ. દોડાદોડ સેવા કરીએ. વહાલા હરિકૃષ્ણ મહારાજની અને મોટાપુરુષની આજ્ઞા વ્યવસ્થિત પાળીએ. રેગ્યુલર કથા સાંભળીએ, ચેષ્ટા-નિયમ કરીએ.
પછી જ્યારે કેફ ઓછો થાય ત્યારે ખ્યાલ આવે કે, મેં મારું જીવન ઘણું ખોટી દિશામાં વેડફી નાખ્યું. મહારાજે મને આવો દિવ્ય સત્સંગ આપ્યો હતો, સંતો-ભક્તોનો યોગ આપ્યો હતો; છતાં મારે જે કરવાનું હતું તે રહી ગયું ને બીજું જ કરવા લાગી ગયો. ત્યાં તો ઘણો સમય જતો રહ્યો હોય છે, ઉંમર પણ ઘણી થઈ ગઈ હોય, ઇન્દ્રિયો-અંત:કરણ પણ ઢીલાઢફ થઈ ગયાં હોય છે. શરીર પાસે, મન પાસે જેવું કામ લેવું જોઈએ એવું લઈ શકવા માટે સમર્થ પણ ન હોઈએ, ત્યારે ખ્યાલ આવે કે હું ખરેખર ભગવાનને પામવા જ આવ્યો હતો પણ આ શું થઈ રહ્યું છે ? આવા પસ્તાવા સાથે સંતોના શરણે પડીએ, ભૂલ સ્વીકારી નિખાલસ થઈએ, માફી માંગીએ ત્યારે આપણી સાચી મા પૂ.ગુરુજી, સંતો હાથ પકડે ને કહે, બેટા...! હું તારી સાથે છું.